જગત જમાદારના પીઠબળથી પાકિસ્તાન કરી રહ્યું છે અણુ પરિક્ષણ ! ખુદ ટ્રમ્પે કરી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાન સક્રિય રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. આ પરીક્ષણોને ધ્યાનમાં રાખીને, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની સાથે, અમેરિકા પણ તેની પરમાણુ તાકાત ચકાસવા માટે પરમાણુ પરીક્ષણ પ્રક્રિયા ફરી શરૂ કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે અને તે પરીક્ષણમાં પાછળ રહેશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં, સમગ્ર વિશ્વને ચોકાવનારી પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે. આ પછી, ટ્રમ્પે હવે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અંગે એક મોટો ખુલાસો કર્યો છે.
ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાન સક્રિય રીતે પરમાણુ પરીક્ષણો કરનારા દેશોમાંનો એક દેશ છે. તેમણે કહ્યું હતું કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન જેવા દેશોની પરમાણુ પરીક્ષણની પ્રવૃત્તિઓ એ વાતનો પુરાવો છે કે અમેરિકાએ પણ તેના પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવા જોઈએ.
રશિયા અને ચીન પરીક્ષણ કરી રહ્યા છે
રવિવારે CBS ન્યૂઝને 60 મિનિટ્સ પર આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, “રશિયા અને ચીન અણુ પરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેના વિશે વાત કરતા નથી. અમે એક ખુલ્લો સમાજ છીએ, અમે વાત કરીએ છીએ કારણ કે મારીપાસે મુક્ત પ્રેસ છે.” ટ્રમ્પે ઉમેર્યું, “અમે પરીક્ષણ કરીશું કારણ કે તેઓ પરીક્ષણ કરી રહ્યા છે. ઉત્તર કોરિયા પરીક્ષણ કરી રહ્યું છે, પાકિસ્તાન પણ પરીક્ષણ કરી રહ્યું છે.” રશિયા દ્વારા નવા પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ પછી, 30 વર્ષ પછી અમેરિકા દ્વારા બીજું પરમાણુ પરીક્ષણ કરવાના નિર્ણય વિશે પૂછવામાં આવતા તેમણે આ નિવેદન આપ્યું.
અમેરિકા પાસે કેટલી પરમાણુ શક્તિ છે?
ટ્રમ્પે કહ્યું, “રશિયાએ જાહેરાત કરી છે કે તે પરીક્ષણ કરશે. ઉત્તર કોરિયા સતત તેના પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. અન્ય દેશો પણ છે. અમે એકલા નથી જે પરિક્ષણ કરી રહ્યા હોઈએ, અને હું નથી ઇચ્છતો કે અમે એકમાત્ર દેશ બનીએ જે પરીક્ષણ ના કરે.”
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. “અમારી પાસે એટલા બધા પરમાણુ શસ્ત્રો છે કે અમે વિશ્વને 150 વખત નષ્ટ કરી શકીએ છીએ,” તેમણે કહ્યું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ અંગે ચર્ચા કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પરીક્ષણ માટેની તૈયારીઓ પહેલાથી જ થઈ ગઈ છે, જોકે તેમણે કોઈ સમય કે સ્થાન સ્પષ્ટ કર્યું નથી.
પુતિને અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
આ દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે પ્લુટોનિયમ નિકાલ કરારને ઔપચારિક રીતે સમાપ્ત કરતા કાયદા પર હસ્તાક્ષર કર્યા – જે લશ્કરી ઉપયોગ માટે પરમાણુ શસ્ત્રો-ગ્રેડ સામગ્રીના ઉત્પાદનને મર્યાદિત કરવા માટે રચાયેલ કરાર છે.
જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરમાણુ શસ્ત્રો પરીક્ષણ વિશે વાત કરી રહ્યા છે, ત્યારે યુએસ ઉર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, પરમાણુ શસ્ત્રો પરીક્ષણમાં હાલમાં કોઈ પરમાણુ વિસ્ફોટનો સમાવેશ થશે નહીં પરંતુ તે એક સિસ્ટમ પરીક્ષણ હશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ ટેરિફથી અમેરિકામાં થતી ભારતની નિકાસ ઘટી, સ્માર્ટફોન, ફાર્માસ્યુટીકલ, ઓટો પાર્ટસ, કેમિકલને ભારે અસર