મહિસાગર (Mahisagar) જીલ્લામાં ભારતીય ચલણ (Indian currency) ના સિક્કાનો સરેઆમ અસ્વીકાર કરવાના આક્ષેપો વચ્ચે એક વેપારીએ રૂ. 10નો સિક્કો સ્વાકારવાની ના પાડતાં તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા (Lunavada) ના બજારની મોટા ભાગની દુકાનોમાં દસના સિક્કાનો અસ્વીકાર કરવામાં આવે છે. હાલમાં જ એક યુવાનને આવો અનુભવ થયો છે. શહેરમાં આવેલી એક નાસ્તાની દુકાને દાબેલી ખાવા ગયેલા યુવાને દાબેલી ખાધા બાદ 10 રૂપિયાને સિક્કા આપ્યા હતા. જોકે માલિકે દસના સિક્કા સ્વીકાર કરવાનો ઇનકાર કરી યુવાન પર ફરજિયાત અન્ય ચલણ આપવા દબાણ કરાયું હતું. જેના પગલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકે આ મામલે લુણાવાડા મામલતદાર, કલેકટર, રિઝર્વ બેંક વગેરેમાં પણ અરજી કરી હતી. લુણાવાડા પોલીસે અરજીના આધારે દુકનદારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રુપિયા 10નો સિક્કો અને કેટલીક નાની રકમની ચલણી નોટો સ્વીકારવામાં આવતી ન હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે. રાજ્યમાં આ અગાઉ રાજકોટ, જામનગર, હળવદ, પાટણ વગેરે શહેરોમાં રૂ. 10ના સિક્કા ન સ્વીકારાતા હોવાની ફરિયાદો ઉઠી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં નાના-મોટા વેપારીઓથી લઈ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી આ નાની રકમની ચલણી નોટો અને સિક્કા સ્વીકારવામાં આવી રહ્યાં નથી. કદાચ આવો અનુભવ તમને પણ થયો હશે. ત્યારે હવે જે લોકો દ્વારા રુપિયા 10નો સિક્કો કે અન્ય ચલણી નોટો સ્વીકારવામાં નથી આવી રહી એવા લોકો વિરૂદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરી શકે છે.
દસના સિક્કા ન સ્વીકારવા બાબતે રિઝર્વ બેન્કે એક નોટીસ બહાર પાડી તમામ પ્રકારના 1દના સિક્કા માન્ય હોવાનું અને જો કોઈ તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે તેવી તાકીદ કરી છે. આ નોટીસમાં જણાવાયું છે કે દસ રૂપિયાના કોઈપણ સિક્કા નકલી નથી, તમામ સિક્કાઓ અસલી છે. રિઝર્વ બેન્કે અલગ અલગ કુલ 14 પ્રકારની ડિઝાઈનમાં દસના સિક્કાઓ બહાર પાડ્યા છે. આ તમામ 14 પ્રકારની ડિઝાઈન ધરાવતા સિક્કાઓ કાયદેસર માન્ય ચલણી સિક્કા છે અને વ્યવહારમાં તેને સ્વીકારી શકાય છે. બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કાની અલગ અલગ 14 પ્રકારની ડિઝાઈનમાં દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઝાંખી ધરાવતી થીમ ઉપયોગમાં લેવામાં આવી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દરેક સિક્કા કાયદેસર અને અસલી છે. જો કોઈ વ્યક્તિ દસનો સિક્કો સ્વીકારવાની ના પાડે તો પોલીસ ફરિયાદ કરી શકાય છે. કાયદેસર સરકાર માન્ય દસનો ચલણી સિક્કો સ્વીકારવાની ના પાડનાર વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. દસના તમામ સિક્કાઓ માન્ય ચલણી સિક્કાઓ છે અને તેને નકારવુ એ ગુનો બને છે.
Published On - 12:09 pm, Sat, 16 July 22