ટ્રમ્પ ટેરિફથી અમેરિકામાં થતી ભારતની નિકાસ ઘટી, સ્માર્ટફોન, ફાર્માસ્યુટીકલ, ઓટો પાર્ટસ, કેમિકલને ભારે અસર
ભારત અમેરિકામાં વર્ષોથી વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર ટેરિફ 10 ટકાથી વધારીને 50 ટકા લાદી છે. ટ્રમ્પે લાદેલ ટેરિફને કારણે, ટેરિફ-મુક્ત માલ, જે ભારતની કુલ નિકાસનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે, તેને સૌથી વધુ નુકસાન થયું.

ભારત વર્ષોથી વિવિધ ચીજવસ્તુઓ અને કાચા માલસામગ્રીની અમેરિકામાં નિકાસ કરે છે. ભારતીય ઉત્પાદનો પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 10 ટકા ટેરિફ લાદીને ટેરિફયુગનો પ્રારંભ કર્યો. ગત 7 ઓગસ્ટ સુધી 10 ટકા ટેરિફ વધારીને 25 ટકા કરાઈ અને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બીજા 25 ટકા ઉમેરીને કૂલ ટેરિફને 50 ટકા સુધી પહોચાડી. ટેરિફ-મુક્ત માલસામાન, જે ભારતની કુલ નિકાસનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે, તેને સૌથી વધુ નુકસાન થયું છે. અમેરિકામાં થતી નિકાસમાં સૌથી વધુ અસર સ્માર્ટફોન અને ફાર્માસ્યુટિકલ્સને થવા પામી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફથી ભારત અને યુએસ વચ્ચેની નિકાસ પર ગંભીર અસર પડી છે. ભારત સ્થિત ટ્રેડ થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના અહેવાલ મુજબ, 2025ના મે મહિના અને સપ્ટેમ્બર મહિના વચ્ચે ભારતની યુએસમાં નિકાસમાં 37.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના વ્યાપક ટેરિફ વધારાથી મુખ્ય ક્ષેત્રોમાં માર્જિન દબાઈ ગયું.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ, ભારતના સૌથી મોટા નિકાસ બજાર, યુએસમાં નિકાસ પાંચ મહિનાના સમયગાળામાં 8.8 બિલિયન ડોલરથીથી ઘટીને 5.5 બિલિયન ડોલરની થઈ ગઈ છે. જે તાજેતરના વર્ષોમાં સૌથી મોટા ટૂંકા ગાળાના ઘટાડામાંનો એક છે. 2 એપ્રિલે લાગુ કરાયેલા યુએસ ટેરિફની અસરનું મૂલ્યાંકન કરવા માટે આ અભ્યાસમાં મે થી સપ્ટેમ્બર 2025 સુધી ભારતના નિકાસ પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
નિકાસમાં ટેરિફ-મુક્ત માલનો હિસ્સો
ભારતીય ઉત્પાદનો પર ટેરિફ 10 ટકા લાદવાથી ટેરિફ ઈસ્યું શરૂ થયો હતો, 7 ઓગસ્ટ સુધીમાં 25 ટકા અને ઓગસ્ટના અંત સુધીમાં તેને વધારીને કુલ 50 ટકા સુધી પહોંચી ગયો. ટેરિફ-મુક્ત માલ સામાન હતો તે પણ આ ટેરિફડ્યુટીના ભારણમાં આવી ગયો. ટેરિફ ડ્યુટી ફ્રિ ચીજવસ્તુ જે ભારતની કુલ નિકાસનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે, તેની નિકાસમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. આવી ચીજવસ્તુ મે મહિનામાં 3.4 બિલિયન ડોલરથી થી 47 ટકા ઘટીને સપ્ટેમ્બરમાં 1.8 બિલિયન ડોલરનો થયો છે.
સ્માર્ટફોન અને ફાર્માસ્યુટિકલ નિકાસને ફટકો
GTRI એટલે કે, ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલમાં કહ્યું છે કે, “સ્માર્ટફોન અને ફાર્માસ્યુટિકલ્સને સૌથી વધુ નુકસાન થયું. સ્માર્ટફોન નિકાસ, જે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 197 ટકા વધી હતી, તે મે મહિનામાં 2.29 બિલિયન ડોલરથી 58 ટકા ઘટીને સપ્ટેમ્બરમાં 884.6 મિલિયન ડોલરની થઈ ગઈ. દર મહિને નિકાસ સતત ઘટી રહી છે.” GTRI એ જણાવ્યું, “ઘટાડાના કારણો જાણી શકાયા નથી અને તેની તપાસની જરૂર છે.”
ફાર્માસ્યુટિકલ નિકાસ 15.7 ટકા ઘટીને 745.6 મિલિયન ડોલરથી 628.3 મિલિયન ડોલર થઈ.
ઔદ્યોગિક ધાતુઓ અને ઓટો પાર્ટ્સ
ઔદ્યોગિક ધાતુઓ અને ઓટો પાર્ટ્સ, જે વૈશ્વિક સ્તરે સમાન ટેરિફને આધિન છે, તેમાં 16.7 ટકાનો ઘટાડો થયો.
આ શ્રેણીમાં એલ્યુમિનિયમની નિકાસ 37 ટકા, તાંબુ ૨૫ ટકા, ઓટો પાર્ટ્સ 12 ટકા અને લોખંડ અને સ્ટીલમાં 8 ટકાનો ઘટાડો થયો. GTRI એ જણાવ્યું હતું કે, “બધા વૈશ્વિક સપ્લાયર્સ પર સમાન ટેરિફ લાગુ કરવામાં આવ્યા હોવાથી, આ ઘટાડો ભારતીય સ્પર્ધાત્મકતામાં ઘટાડાને બદલે યુએસ ઔદ્યોગિક પ્રવૃત્તિમાં મંદી સાથે વધુ સંબંધિત હોય તેવું લાગે છે.”
કાપડ અને રસાયણો
કાપડ, રત્નો અને ઘરેણાં, રસાયણો, કૃષિ-ખાદ્ય પદાર્થો અને મશીનરી જેવા શ્રમ-સઘન ક્ષેત્રો, જે મળીને ભારતની યુએસ નિકાસમાં લગભગ 60% હિસ્સો ધરાવે છે, તેમાં 33%નો ઘટાડો થયો, જે મે મહિનામાં 4.8 બિલિયન ડોલરથી સપ્ટેમ્બરમાં ૩.૨ બિલિયન ડોલર થયો.
સોલાર પેનલની નિકાસ 60.8% ઘટીને 202.6 મિલિયન ડોલરથી 79.4 મિલિયન ડોલર થઈ ગઈ, જેના કારણે ભારતની નવીનીકરણીય ઉર્જા નિકાસ નબળી પડી.
વેપાર માર્જિનમાં ઘટાડો
GTRI એ જણાવ્યું હતું કે, “ચીન માત્ર 30% ટેરિફનો સામનો કરી રહ્યું છે અને વિયેતનામ 20% ટેરિફનો સામનો કરી રહ્યું છે, તેથી ભારતની સ્પર્ધાત્મકતામાં તીવ્ર ઘટાડો થયો છે.” રિપોર્ટમાં રસાયણ, દરિયાઈ અને સીફૂડ, કાપડ, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ નિકાસમાં ઘટાડો પણ દર્શાવવામાં આવ્યો છે. નવા ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ટેરિફથી માત્ર ભારતના વેપાર માર્જિનનું ધોવાણ થયું નથી પરંતુ મુખ્ય નિકાસ ઉદ્યોગોમાં માળખાકીય નબળાઈઓ પણ છતી થઈ છે.
આ પણ વાંચોઃ નવા વર્ષમાં મળશે સારા સમાચાર, ટ્રમ્પ હવે ભારત પર લાદેલી ટેરિફ ઘટાડવા થયા તૈયાર, જાણો કેમ આવુ થયું