Viral Video: જર્મનીમાં રોબોટે 16 વર્ષીય સગીરાની કરી છેડતી – સોશિયલ મીડિયા પર લાઇવ-સ્ટ્રીમિંગ કર્યું, પોલીસે મશીન જપ્ત કરી તપાસ શરૂ કરી!
જર્મનીના કોલોન શહેરમાં ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ બહાર રોબોટ દ્વારા 16 વર્ષની સગીરા સાથે છેડતી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઈવ-સ્ટ્રીમિંગ કરનારા 2 કિશોરો પાસેથી પોલીસે રોબોટ અને મોબાઈલ ફોન જપ્ત કરી જાતીય સતામણીની દિશામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે.

જર્મનીના કોલોન શહેરમાં એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટની બહાર રોબોટ દ્વારા કથિત રીતે 16 વર્ષની સગીરાની છેડતી કરવામાં આવી હોવાની અત્યંત વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં, આ શરમજનક ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર લાઈવ-સ્ટ્રીમ પણ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ સમગ્ર મામલે બે કિશોરોના મોબાઈલ ફોન અને રોબોટ જપ્ત કરી લીધા છે. પોલીસ એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે શું સગીરાને પરેશાન કરવાના ઈરાદે જાણીજોઈને મશીનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું?
રોબોટે સગીરા સાથે કરી છેડતી
‘ડેઇલી મેલ’ના અહેવાલ મુજબ, આ ઘટના રવિવારે રાત્રે આશરે 11:45 વાગ્યે સેન્ટ્રલ કોલોનના ‘હોહેનઝોલર્નરિંગ’ વિસ્તારમાં બની હતી. સગીરા પોતાના મિત્રો સાથે એક રેસ્ટોરન્ટ બહાર ઊભી હતી, ત્યારે લાલ અને સોનેરી રંગનો આશરે 1.2 મીટર ઊંચો રોબોટ પાછળથી તેની નજીક પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારિત કરવામાં આવી રહી હતી.
કોલોન પોલીસે જણાવ્યું કે, આ મશીને કથિત રીતે 16 વર્ષની સગીરાના કમરના ભાગે અડપલાં કર્યા હતા અને તેને ધક્કો માર્યો હતો. પોલીસને આશંકા છે કે વેગબર્ગના રહેવાસી એવા રોબોટના 16 વર્ષીય માલિક અને તેના 19 વર્ષીય સાથીદારે મળીને આ ઘટનાનું શૂટિંગ કર્યું હતું અને લાઈવ દરમિયાન આપત્તિજનક કોમેન્ટ્રી પણ કરી રહ્યા હતા.
(Social Media, Source: TRT World)
પોલીસે બે કિશોરોની અટકાયત કરી સાધનો જપ્ત કર્યા
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદોની ફોક્સવેગન સેડાન કારની ડિક્કીમાંથી આ રોબોટ મળી આવ્યો હતો. પોલીસે તપાસના ભાગરૂપે તે રોબોટિક મશીન અને બંને કિશોરોના મોબાઈલ ફોન કબ્જે લીધા છે.
પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે જાતીય સતામણીની શંકા હેઠળ ગુનાહિત તપાસ શરૂ કરી છે. અધિકારીઓ તપાસી રહ્યા છે કે ઘટના વખતે રોબોટ કઈ રીતે કામ કરી રહ્યો હતો, તેને રિમોટલી કંટ્રોલ કરવામાં આવી રહ્યો હતો કે પછી તેમાં સગીરાને હેરાન કરવા માટે જાણીજોઈને સોફ્ટવેરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
(Social Media, Source: Dw News)
