અમરેલીમાં ગૌચરની જમીન પર દબાણ સામે કલેક્ટરે આપ્યા તપાસના આદેશ, ગામલોકોના આંદોલન બાદ હરકતમાં તંત્ર- Video
અમરેલીમાં ગૌચરની જમીન પર દબાણ કરવાના આક્ષેપ મુદ્દે હવે તપાસ શરૂ થશે. ગામલોકોના આંદોલન બાદ કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સોંપી છે અને જમીનની માપણી કરી દબાણ દૂર કરવા આદેશ કર્યો છે.
અમરેલીમાં છેલ્લા કેટલાય સમયથી ગૌચરની જમીન પર દબાણ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. ધોળકિયા ફાઉન્ડેશન ગૌચરની જમીન પર દબાણ કરાયાના આક્ષેપો કરાયા છે. ગામલોકોએ આ મુદ્દે આંદોલન કરતા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સોંપી છે અને જમીનની માપણી કરી દબાણ દૂર કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે ધોળકિયા ફાઉન્ડેશન સામે તળાવો બનાવવાની કામગીરી દરમિયાન ગૌચરની જમીન પર દબાણ કરાયાના આક્ષેપ થયા છે. હવે આ મુદ્દે દુધાળા ગામના લોકોએ તંત્ર સામે બાંયો ચડાવી છે અને આંદોલનનુ શસ્ત્ર ઉગામતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે અને તપાસના આદેશ કરાયા છે.
દુધાળા ગામના લોકો અને સામાજિક કાર્યકરોએ ગૌચર જમીન પર દબાણના આક્ષેપો સાથે ધોળકિયા ફાઉન્ડેશન સામે મોરચો માંડ્યો છે. ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરવા માટે પહોંચ્યા હતા. કલેક્ટરે ગ્રામજનોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપીને સમગ્ર તપાસ જિલ્લા અધિકારીને સોંપી. માલધારીઓના દાવા મુજબ ગૌચર જમીન પર ફેન્સિંગ અને અન્ય બાંધકામોના કારણે પશુઓ માટે ચરવા અને પાણી પીવાની જગ્યા ઘટી છે.
સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા દ્વારા અગાઉ ગૌચર જમીનના દબાણો દૂર કરવા અને સરકારી જમીનની માપણી કરીને કાર્યવાહી કરવાની માંગ સાથે અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જો કે ગ્રામજનો આંદોલન પર ઉતરે તે પહેલા જ કલેક્ટરે 10થી 12 દિવસમાં ગૌચર જમીનની માપણી કરી દબાણોને ઓળખી, કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આથી તેમણે આંદોલન મોકૂફ રાખ્યું છે.
હાલ પુરતુ આંદોલન મોકૂફ રહ્યું છે પરંતુ અહીંના લોકોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટમાં લડત આપીશું. જ્યારે કે કલેક્ટરે આ મામલે કેમેરા સામે કઈંપણ કહેવાનો ઈનકાર કર્યો છે.
