પાકિસ્તાનમાં આતંકવાદીઓએ 8 સુરક્ષાકર્મીઓને મારી નાખ્યા, 7નું કર્યું અપહરણ, જવાબી હુમલામાં 9 ત્રાસવાદી ઠાર
પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ એન્કાઉન્ટરમાં 8 સુરક્ષા કર્મી માર્યા ગયા છે જ્યારે 9 ત્રાસવાદીઓ ઠાર થયા છે. આતંકવાદીઓએ 7 સુરક્ષાકર્મીઓનું અપહરણ કર્યું છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર કેટલાક કલાકો સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન કેટલાક રહેવાસીઓ પણ ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, ગઈકાલ સોમવારે મોડી રાત્રે આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન થયેલી લોહિયાળ અથડામણમાં ઓછામાં ઓછા નવ આતંકવાદીઓ અને આઠ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. ગુપ્ત બાતમીના આધારે ખૈબર જિલ્લાની તિરાહ મેદાન ખીણમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં લશ્કર-એ-ઈસ્લામ આતંકવાદી સંગઠનના બે મહત્વપૂર્ણ કમાન્ડર પણ માર્યા ગયા.
આ ઓપરેશનમાં સાત સુરક્ષા જવાનો અને છ આતંકીઓ પણ ઘાયલ થયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર કેટલાક કલાકો સુધી સતત ચાલેલા ઓપરેશન દરમિયાન નજીકના વિસ્તારોના કેટલાક રહેવાસીઓ પણ ઘાયલ થયા છે. સમગ્ર ઓપરેશન દરમિયાન ખૈબર જિલ્લામાં ત્રણ પોઈન્ટ પર સૈનિકો તૈનાત રહ્યા હતા.
7 સુરક્ષાકર્મીનું અપહરણ
આ સિવાય હથિયારબંધ લોકોએ બન્નુ જિલ્લાના વઝીર સબડિવિઝનની રોઝા ચેક પોસ્ટ પરથી ખૈબર પખ્તુનખ્વા પોલીસના 7 પોલીસકર્મીઓનું અપહરણ કર્યું છે. સશસ્ત્ર માણસો તેમની સાથે તમામ હથિયારો, દારૂગોળો અને પુરવઠો પણ લઈ ગયા હતા.
છ આતંકવાદીઓ માર્યા ગયા
પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની ગોળીબારમાં પાકિસ્તાની આર્મીના એક કમાન્ડો અને છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સૂત્રોએ આ માહિતી આપી હતી. આ ઘટના ગત શનિવારે અફઘાનિસ્તાનની સરહદે ખૈબર જિલ્લાના તિરાહ ઘાટીના લુર મેદાની વિસ્તારમાં બની હતી.
સુરક્ષા દળોને નિશાન બનાવાયા
આ ઘટનામાં પાકિસ્તાની સેનાનો એક કમાન્ડો માર્યો ગયો અને બીજો ઘાયલ થયો. આ ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી મોટી માત્રામાં ગોળીબાર અને બોંબ ધડાકાના અવાજ આવતા રહ્યાં હતા. તહરીક એ તાલીબાન પાકિસ્તાન ( ટીટીપી) આ વિસ્તારમાં સક્રીય છે. અને સુરક્ષાબળોને સતત નિશાન બનાવીને હુમલાઓ કરતું રહે છે.