Axiom Space : શુભાંશુ શુક્લા જે સીટ પર બેસ્યો તેની કિંમત કેટલી ? જાણશો તો ધોળા દિવસે ‘તારા’ દેખાઈ જશે
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ 'SpaceX'ના Falcon-9 રોકેટ પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયા છે. આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશ યાત્રા કરી છે પણ શું તમને ખબર છે કે, Axiom Spaceમાં એક સીટની કિંમત કેટલી છે?

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થયા છે. આ મિશન બુધવારે બપોરે 12:01 વાગ્યે સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, મોટાભાગના લોકોને એ નથી ખબર કે Axiom Spaceમાં એક સીટની કિંમત કેટલી છે. એવામાં ચાલો જાણીએ કે, સીટની કિંમત કેટલી છે અને આ મિશન શા માટે મહત્ત્વનું છે.
‘Axiom Space’એ અમેરિકાની ખાનગી કંપની છે, જે NASA સાથે મળીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટેના ખાનગી અંતરિક્ષ મિશનો ચલાવે છે. આ મિશનોમાં વ્યાવસાયિકો કે વૈજ્ઞાનિકો જાતે પોતાનો ખર્ચ ચૂકવીને અવકાશમાં પ્રવાસ કરે છે.
સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, Axiom Space આજના સમયમાં અંતરિક્ષ યાત્રાનું ગેટવે બની ગયું છે. આની એક સીટની કિંમત અંદાજિત $55 થી $70 મિલિયન સુધીની છે, એટલે કે અંદાજે ₹459 કરોડ થી ₹584 કરોડ જેટલી છે.
દરેક મિશનમાં અંદાજિત ખર્ચ કેટલો?
સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, Axiom દ્વારા ચલાવેલ Ax-1 થી લઈને Ax-4 સુધીના દરેક મિશનમાં અંદાજે ₹459 કરોડનો ખર્ચ થાય છે. જણાવી દઈએ કે, આ માત્ર એક સીટનો ખર્ચ નથી પરંતુ તેની સાથે-સાથે તેમાં 1000 કલાક જેટલી ટ્રેનિંગ, SpaceX Crew Dragon દ્વારા અવકાશ યાત્રા, ISS પર આશરે 14 દિવસ રહેવું અને સુરક્ષિત પાછા ફરવાની વ્યવસ્થા અને તેને લગતી સેવાઓનો સમાવેશ થાય છે.
ભારત માટે ખાસ ગૌરવની વાત એ છે કે, Ax-4 મિશનમાં લખનૌમાં જન્મેલા ભારતીય વાયુસેના શુભાંશુ શુક્લા પાઈલટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પ્રથમ ભારતીય બન્યા છે કે, જેમણે ISS સુધી સફર કરી હોય. રાકેશ શર્મા બાદ 41 વર્ષમાં આવું કરનાર તે પહેલા ભારતીય છે.
શા માટે ખાસ છે આ મિશન?
આ મિશન માત્ર અંતરિક્ષ પ્રવાસ માટે નથી, પણ ભારતના ભવિષ્યના અવકાશ મિશનો માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને ગગનયાન અને ભારતને 2040 સુધી ચાંદ પર ઉતારવાના લક્ષ્ય માટેનું આ એક મોટું પગથિયું છે.
સાંભળવામાં ભલે આ મુસાફરી ₹459 કરોડ જેટલી કિંમતી અને મોંઘી લાગે પણ Axiom Space દ્વારા શરૂ કરાયેલ આ અંતરિક્ષ યાત્રા દેશના ભવિષ્ય માટે એક નવું ચેપ્ટર લખી રહી છે.