પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થયાના લગભગ અઢી દિવસ બાદ અંતિમ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. જોકે, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. દેશમાં 100થી વધુ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
ચૂંટણી પંચે રવિવારે 8 ફેબ્રુઆરી (ગુરુવારે) યોજાયેલી સામાન્ય ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કર્યા છે, જેમાં ઇમરાનની પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 264 બેઠકોમાંથી 101 બેઠકો જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી. દેશની 265 બેઠકોમાંથી 264 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારના અવસાનને કારણે એક બેઠક પર ચૂંટણી થઈ ન હતી.
ઘણા રાજકીય પક્ષોએ પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પરિણામોની જાહેરાતમાં અસામાન્ય વિલંબની આકરી ટીકા કરી છે. જ્યારે અનેક પક્ષોએ ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો પણ કર્યા હતા. અનેક સ્થળોએ દેખાવો પણ કરવામાં આવ્યા હતા. પરિણામોની જાહેરાતમાં અસામાન્ય વિલંબથી વાતાવરણ ગરમાયું હતું કારણ કે ઘણા પક્ષોએ અપ્રમાણિકતાની ફરિયાદ કરી હતી અને કેટલાકે વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
સામાન્ય ચૂંટણીમાં મોટાભાગના અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. મોટાભાગના સ્વતંત્ર ઉમેદવારો ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત ઉમેદવારો હતા, જેણે નેશનલ એસેમ્બલીમાં 101 બેઠકો મેળવી છે. બીજા સ્થાને ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) હતી, જેને 75 બેઠકો મળી હતી. તકનીકી રીતે, પીએમએલ-એન પાકિસ્તાન સંસદમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.
બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને માત્ર 54 બેઠકો મળી છે. કરાચી સ્થિત મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P), જે વિભાજન વખતે ભારતમાંથી આવેલા ઉર્દૂ ભાષીઓ દ્વારા રચવામાં આવી હતી, તેને માત્ર 17 બેઠકો મળી છે. બાકીની 12 બેઠકો અન્ય નાના પક્ષોએ જીતી હતી. જ્યારે સરકાર બનાવવા માટે, પાર્ટીએ નેશનલ એસેમ્બલીમાં લડેલી 265માંથી 133 બેઠકો જીતવી આવશ્યક છે.
હાલમાં, નેશનલ એસેમ્બલીની કુલ 336 બેઠકોમાંથી, સામાન્ય બહુમતી મેળવવા માટે કુલ 169 બેઠકોની જરૂર પડશે, જેમાં મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકોનો સમાવેશ થાય છે, તે પછીથી નક્કી કરવામાં આવશે.
બીજી તરફ કેન્દ્ર તેમજ ચાર પ્રાંતમાં ચૂંટણીના પરિણામો લગભગ જાહેર થઈ ગયા છે. પંજાબ, સિંધ અને ખૈબર-પખ્તૂનખ્વાની ત્રણ પ્રાંતીય એસેમ્બલીના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે, પરંતુ અશાંત પ્રાંત તરીકે ઓળખાતી બલૂચિસ્તાન એસેમ્બલીની ત્રણ બેઠકોના પરિણામો આવવાના બાકી છે.
પંજાબ પ્રાંતમાં 296 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી, જેમાં અપક્ષ ઉમેદવારોએ 138 બેઠકો જીતી હતી, ત્યારબાદ PML-N 137 અને અન્ય પક્ષોને 21 બેઠકો મળી હતી. એ જ રીતે, સિંધમાં કુલ 130 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી, જેમાંથી 129 બેઠકોના પરિણામો આવી ગયા છે, જ્યારે ચૂંટણી પંચે હેરાફેરીના આરોપોને કારણે એક મતવિસ્તારમાં ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો.
અશાંત પ્રાંતમાં ખૈબર-પખ્તુનખ્વાના કુલ 113 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 112 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ એક બેઠકનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સમય પહેલા નવાઝ શરીફનો જીતનો દાવો પાકિસ્તાનનું અપમાન: ઈમરાન ખાનની બહેન