વેનેઝુએલા તેલ સંકટ…. ભારત માટે સુવર્ણ તક, ગુજરાતની રિફાઇનરીને શું થશે ફાયદો ? જાણો
વેનેઝુએલાની વધતી તેલ કટોકટી અને યુએસ પ્રભાવ ભારત માટે મહત્ત્વની તક છે. આનાથી ભારત તેના $1 અબજ ડોલરના બાકી ભંડોળને મુક્ત કરી શકે છે.

વેનેઝુએલાની વધતી તેલ કટોકટી ભારત માટે એક મહત્વપૂર્ણ તક બની રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સનો વધતો પ્રભાવ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં મોટા ફેરફારનો સંકેત આપી રહ્યો છે, જેના પરિણામે ભારત તેના લાંબા સમયથી અટકેલા ભંડોળને મુક્ત કરી શકે છે. આ બદલાવથી ભારતને માત્ર આર્થિક રાહત જ નહીં, પરંતુ ઊર્જા સુરક્ષાના દ્રષ્ટિકોણે પણ ફાયદો થઈ શકે છે.
યુએસના વધતા હસ્તક્ષેપ બાદ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં પરિવર્તન શક્ય બન્યું છે. મીડિયા અહેવાલ મુજબ, જો વેનેઝુએલાના તેલ ક્ષેત્ર પર અમેરિકાનું નિયંત્રણ અથવા પ્રભાવ વધે છે, તો ભારત લગભગ 1 અબજ ડોલરના બાકી લેણાં ઉકેલી શકે છે. સાથે જ, ભારતીય સરકારી કંપનીઓ દ્વારા ત્યાં તેલ ઉત્પાદન ફરીથી ગતિ પકડી શકે છે. નોંધનીય છે કે વેનેઝુએલામાં વિશ્વનું સૌથી મોટું તેલ ભંડાર છે, પરંતુ યુએસ પ્રતિબંધો, નબળી માળખાગત સુવિધા અને રોકાણના અભાવે ઉત્પાદન વર્ષોથી પ્રભાવિત રહ્યું છે.
એક સમય હતો જ્યારે ભારત વેનેઝુએલાના ક્રૂડ તેલનો સૌથી મોટો ખરીદદાર હતો. 2020 પહેલાં ભારત દરરોજ 4 લાખ બેરલથી વધુ તેલ વેનેઝુએલાથી આયાત કરતું હતું. જોકે, યુએસના પ્રતિબંધો લાગુ થતાં ભારતીય કંપનીઓને આ ખરીદી રોકવી પડી હતી. આ પ્રતિબંધોનો પ્રભાવ માત્ર તેલ વેપાર પર જ નહીં, પરંતુ ભારતીય કંપનીઓના નાણાંકીય હિતો પર પણ પડ્યો હતો.
ભારતની સરકારી કંપની ONGC વિદેશ લિમિટેડ (OVL) વેનેઝુએલાના સાન ક્રિસ્ટોબલ તેલ ક્ષેત્રમાં ભાગીદાર છે. જોકે, યુએસ પ્રતિબંધોને કારણે જરૂરી ટેકનોલોજી, મશીનરી અને સેવાઓ ત્યાં પહોંચાડવી મુશ્કેલ બની હતી. પરિણામે, 2014 બાદ વેનેઝુએલાની સરકારે OVLને આશરે 536 મિલિયન ડોલરનું ડિવિડન્ડ ચૂકવ્યું નથી. ત્યારપછીના વર્ષોમાં પણ ચુકવણી અટકતા કુલ બાકી રકમ લગભગ 1 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ઓડિટ પરવાનગી ન મળવાના કારણે આ વિવાદ હજી સુધી ઉકેલાઈ શક્યો નથી.
ઊર્જા ક્ષેત્રના વિશ્લેષકો માને છે કે જો વેનેઝુએલાના તેલ ક્ષેત્રનું પુનર્ગઠન થાય અથવા યુએસ નેતૃત્વ હેઠળ નિયંત્રણોમાં ફેરફાર આવે, તો પ્રતિબંધોમાં રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં OVL જેવી કંપનીઓ ફરીથી રિગ, મશીનરી અને આધુનિક ટેકનોલોજી ત્યાં તૈનાત કરી શકશે. ગુજરાતમાં આવેલા ONGCના રિગને વેનેઝુએલામાં ખસેડીને સાન ક્રિસ્ટોબલ ફિલ્ડમાં ઉપયોગમાં લેવાઈ શકે છે.
હાલમાં સાન ક્રિસ્ટોબલ તેલ ક્ષેત્રમાં ઉત્પાદન ઘટીને માત્ર 5,000થી 10,000 બેરલ પ્રતિ દિવસ રહી ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો નવા કુવો ખોદવામાં આવે અને આધુનિક રિગ સ્થાપિત કરવામાં આવે, તો ઉત્પાદન વધીને 80,000થી 1 લાખ બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી શકે છે. આ વધારાથી થતી આવકમાંથી ભારત તેના લાંબા સમયથી અટકેલા ભંડોળની વસુલાત કરી શકે છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે અને હાલમાં મધ્ય પૂર્વ પર તેની ભારે નિર્ભરતા છે. જો વેનેઝુએલાથી ફરીથી તેલ પુરવઠો શરૂ થાય છે, તો ભારત માટે એક મજબૂત વિકલ્પ ઉપલબ્ધ થશે, જે વૈશ્વિક બજારમાં તેની સોદાબાજી શક્તિ વધારશે. રિલાયન્સ, IOC, HPCL-મિત્તલ, નયારા એનર્જી અને MRPL જેવી ભારતીય રિફાઇનરીઓ વેનેઝુએલાના ભારે ક્રૂડ તેલને પ્રોસેસ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
હાલની પરિસ્થિતિમાં ચીન વેનેઝુએલાના મોટા ભાગના તેલનો મુખ્ય ખરીદદાર છે. જો યુએસનો પ્રભાવ વધે છે, તો ચીન માટે વેનેઝુએલાના તેલ સુધી સીધી ઍક્સેસ મર્યાદિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતને ફરીથી લાંબા ગાળાના પુરવઠા કરારો મેળવવાની તક મળી શકે છે. વિશ્લેષકો માને છે કે વેનેઝુએલાથી વધતો તેલ પુરવઠો વૈશ્વિક ભાવોને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, જો કે યુએસ ભાવ બહુ નીચા જવા દેવા માગતું નથી, કારણ કે તેનાથી શેલ ઓઇલ ઉદ્યોગને નુકસાન થઈ શકે છે. તેથી શક્ય છે કે યુએસ OPEC દેશો સાથે સંકલન કરીને ઉત્પાદનનું સંતુલન જાળવી રાખશે.
અમેરિકા-વેનેઝૂએલા યુદ્ધ વચ્ચે ચીનની એન્ટ્રી, જાણો શું કહ્યું..?
