પાકિસ્તાનમાં ભળતા આ રાજ્યને કેવી રીતે એક રાણીએ બચાવ્યું હતું ? જાણો સંપૂર્ણ કહાની
ભાગલા વખતે રેડક્લિફે ટિપેરા જિલ્લા અને નોઆખલીનો મોટો ભાગ પાકિસ્તાનને આપ્યો હતો. આ સિવાય ચિત્તાગોંગનો પહાડી વિસ્તાર પણ પાકિસ્તાનમાં ગયો હતો. જ્યારે અહીંની 97 ટકા વસ્તી બૌદ્ધ ધર્મના અનુયાયીઓની હતી. જે ભારતમાં જોડાવા માંગતા હતા. તો બીજી તરફ મુસ્લિમ લીગ ત્રિપુરાને પાકિસ્તાન સાથે જોડવા માટે પ્રયત્નો કરી રહી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, ત્રિપુરા કેવી રીતે ભારતમાં ભળી ગયું.
આઝાદી પહેલા જ રજવાડાઓને લઈને ગડમથલ શરૂ થઈ ગઈ હતી. ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા ત્રિપુરા રાજ્યમાં એ સમયે માણિક્ય વંશનું શાસન હતું. બીર બિક્રમ કિશોર દેબ બર્મન ત્યાંના રાજા હતા. અંગ્રેજો આજના ત્રિપુરાને હિલ ટીપેરા તરીકે ઓળખતા હતા. આ ઉપરાંત ટિપેરા જિલ્લાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલા ઉદયપુર તેની રાજધાની હતી. ત્યારબાદ 18મી સદીમાં જૂના અગરતલા અને 19મી સદીમાં અગરતલા નામના નવા શહેરને રાજધાની બનાવવામાં આવી. ત્યારે ત્રિપુરાના રાજાઓએ નોઆખલી અને સિલ્હેટ જેવા આસપાસના વિસ્તારોમાંથી પણ જમીનદારી વસૂલતા હતા. જેનો એક ભાગ અંગ્રેજોને જતો હતો.
ભાગલા વખતે રેડક્લિફે ટિપેરા જિલ્લા અને નોઆખલીનો મોટો ભાગ પાકિસ્તાનને આપ્યો હતો. આ સિવાય ચિત્તાગોંગનો પહાડી વિસ્તાર પણ પાકિસ્તાનમાં ગયો હતો. જ્યારે અહીંની 97 ટકા વસ્તી બૌદ્ધ ધર્મના અનુયાયીઓની હતી અને આ લોકો ભારતમાં જોડાવા માંગતા હતા. તો બીજી તરફ મુસ્લિમ લીગ ત્રિપુરાને પાકિસ્તાન સાથે જોડવા માટે 1947ની શરૂઆતથી જ પ્રયત્નો કરી રહી હતી.
જેના કારણે રમખાણોનું વાતાવરણ ઊભું થયું. જેના કારણે લોકો આ વિસ્તાર છોડીને ભાગવા લાગ્યા અને ત્રિપુરા અને આસપાસના રાજ્યોમાં આશ્રય લીધો. રાજા બીર બિક્રમને ડર હતો કે ભારત અને પાકિસ્તાનના વિભાજનની જાહેરાત થતાની સાથે જ પરિસ્થિતિ વધુ વણસી જશે. 28 એપ્રિલ 1947ના રોજ રાજા બીર બિક્રમે જાહેરાત કરી કે ત્રિપુરા ભારતનો ભાગ બનશે. તેમણે બંધારણ સભાના સચિવને ટેલિગ્રામ મોકલીને આ અંગે માહિતી પણ આપી હતી.
રાજા બીર બિક્રમનું નિધન
થોડા દિવસો પછી 17 મેના રોજ મહારાજાનું અચાનક અવસાન થયું. ક્રાઉન પ્રિન્સ કિરીટ બિક્રમ કિશોર માણિક્ય હજુ સગીર હતા. તેથી રાણીએ રીજન્સી કાઉન્સિલની રચના કરી અને શાસનની જવાબદારી લીધી. તેમનું નામ કંચનપ્રભા દેવી હતું. 1914માં જન્મેલી કંચનપ્રભા પન્નાના મહારાજાની સૌથી મોટી પુત્રી હતા અને 17 વર્ષની ઉંમરે તેમના લગ્ન મહારાજા સાથે થયા હતા. મહારાજાના અવસાનથી તમામ જવાબદારી તેમના પર આવી પડી હતી. તેમને બાહ્ય અને આંતરિક દળો તરફથી સતત ખતરો હતો. આવી સ્થિતિમાં રાજભવનની અંદરથી એક ષડયંત્ર શરૂ થયું.
રાજાના સાવકા ભાઈ અને મુસ્લિમ લીગનું ષડયંત્ર
રાજા બીર બિક્રમના સાવકા ભાઈ દુર્જય કિશોરને રાજા બનવાની ઈચ્છા હતી. તેથી દુર્જય કિશોરે અબ્દુલ બારિક ઉર્ફે ગેદુ મિયાં સાથે હાથ મિલાવ્યા હતા. જે તે સમયે તે વિસ્તારના સૌથી ધનિક લોકોમાંના એક હતા. તે અંજુમન-એ ઈસ્લામિયા નામની સંસ્થાનો લીડર પણ હતો. આ સંગઠનને મુસ્લિમ લીગનું સમર્થન હતું, જેનું મનોબળ ચિત્તાગોંગ અને ટિપેરાને પાકિસ્તાનને સોંપતા પહેલા જ વધી ગયું હતું. બારિક અને દુર્જય ઈચ્છતા હતા કે ત્રિપુરાને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવે. જે બાદ સત્તા દુર્જયના હાથમાં આવી જશે. પરંતુ તેમને એક સમસ્યા હતી.
11 જૂને ત્રિપુરા કાઉન્સિલે એક નોટિફિકેશન બહાર પાડ્યું અને સમગ્ર જનતાને જાણ કરી કે મહારાજા બીર બિક્રમે ભારતમાં મળવાનું નક્કી કરી લીધું હતું. આ ઉપરાંત તેમણે ત્રિપુરા વતી બંધારણ સભામાં તેમના પ્રતિનિધિને પણ નામાંકિત કર્યા હતા. વાતાવરણને ઉશ્કેરવા માટે અંજુમન-એ ઇસ્લામિયાએ સ્થાનિક સમર્થન એકત્ર કરવાનું શરૂ કર્યું. અને લોકોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે દુષ્પ્રચાર શરૂ કર્યો.
સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી
રાણીને આ વાતની જાણ થતાં જ તેમણે કેટલાક કડક પગલાં લીધાં. કાઉન્સિલના ઘણા મંત્રીઓએ દુર્જયને ટેકો આપ્યો હતો. એવા મંત્રીઓના રાજીનામા લીધા બાદ ઘણાને રાજ્યની બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને તેમના રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાણી જાણતા હતા કે સરદાર પટેલને આ સમાચાર મળે તે મહત્વનું છે. તે અગાઉ પણ તેમના પિતા સાથે પટેલને મળ્યા હતા.
ઓક્ટોબર મહિનામાં તેમણે બંગાળ કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલને સંદેશો મોકલ્યો. પટેલ તરત જ એક્શનમાં આવ્યા અને આસામના ગવર્નર અકબર હૈદરીને પત્ર લખીને ત્રિપુરા અને મણિપુરની સ્થિતિ પર નજર રાખવા કહ્યું. રાણીને સુરક્ષા માટે થોડો સમય શિલોંગમાં રાખવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી એરફોર્સની ટુકડી ત્રિપુરા જવા રવાના થઈ.
મહારાણી કંચનપ્રભા દેવીના પ્રયાસથી ત્રિપુરા ભારતમાં ભળી ગયું
12 જાન્યુઆરી 1948ના રોજ ભારત સરકારની સલાહ પર રાણીએ રીજન્સી કાઉન્સિલનું વિસર્જન કર્યું અને પોતે ભારત સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પ્રતિનિધિ બન્યા હતા. એક વર્ષ પછી પણ સ્થિતિ એવી જ રહી. જો કે, રાણીએ ત્રિપુરામાં કોઈપણ પ્રકારનો બળવો થવા દીધો નહોતો.
9 સપ્ટેમ્બર, 1949ના રોજ ત્રિપુરા વિલીનીકરણ દસ્તાવેજ પર મહારાણી કંચનપ્રભા દેવીએ હસ્તાક્ષર કર્યા હતા અને 15 ઓક્ટોબર 1949ના રોજ ત્રિપુરા સત્તાવાર રીતે ભારતમાં ભળી ગયું. જેનો વહીવટ ભારત સરકાર દ્વારા કરવામાં આવતો હતો. ત્રિપુરાને 1956માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો.
21 જાન્યુઆરી, 1972ના રોજ ત્રિપુરાને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. ત્યાં સુધી ત્રિપુરામાં માત્ર એક જ જિલ્લો હતો, હવે 8 જિલ્લાઓ, ત્રેવીસ પેટાવિભાગો અને અઠ્ઠાવન બ્લોક છે. 1978થી રાજ્યમાં લોકશાહી મૂલ્યોને મજબૂત કરવા અને ખાસ કરીને પાયાના સ્તરે લોકશાહીના સારને સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક સીમાચિહ્નરૂપ પહેલ કરવામાં આવી છે. ત્રિ-સ્તરીય પંચાયતી રાજ સ્થાનિક સ્વ-શાસન મોડલની રજૂઆત કરીને રાજ્યની સામાન્ય જનતાને લોકશાહી ચૂંટણી દ્વારા ગ્રામ્ય સ્તરે તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ત્રિપુરા વિશે
ત્રિપુરા ભારતની ઉત્તર-પૂર્વ સરહદ પર આવેલું એક રાજ્ય છે. તે ભારતનું ત્રીજું સૌથી નાનું રાજ્ય છે, જેનું ક્ષેત્રફળ 10,491 ચો.કિ.મી. છે. ત્રિપુરા બાંગ્લાદેશ અને મ્યાનમારની નદીની ખીણો વચ્ચે આવેલું છે. તેની ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બાંગ્લાદેશ આવેલું છે, જ્યારે પૂર્વમાં આસામ અને મિઝોરમ રાજ્ય આવેલા છે. ત્રિપુરાની વસ્તી લગભગ 40 લાખ છે. તેની રાજધાની અગરતલા છે. અહીંની મુખ્ય ભાષાઓ બંગાળી અને ત્રિપુરી છે.
કૃષિ ત્રિપુરાની અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. મુખ્ય પાકોમાં ચા, ચોખા, મકાઈ અને કઠોળનો સમાવેશ થાય છે. ત્રિપુરામાં ચા ઉદ્યોગ અને હેન્ડલૂમ ઉદ્યોગ પણ મહત્વપૂર્ણ છે. ત્રિપુરાના પહાડી વિસ્તારો અને લીલાછમ જંગલો આ સ્થળની પ્રાકૃતિક સુંદરતામાં વધારો કરે છે. ત્રિપુરામાં ઘણા પ્રવાસી સ્થળો આવેલા છે. ત્રિપુરા તેના ભૌગોલિક સ્થાન, સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક મહત્વને કારણે ભારતના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.