Gujarat Monsoon 2022: રાજ્ય માટે વરસાદને લઈને રાહતના સમાચાર, તમામ જિલ્લાઓને રેડ એલર્ટ પરથી હટાવાયા
તમામ સમાચારો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓને રેડ એલર્ટ (Red alert) પરથી હટાવાયા છે. રાજ્યમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં વરસાદ (Rain) બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ, નવસારી, છોટાઉદેપુર, તાપી સહિતના વિસ્તારોમાં રસ્તાનું ધોવાણ થયું છે. ડુંગરાળ વિસ્તારમાં રસ્તા ધોવાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ તમામ સમાચારો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓને રેડ એલર્ટ (Red alert) પરથી હટાવાયા છે. રાજ્યમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યુ છે. જેના પગલે વહીવટી તંત્રએ પણ રાહત અનુભવી છે. જો કે હજુ પણ ઘણા સ્થળોએ પાણી ભરાયેલા છે. લોકો હજુ પણ ઘણા સ્થળે ફસાયેલા છે. જેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ પર
જો કે હવે રાજ્યમાં વરસાદથી રાહત મળશે. ગુજરાતમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પર એક પણ જિલ્લો ન હોવાથી બચાવ કામગીરીમાં પણ તંત્રને રાહત મળશે.
વરસાદે સર્જી તારાજી
મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના પગલે વલસાડમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ નવસારીમાં ઠેર ઠેર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. જેથી સફાઈ કામગીરી પૂરજોશમાં છે. નવસારીમાં એક પૂલ પણ તૂટ્યો છે. તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના કારણે પૂલ પર પાણી ફરી વળ્યું હતું. તો વડોદરામાં સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે ગીર સોમનાથના કોડિનારનું અરણેજ ગામ પણ પાણીમાં ડૂબ્યું હતું. અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. તો સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો હતો.
રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં
ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને સંભવિત આગાહીને લઈ સુરતમાં NDRFની વધુ પાંચ ટીમ આવી પહોંચી હતી. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં રાહત- બચાવની કામગીરી માટે ભૂવનેશ્વરથી વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેનમાં 5 ટીમ પહોંચી હતી. આ ટીમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાહત અને બચાવની કામગીરીમાં વિશેષ સહયોગ આપશે. હાલ તમામ ટીમને સુરતમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.