Russia-Ukraine War Updates: અમેરિકાએ રશિયા પાસેથી ગેસ અને તેલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 12:02 AM

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો અને તે દિવસથી અહીં યુદ્ધ ચાલી રહ્યું છે. જેને રોકવા માટે બંને દેશો વચ્ચે બેઠકો પણ યોજવામાં આવી રહી છે.

Russia-Ukraine War Updates: અમેરિકાએ રશિયા પાસેથી ગેસ અને તેલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો
Russia-Ukraine War Live Updates

Russia-Ukraine War Live Updates : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) 13માં દિવસે પણ સમાપ્ત થયું નથી .જો કે, સોમવારે રશિયાએ ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, જેથી સામાન્ય લોકોના સલામત સ્થળાંતર માટે માનવ કોરિડોર (Human Corridors) ખોલી શકાય.હાલ રાજધાની કિવ (Kyiv)અને બંદરીય શહેર માર્યુપોલના લોકોને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં એક તરફ યુક્રેન કહે છે કે તે દુશ્મનોને તેની જમીન પરથી ભગાડી દેશે, તો બીજી તરફ રશિયાનું કહેવું છે કે જ્યાં સુધી યુક્રેન તેની તમામ માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Mar 2022 11:42 PM (IST)

    રશિયાના હુમલાથી અમેરિકન પરિવારોને થઈ રહ્યું છે નુકસાન

    અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે યુક્રેન પર રશિયાના હુમલાથી અમેરિકન પરિવારોને નુકસાન થઈ રહ્યું છે. તેમાં ગેસના વધતા ભાવ પણ સામેલ છે. તેમણે સ્વીકાર્યું કે રશિયન તેલની આયાત પર પ્રતિબંધો લાદવાના તેમના નિર્ણયથી દરેક ઘરને ખર્ચ થશે. જો કે, તેણે કહ્યું કે તે લોકો પર તેની અસર ઘટાડવા માટે કામ કરશે.

  • 08 Mar 2022 11:31 PM (IST)

    યુક્રેનના લોકોને માનવતાવાદી સહાય આપી – USA

    રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે, અમેરિકાથી યુક્રેનમાં દરરોજ સંરક્ષણાત્મક હથિયારોની શિપમેન્ટ આવી રહી છે. અમે અમારા સહયોગી અને સમાન ભાગીદારો સાથે શસ્ત્રોના વિતરણનું સંકલન કરી રહ્યા છીએ. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. અમે યુક્રેનના લોકો માટે માનવતાવાદી સહાય પણ આપી રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે યુક્રેન પર રશિયાના હુમલાથી અમેરિકન પરિવારોને નુકસાન થઈ રહ્યું છે. તેમાં ગેસના વધતા ભાવ પણ સામેલ છે. તેમણે કહ્યું કે તે લોકો પર તેની અસર ઘટાડવા માટે કામ કરશે.

  • 08 Mar 2022 10:32 PM (IST)

    અમેરિકાએ રશિયા પાસેથી ગેસ અને તેલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે, તેમનો દેશ રશિયાથી આયાત થતા ગેસ, તેલ અને ઊર્જા પર પ્રતિબંધ લગાવી રહ્યો છે.

  • 08 Mar 2022 10:23 PM (IST)

    પીએમ મોદીએ નેધરલેન્ડના પીએમ સાથે કરી વાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

  • 08 Mar 2022 10:10 PM (IST)

    યુક્રેનમાં ચાર હજાર રશિયન સૈનિકો માર્યા ગયા

    યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે મંગળવારે ધારાસભ્યોને જણાવ્યું હતું કે તેનો અંદાજ છે કે યુક્રેન પર રશિયાના હુમલામાં 2,000 થી 4,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે.

  • 08 Mar 2022 10:07 PM (IST)

    જર્મનીએ એનર્જી સપ્લાય અંગે કહી આ વાત

    જર્મનીએ કહ્યું છે કે જો રશિયા એનર્જી સપ્લાય બંધ કરે તો અમે તૈયાર છીએ. યુરોપ તમામ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

  • 08 Mar 2022 09:39 PM (IST)

    અમારા 400 થી વધુ નાગરિકો માર્યા ગયા: યુક્રેન

    યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે રશિયન હુમલાથી થયેલા નુકસાન અને જાનહાનિનો નવો અંદાજ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે રશિયન દળોના હુમલામાં 38 લોકો માર્યા ગયા અને 70થી વધુ ઘાયલ થયા. એક વિડિયો સંદેશમાં, રેઝનિકોવે કહ્યું કે કુલ મળીને ઓછામાં ઓછા 400 નાગરિકો માર્યા ગયા અને 800 ઘાયલ થયા. જો કે આ આંકડા ચોક્કસપણે અધૂરા છે.

  • 08 Mar 2022 08:50 PM (IST)

    જાપાને રશિયા પર વધુ પ્રતિબંધો લાદ્યા

    જાપાને રશિયા અને બેલારુસના વધુ 32 લોકોની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. જાપાને મંગળવારે ચેચેન રિપબ્લિકના વડા રમઝાન કાદિરોવ, નાયબ સૈન્ય વડા, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરકારના પ્રેસ સચિવ અને રાજ્ય સંસદના ઉપપ્રમુખ સહિત 20 રશિયન લોકોની સંપત્તિ સ્થિર કરી દીધી છે. આ સિવાય બેલારુસના 12 અધિકારીઓ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ જેમના પર જાપાન દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  • 08 Mar 2022 08:44 PM (IST)

    બિડેન રશિયન તેલની આયાત પર પ્રતિબંધો લાદશે

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લાદશે. યુક્રેન પર રશિયાના આક્રમણના જવાબમાં રશિયન અર્થવ્યવસ્થાને ફટકો પડશે.

  • 08 Mar 2022 08:14 PM (IST)

    ઇરપિનમાં જોવા મળ્યા ગોળીઓના ખાલી શેલ

    યુક્રેનની રાજધાની કિવની નજીકના યુદ્ધગ્રસ્ત શહેર ઇરપિનમાં જમીન પર ગોળીઓના ખાલી શેલ જોવા મળ્યા હતા. રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે નાગરિકો સુરક્ષિત સ્થળોએ ખસી ગયા છે.

  • 08 Mar 2022 08:02 PM (IST)

    કેન્દ્ર સરકારે ભારતીયોને યુક્રેન છોડવા કહ્યું

    કેન્દ્રએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને માનવતાવાદી કોરિડોરનો ઉપયોગ કરવા અને ટ્રેન અથવા પરિવહનના કોઈપણ માધ્યમ દ્વારા યુક્રેન છોડવા જણાવ્યું છે.

  • 08 Mar 2022 07:52 PM (IST)

    સુમીથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ શરૂ: વિદેશ મંત્રાલય

    વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનના સુમીથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ હેઠળ ફ્લાઈટ તૈયાર કરવામાં આવી રહી છે.

  • 08 Mar 2022 07:36 PM (IST)

    રશિયન તેલ પર પ્રતિબંધ લાદશે અમેરિકા

    અમેરિકા રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ લાદશે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે અમેરિકાએ આ પગલું ભર્યું છે.

  • 08 Mar 2022 06:48 PM (IST)

    યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 18 હજાર ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા

    નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગા હેઠળ, 410 ભારતીયોને આજે રોમાનિયાના સુસેવાથી 2 વિશેષ નાગરિક ફ્લાઇટ્સ દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે 22 ફેબ્રુઆરીથી શરૂ થયેલી વિશેષ ફ્લાઇટ દ્વારા લગભગ 18,000 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.

  • 08 Mar 2022 06:14 PM (IST)

    સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા

    12 બસોનો કાફલો આજે સુમી, યુક્રેનથી રવાના થયો હતો. ત્યાં હાજર તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ અને રેડ ક્રોસના અધિકારીઓ તેમને એસ્કોર્ટ કરી રહ્યા છે. બાંગ્લાદેશીઓ અને નેપાળીઓને પણ સુવિધા આપવામાં આવી છે. તેઓ હાલમાં પોલ્ટાવા પ્રદેશના માર્ગે છે.

  • 08 Mar 2022 05:57 PM (IST)

    રશિયા મારિયુપોલ કોરિડોરનું ઉલ્લંઘન કરી રહ્યું છે

    યુક્રેનના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે, રશિયા મેરિયુપોલ કોરિડોરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ કોરિડોર દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

  • 08 Mar 2022 05:32 PM (IST)

    રશિયાએ મારીયુપોલમાં 3,00,000 નાગરિકોને બંધક બનાવ્યા

    યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ મોટો દાવો કર્યો છે. કુલેબાએ ટ્વીટ કર્યું, ‘રશિયાએ મારિયુપોલમાં 3 લાખ નાગરિકોને બંધક બનાવ્યા છે. ICRC આર્બિટ્રેશન સાથેના કરારો છતાં રશિયા માનવતાવાદી સ્થળાંતરને અવરોધે છે. રશિયાના કરતૂતોને કારણે ગઈ કાલે એક બાળકનું મૃત્યુ થયું હતું!’

  • 08 Mar 2022 05:18 PM (IST)

    રશિયન તેલ નહીં ખરીદે શેલ

    એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની શેલનું કહેવું છે કે, તે રશિયામાં ઓઈલ, નેચરલ ગેસ અને ક્લોઝ સર્વિસ સ્ટેશન ખરીદવાનું બંધ કરશે.

  • 08 Mar 2022 04:53 PM (IST)

    રશિયાએ યુક્રેનના ચેર્નિહિવમાં ઓઈલ ડેપોને ઉડાવી દીધો

    રશિયાએ યુક્રેનના ચેર્નિહાઇવમાં એક ઓઇલ ડેપોને ઉડાવી દીધો. આ પછી ત્યાં રહેતા લોકો પોતાના ઘર છોડીને ભાગવા લાગ્યા છે.

  • 08 Mar 2022 04:40 PM (IST)

    17 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે 17 લાખ લોકોએ પાડોશી દેશોમાં શરણ લેવી પડી છે. પોલેન્ડમાં 10 લાખથી વધુ લોકોએ આશરો લીધો છે.

  • 08 Mar 2022 04:22 PM (IST)

    ઝેલેન્સકીએ પશ્ચિમી દેશો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે, આ હત્યાઓ માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ, પરંતુ છેલ્લા 13 દિવસથી પશ્ચિમી દેશોમાં તેમની ઓફિસમાં બેઠેલા લોકો પણ જવાબદાર છે. આ લોકોએ હજુ સુધી કોઈ નિર્ણાયક નિર્ણય લીધો નથી. અમે અમારા શહેરને બોમ્બ અને મિસાઇલથી બચાવી શકતા નથી. પરંતુ આ લોકો ચોક્કસપણે આને થતું અટકાવી શકે છે.

  • 08 Mar 2022 03:52 PM (IST)

    સુમીમાંથી ભારતીયો બહાર આવવા લાગ્યા

    યુક્રેનના સુમી શહેરમાં 700 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓથી ભરેલી બસ સુમીથી રવાના થઈ રહી છે.

  • 08 Mar 2022 03:37 PM (IST)

    યુક્રેન IAEAને રશિયા પર પ્રતિબંધો લાદવા કહ્યું

    યુક્રેનના ઉર્જા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, યુક્રેન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ને રશિયાને તેના તકનીકી સંસાધનોની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવા તેમજ પરમાણુ ક્ષેત્ર સાથે સંબંધિત યુએન માળખામાં રશિયન નાગરિકો સાથેના સંબંધો તોડવા માટે કહ્યું છે.

  • 08 Mar 2022 03:16 PM (IST)

    રશિયન લશ્કરી વાહનો નદી પાર કરતા

    રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરાયેલી તસવીરોમાં લશ્કરી વાહનો નદી પાર કરતા દેખાય છે.

    Image

    (Photo and News – AFP)

  • 08 Mar 2022 03:04 PM (IST)

    રશિયન સેના કિવ તરફ આગળ વધી રહી છે

    કિવમાં વન-વે રોડ હજુ પણ ખુલ્લો છે. રશિયા હજી અહીંથી થોડા કિલોમીટર દૂર છે. રશિયા ધીમે ધીમે યુક્રેનની રાજધાની તરફ આગળ વધી રહ્યું છે. તે અહીં ક્રમિક રીતે હુમલો કરી રહ્યું છે. જો કે, યુક્રેને પણ કિવમાં કિલ્લેબંધી કરી છે.

  • 08 Mar 2022 02:39 PM (IST)

    કિવ નજીક બ્રોવરી પર હવાઈ હુમલો, ચર્ચ બળીને રાખ

    રશિયાએ કિવ નજીક બ્રોવરીમાં મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં બ્રોવરી સ્થિત એક ચર્ચને બળીને ખાખ થઈ ગયું છે. માહિતી અનુસાર, યુદ્ધના 13માં દિવસે રશિયન સેનાના સૈનિકો કિવથી લગભગ 20 કિલોમીટરના અંતરે હાજર છે. એટલે કે, તે ખૂબ નજીક આવી ગયા છે.

  • 08 Mar 2022 02:19 PM (IST)

    કિવમાં થઈ શકે છે મોટા હુમલા

    યુક્રેનની રાજધાની કિવમાં રશિયા કમાન્ડોની ટુકડીઓ મોકલવાની ફિરાકમાં છે. યુક્રેને કહ્યું છે કે, રશિયાએ કિવમાં ભાડૂતી સૈનિકોની ઘૂસણખોરી કરી છે.

  • 08 Mar 2022 01:42 PM (IST)

    યુક્રેનની 202 શાળાઓ અને 34 હોસ્પિટલો નાશ પામી

    યુક્રેને દાવો કર્યો છે કે, સુમી હુમલામાં અત્યાર સુધીમાં 18 લોકો માર્યા ગયા છે. અહીં રશિયન સેનાએ 500 કિલોના બોમ્બથી હુમલો કર્યો હતો.આ રશિયન હુમલામાં 202 શાળાઓ નાશ પામી છે,જ્યારે 34 હોસ્પિટલો પણ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે.

  • 08 Mar 2022 01:40 PM (IST)

    લ્વિવ શહેરમાં 2 લાખ યુક્રેનિયનોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે સંઘર્ષ

    લ્વિવના મેયર કહ્યુ કે, તેઓ 200,000 યુક્રેનિયનોને ખવડાવવા અને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, પશ્ચિમ યુક્રેનમાં સ્થિત આ શહેર દેશના યુદ્ધગ્રસ્ત ભાગોમાંથી આવેલા 200,000 વિસ્થાપિત યુક્રેનિયનો માટે ખોરાક અને આવાસ પ્રદાન કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

  • 08 Mar 2022 01:08 PM (IST)

    યુક્રેનમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા

    યુક્રેનના સંરક્ષણ વિભાગ અનુસાર, 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 12,000 રશિયન સૈનિકોના મોત થયા છે. જ્યારે ટેન્કના 303 યુનિટ નાશ પામ્યા છે. આ સિવાય આર્મ્ડ કોમ્બેટ વાહનોના 1036 યુનિટ, 120 આર્ટિલરી સિસ્ટમ, 56 એમએલઆરએસ, 27 એર ડિફેન્સ સિસ્ટમ, 48 એરક્રાફ્ટ, 80 હેલિકોપ્ટર, 474 ઓટોમોટિવ ટેક્નોલોજી અને 3 બોટનો નાશ કરવામાં આવ્યો છે.

  • 08 Mar 2022 01:07 PM (IST)

    ઝેલેન્સકીએ રશિયાને કરારની યાદ અપાવી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, માનવતાના ધોરણે તેમના દેશને કોરિડોર આપવા માટે સોમવારે એક કરાર હોવા છતાં રસ્તાઓ “રશિયન ટેન્ક, રશિયન રોકેટ અને રશિયન લેન્ડમાઇન”થી ભરાયેલા હતા. મધ્યરાત્રિએ જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં, ઝેલેન્સકીએ આક્ષેપ કર્યો હતો કે, “મારીયુપોલમાં બાળકો સહિત સામાન્ય લોકોને ખોરાક અને દવાઓ પહોંચાડવા માટે સંમત થયેલા રસ્તાઓ પર લેન્ડમાઈન પણ નાખવામાં આવી હતી.”

  • 08 Mar 2022 01:05 PM (IST)

    રેટિંગ એજન્સી ફિચે રશિયામાં વ્યાપારી કામગીરી સ્થગિત કરી

    સોમવારે તાત્કાલિક અસરથી ફિચ રશિયામાં તેની વ્યાપારી કામગીરી સ્થગિત કરનાર બીજી મોટી ક્રેડિટ રેટિંગ ફર્મ બની છે. ફિચે કહ્યું કે દેશની બહારના તેના વિશ્લેષકો તેના બદલે કવરેજ આપશે.

  • 08 Mar 2022 12:09 PM (IST)

    યુક્રેનમાં રશિયન હુમલામાં 9 લોકો માર્યા ગયા

    યુક્રેનના સુમીમાં રશિયન હુમલામાં બે બાળકો સહિત નવ લોકો માર્યા ગયા હતા. બચાવકર્મીઓએ ઘરોના કાટમાળ નીચેથી નાગરિકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

  • 08 Mar 2022 12:08 PM (IST)

    ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવી શકાયો નથી

    ભારતે UN સિક્યુરિટી કાઉન્સિલને કહ્યું કે, તે ખૂબ જ ચિંતિત છે કે રશિયા અને યુક્રેન બંને તરફથી વારંવાર વિનંતી કરવા છતાં, પૂર્વ યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવવામાં આવ્યો નથી. ભારતના સ્થાનિક પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ સોમવારે યુક્રેનમાં માનવતાવાદી પરિસ્થિતિ પર સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે, “ભારત તમામ પ્રકારની દુશ્મનાવટનો અંત લાવવાનું આહ્વાન કરી રહ્યું છે.”

  • 08 Mar 2022 11:04 AM (IST)

    પરમાણુ પ્લાન્ટનો નાશ કર્યો

    રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે થયેલા હુમલામાં બીજો પરમાણુ પ્લાન્ટ પણ નષ્ટ થઈ ગયો છે. જો કે અત્યાર સુધી રેડિયેશનના લીકેજના કોઈ સમાચાર નથી, પરંતુ ખતરો યથાવત છે.

  • 08 Mar 2022 11:00 AM (IST)

    યુક્રેનને 700 મિલિયન ડોલર મળશે

    રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેને વિશ્વ બેંક પાસે મદદનો હાથ લંબાવ્યો છે.ત્યારે યુક્રેનને દેશની આવશ્યક સેવાઓ માટે વિશ્વ બેંક પાસેથી 700 મિલિયનથી વધુની સહાય મળશે.

  • 08 Mar 2022 10:59 AM (IST)

    યુક્રેનમાં યુદ્ધ વચ્ચે 4000 લગ્ન થયા, 4300 બાળકોનો જન્મ થયો

    યુદ્ધની શરૂઆતથી યુક્રેનમાં લગભગ 4,000 લોકોએ લગ્ન કર્યા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 4,300 બાળકોનો જન્મ પણ થયો છે.

  • 08 Mar 2022 10:38 AM (IST)

    રશિયન હુમલામાં એક બાળકીનું મોત

    રશિયા દ્વારા યુક્રેનની એક શાળા પર બોમ્બ ફેંકવામાં આવતા 7 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકીના દાદાએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા.આ ઘટના ઓક્તિરકાની છે.

  • 08 Mar 2022 09:57 AM (IST)

    રશિયાએ ઘણા શહેરોમાં યુદ્ધવિરામ લાગુ કર્યો

    રશિયાએ યુક્રેનના કિવ, ચેર્નિહાઇવ, સુમી, ખાર્કિવ અને મેરીયુપોલ શહેરોમાં યુદ્ધવિરામ લાગુ કર્યો છે. અહીં માનવ કોરિડોર ખોલવામાં આવશે.

  • 08 Mar 2022 09:31 AM (IST)

    1.68 લાખ લોકોને રશિયા ખસેડવામાં આવ્યા હતા

    UNSCની બેઠકમાં રશિયાએ કહ્યું કે, સ્પેશિયલ મિલિટરી ઓપરેશનના વિસ્તારમાંથી 1,68,000થી વધુ લોકોને સુરક્ષિત રીતે રશિયા ખસેડવામાં આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 5,550 લોકોએ સરહદ પાર કરી છે. અમે યુક્રેનથી આવતા નાગરિકો માટે કામચલાઉ વ્યવસ્થા પણ ગોઠવી રહ્યા છીએ.

  • 08 Mar 2022 09:30 AM (IST)

    યુક્રેનના પરમાણુ મથકને નુકસાન

    IAEAનું કહેવું છે કે રશિયાના હુમલાથી યુક્રેનની બીજી ન્યુક્લિયર ફેસિલિટીને પણ નુકસાન થયું છે. યુક્રેને IAEAને જણાવ્યું હતું કે, રવિવારે તોપમારાથી ખાર્કિવમાં નવા પરમાણુ સંશોધન કેન્દ્રને નુકસાન થયું છે જે તબીબી અને ઔદ્યોગિક એપ્લિકેશનો માટે રેડિયો આઇસોટોપ ઉત્પન્ન કરે છે. જોકે, ઘટના સ્થળે રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો થયો નથી.

  • 08 Mar 2022 08:37 AM (IST)

    રશિયાએ 625 થી વધુ મિસાઈલો છોડી

    યુદ્ધની શરૂઆતથી રશિયાએ યુક્રેન પર 625 થી વધુ મિસાઇલો છોડી છે. જેમાં ટૂંકી અને મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. જો કે, રશિયાએ સપાટીથી હવામાં અને ક્રુઝ મિસાઇલો પર વધુ આધાર રાખ્યો છે, કારણ કે તેના સૈનિકો હજુ પણ કિવ અને ખાર્કિવ જેવા મોટા શહેરોની બહાર ફસાયેલા છે.

  • 08 Mar 2022 08:35 AM (IST)

    અમેરિકા ચીન પર કરી શકે છે કાર્યવાહી

    વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, રશિયા વિરોધી પ્રતિબંધોનું પાલન ન કરવા બદલ અમેરિકા ચીન સામે જવાબી કાર્યવાહી કરી શકે છે.

  • 08 Mar 2022 08:33 AM (IST)

    ઓસ્ટ્રેલિયાએ રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા

    ઓસ્ટ્રેલિયાએ રશિયા પર નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. આ વખતે ઓસ્ટ્રેલિયાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. જે અંતર્ગત રશિયન સશસ્ત્ર દળો, છ વરિષ્ઠ રશિયન સૈન્ય કમાન્ડર અને યુક્રેન યુદ્ધમાં રશિયન પ્રચાર ફેલાવવામાં સામેલ દસ લોકો સામેલ છે.

Published On - Mar 08,2022 8:27 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">