શિવસેનાને લઈને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી શરૂ થઈ. મંગળવાર અને બુધવારે બે દિવસની સુનાવણી બાદ હવે સુપ્રીમ કોર્ટ બે સપ્તાહ બાદ સુનાવણી કરશે. બુધવારે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલે કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના હેઠળ શિવસેનાનું નામ અને પ્રતીક ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી લઈ શિંદે જૂથને આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: NABARD Subsidy Scheme: નાબાર્ડ ડેરી વ્યવસાય માટે આપી રહ્યું છે બમ્પર સબસિડી, તમે પણ લઈ શકો છો લાભ
પરંતુ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને સ્થગિત કરવાનો ઈનકાર કર્યો હતો. ઠાકરે જૂથ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પરંતુ શું સુપ્રીમ કોર્ટના આમ કરવાથી ઠાકરે જૂથની મુશ્કેલીઓમાં ખરેખર વધારો થયો છે? વરિષ્ઠ વકીલ અને બંધારણીય નિષ્ણાત ઉજ્જવલ નિકમ, જે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો તે કેસ માટે પ્રખ્યાત થયા હતા, તેઓ એવું માનતા નથી.
અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા ઉજ્જવલ નિકમે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે મૂકવાની જરૂર નથી આના ઘણા કારણો હોઈ શકે છે. બની શકે છે કે તેણે તરત જ તે જરૂરી ન માન્યું કારણ કે શિંદે જૂથના વકીલ વતી સુપ્રીમ કોર્ટને બાંહેધરી આપવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન ચૂંટણીના નિર્ણય હેઠળ મળેલુ શિવસેનાનું નામ અને પ્રતીકનો કોઈ ખોટો ઉપયોગ નહીં કરે. તે ઠાકરે જૂથના ધારાસભ્યો માટે કોઈ વ્હીપ જાહેર કરશે નહીં.
આવી સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટને એવું ન લાગ્યું કે આવી કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે કે તેના પર સ્ટે આપવો જરૂરી છે. શિંદે જૂથે ઠાકરે જૂથ સામે કોઈ પગલાં લીધાં નથી, જે આવું માનવાનું કારણ આપે છે. સુપ્રીમ કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે જો આવી સ્થિતિ ઊભી થાય તો ઠાકરે જૂથ પાસે કોર્ટનો સંપર્ક કરવાનો માર્ગ છે.
એવી ચર્ચા ચાલી રહી હતી કે ચૂંટણી પંચના નિર્ણય બાદ હવે શિંદે જૂથ દ્વારા ઠાકરે જૂથના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કરવામાં આવી શકે છે. આ કારણે જો તેમના ધારાસભ્યો વ્હીપનું પાલન નહીં કરે તો શિંદે જૂથ તેમના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરી શકે છે. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથ પાસેથી ખાતરી અને વચન લીધું કે તેઓ આવું કંઈ કરવાના નથી, તો પછી સ્ટેની જરૂર નહોતી. ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મશાલ ચૂંટણી ચિન્હ પણ રહેશે અને તેમના સમર્થક ધારાસભ્યોની સ્થિતિમાં કોઈ ફરક પડશે નહીં.
જોકે, કોર્ટમાં સુનાવણી બાદ આ મુદ્દે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ચર્ચા ચાલી હતી. શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેએ મીડિયાને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને વ્હીપ જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો નથી, એટલે કે, સુપ્રીમ કોર્ટે શિંદે જૂથ પાસેથી આવું ન કરવા માટે કોઈ બાંયધરી માંગી નથી.
બીજી તરફ ઠાકરે જૂથના અનિલ પરબ આ બાબતે ઉશ્કેરાયા હતા. તેણે કહ્યું શું તમે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા માંગો છો? જો તમારે પણ એવું જ કરવું હોય તો કરો. પરંતુ ઉજ્જવલ નિકમે સ્પષ્ટ કર્યું કે સુનાવણી દરમિયાન શિંદે જૂથને વ્હીપ જાહેર કરવાની મનાઈ કરવામાં આવી છે. એટલે કે સુનાવણી ન થાય ત્યાં સુધી ઠાકરે જૂથના ધારાસભ્યોને શિંદે જૂથનો વ્હીપ કે આદેશ લાગુ પડશે નહીં.
ઉજ્જવલ નિકમે વધુમાં કહ્યું કે કોર્ટ બીજા પક્ષને સાંભળ્યા પછી જ નિર્ણય આપે છે. તેથી જ આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે શિંદે જૂથ અને ચૂંટણી પંચનો પક્ષ પણ સાંભળશે. આથી કોર્ટે આજે બંનેને નોટિસ મોકલી છે. આ બંને પક્ષોની દલીલો આગામી સુનાવણીમાં સાંભળવામાં આવશે. તેથી એવું માનવું યોગ્ય નથી કે સુપ્રીમ કોર્ટની આજની સુનાવણીથી ઠાકરે જૂથને નુકસાન થયું છે, અથવા શિંદે જૂથની તરફેણમાં બોલ્યું છે. જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે ત્યારે જ આના પર કંઈક કહેવું યોગ્ય ગણાશે.