Monsoon 2022 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસશે ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી
હવામાન વિભાગે (IMD) 20 જૂને મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ અને કોંકણના સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લાઓ માટે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
નૈઋત્યના ચોમાસાએ મહારાષ્ટ્રને (Monsoon in Maharashtra) સંપૂર્ણપણે આવરી લીધું છે. ચોમાસાના આગમન બાદ પણ, 99 ટકા વિસ્તારોમાં હજુ સુધી ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો નથી. ગુરુવારે મુંબઈ અને તેની આસપાસ સારો વરસાદ પડ્યો હતો. વિદર્ભમાં પણ ગુરુવારે નાગપુર (Nagpur) સહિત ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. આ સિવાય પુણે, સાંગલી, વાશિમ, યવતમાલ, બુલઢાણા જિલ્લામાં પણ બુધવાર અને ગુરુવારે નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. આખા મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયુ છે, પરંતુ હજુ સુધી ધાર્યા પ્રમાણે વરસાદ વરસ્યો નથી. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં 18 જૂનથી ચોમાસાનું જોર વધશે. 20 જૂનથી રાજ્યભરમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ (IMD) એ 20 જૂને મુંબઈ (Mumbai), થાણે અને પાલઘર માટે યલો એલર્ટ (Yellow Alert) અને કોંકણના સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લાઓ માટે ઓરેંજ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. માછીમારોને 20 જૂનથી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ગુરુવારે મુંબઈ, થાણે અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે કુર્લામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે કોલાબામાં 18 મીમી વરસાદ નોંધ્યો હતો. સાંતાક્રુઝમાં 11.7 મીમી વરસાદ નોંધાયો હતો. બુધવાર અને ગુરુવારે વિદર્ભના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે તમામ જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. નાગપુરમાં તાપમાન 5.1 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 32.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. આગામી પાંચ દિવસ સુધી વિદર્ભમાં વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે
મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં કેટલાકક લોકોના મૃત્યું થયા છે. હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે અને 20 જૂનથી દરિયામાં ના જવાની સલાહ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ક્યારેક ક્યારેક પવનની ઝડપ વધીને 60 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. એટલા માટે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ગુરુવારે મહારાષ્ટ્રના 99 ટકા વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હતું
ગુરુવાર સુધી ચોમાસું વિદર્ભ સહિત મહારાષ્ટ્રના 99 ટકા વિસ્તારોમાં પહોંચી ગયું છે. પરંતુ ચોમાસાના આગમન છતાં અત્યાર સુધીમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ પડવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં, અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનોની ઝડપ અને માત્રામાં ઘટાડો થવાને કારણે આવું બન્યું છે. જૂનના પ્રથમ પંદર દિવસમાં 56 ટકા ઓછો વરસાદ થયો છે.