મહારાષ્ટ્ર સરકારમાં લઘુમતી મંત્રી નવાબ મલિક (Nawab Malik) વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. તેમની સાથે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. બોમ્બે હાઈકોર્ટે બંનેની અરજી ફગાવી દીધી છે. રાજ્યસભાની ચૂંટણી બાદ બોમ્બે હાઈકોર્ટે નવાબ મલિક અને અનિલ દેશમુખને વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવાની મંજૂરી ન આપીને મહા વિકાસ અઘાડીને ઝટકો આપ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra MLC Election) 20 જૂને યોજાવાની છે.
કોર્ટના નિર્ણય બાદ વકીલ ઈન્દ્રપાલ સિંહે કહ્યું કે, કોર્ટનો આદેશ હાથમાં આવ્યા બાદ જ તેઓ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી શકશે. જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર નકાર્યા બાદ નવાબ મલિક અને અનિલ દેશમુખે ફરી એકવાર વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાનના અધિકારને લઈને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે ફરી તેમની અરજી ફગાવી દીધી હતી અને તેમને મતદાન કરવાની મંજૂરી આપી ન હતી.
Bombay High Court dismisses the pleas of Maharashtra Minister Nawab Mallik and former Home Minister Anil Deshmukh for permission to cast their votes on June 20th for the MLC polls. Both of them will not be allowed to cast their votes.
(File photos) pic.twitter.com/nxDzeuskDL
— ANI (@ANI) June 17, 2022
કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મલિક અને દેશમુખને ગેરકાયદેસર રીતે જેલમાં રાખવામાં આવ્યા છે. શું તેની સામેના આરોપો સાબિત થયા છે? શું તેઓને કોઈ ગુના માટે સજા થઈ છે? જ્યારે હજુ સુધી આરોપો સાબિત થયા નથી ત્યારે કોર્ટ તેમના મતદાનના અધિકારને કેવી રીતે નકારી શકે છે. સંજય રાઉતે કહ્યું કે આ નિર્ણય દર્શાવે છે કે પડદા પાછળ કોઈ છે જે રમી રહ્યું છે. દેશની તમામ સંસ્થાઓ કેન્દ્રના દબાણમાં કામ કરી રહી છે. લોકશાહીને લોકડાઉન કરવાનો સમય આવી ગયો છે.
બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને સંજય રાઉતના નિવેદનના જવાબમાં કહ્યું કે જો સંજય રાઉતમાં હિંમત હોય તો તે તાળા મારીને બતાવે. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે કહ્યું કે કોર્ટનો આ નિર્ણય મહા વિકાસ આઘાડી અને ખાસ કરીને એનસીપી માટે મોટો આંચકો છે. જેના કારણે ભાજપના પાંચમા ઉમેદવારની જીતનો માર્ગ ખુલી રહ્યો છે. દરેકરે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપના પાંચેય ઉમેદવારો વિધાન પરિષદની ચૂંટણી જીતીને બહાર આવશે. ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે કહ્યું કે મહા વિકાસ અઘાડીનું ખરાબ નસીબ શરૂ થઈ ગયું છે. આ નિર્ણય ભાજપની જીત માટે સારો સંકેત છે.