કોંગોમાં (Congo) મંકીપોક્સના (Monkeypox) 465 કેસની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકા મંકીપોક્સથી સૌથી વધુ પ્રભાવિત છે. સંકુરુ આરોગ્ય વિભાગના વડા ડૉ. એમે એલોન્ગોએ સોમવારે જણાવ્યું હતું કે કોંગોમાં મરેલા વાંદરાઓ અને ઉંદરોના સેવનથી આ રોગ ફેલાયો છે. તેમણે કહ્યું કે રહેવાસીઓ જંગલમાં પ્રવેશ કરે છે. મૃત વાંદરાઓ, ચામાચીડિયા અને ઉંદરોને ઉપાડે છે, જે મંકીપોક્સના સ્ત્રોત છે. અધિકારીએ મંકીપોક્સના લક્ષણો ધરાવતા લોકોને અલગ રહેવા માટે આરોગ્ય કેન્દ્રમાં જવાની અપીલ કરી છે.
નાઇજીરીયામાં મંકીપોક્સથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. રોગ નિયંત્રણ એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે દેશમાં આ વર્ષે મંકીપોક્સથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. નાઈજીરીયા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ જાહેરાત કરી હતી કે 2022 માં રોગના 66 શંકાસ્પદ કેસોમાંથી 21 ની પુષ્ટિ થઈ છે. નાઇજીરીયા સીડીસીએ કહ્યું, ’40 વર્ષના દર્દીના મૃત્યુની જાણ કરવામાં આવી છે, જે અન્ય રોગોથી પણ પીડિત હતો.’
નાઇજીરીયામાં સપ્ટેમ્બર 2017 થી મંકીપોક્સનો પ્રકોપ જોવા મળ્યો નથી. જોકે છૂટાછવાયા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રોગ નિયંત્રણ એજન્સીએ જણાવ્યું હતું કે તેના 36 માંથી 22 રાજ્યોમાં ઓછામાં ઓછા 247 કેસની પુષ્ટિ થઈ છે અને મૃત્યુ દર 3.6 ટકા છે. યુરોપ અને અમેરિકામાં મંકીપોક્સના કેસોમાં થયેલા વધારાએ એવા દેશોમાં ચિંતા વધારી છે કે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ રોગનો એક પણ કેસ નોંધાયો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે 20 થી વધુ દેશોમાં આ રોગના 250 થી વધુ કેસ નોંધાયા છે. બ્રિટનમાં નોંધાયેલા નવા કેસમાંથી એક માણસ 4 મેના રોજ નાઈજીરિયાથી પાછો ફર્યો હતો. નાઈજીરીયામાં આ રોગના છ કેસની પુષ્ટિ થઈ છે.
આ દરમિયાન, આર્જેન્ટિનામાં પણ શુક્રવારે મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધ્યો છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં સ્પેનના પ્રવાસે ગયો હતો. પાકિસ્તાન સરકારે સોમવારે દેશમાં મંકીપોક્સના અહેવાલોને ફગાવી દીધા હતા. જો કે, સરકારે આ પ્રાણીજન્ય અને વાયરસથી ફેલાતા રોગ વિશે વધુ તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. ‘રેડિયો પાકિસ્તાન’ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, તમામ રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્વાસ્થ્ય અધિકારીઓને મંકીપોક્સના દરેક શંકાસ્પદ કેસ વિશે વધુ સતર્ક રહેવા માટે વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. સમાચાર મુજબ, અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનમાં મંકીપોક્સના મામલાને લઈને સોશિયલ મીડિયા પર આવી રહેલા સમાચાર ખોટા છે.