કેનેડામાં કપિલ શર્માના કેફે પર ગોલ્ડી-લોરેન્સ ગેંગે કર્યો ગોળિબાર, હવે મુંબઈમાં કપિલ શર્મા પર હુમલો કરવાની આપી ધમકી
Shooting at Kapil Sharma's cafe in Canada : કેનેડામાં જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્માના કાફે ઉપર ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ગોળીબારની જવાબદારી સ્વીકારી છે અને સાથેસાથે કપિલ શર્માને મોટી ધમકી પણ આપી છે.

કેનેડાના સરેમાં, જાણીતા કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના કેપ્સ કાફે ઉપર ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોળીબારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ગોળીબારની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં કપિલ શર્માને ધમકી આપવામાં આવી છે કે જો તે રિંગ નહીં સાંભળે તો આગલી વખતે તેઓ મુંબઈમાં હુમલો કરશે.
ગોળીબાર પછી, ગોલ્ડી ધિલ્લોન નામના સોશિયલ મીડિયા એકાઉન્ટની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં લખ્યું છે, “જય શ્રી રામ. સતશ્રી અકાલ. બધા ભાઈઓને રામ રામ. હું એટલે ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ આજે કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલી ગોળીબારની જવાબદારી સ્વીકારીએ છીએ.”
વધુમાં, પોસ્ટમાં લખ્યું છે કે, “અમે તેમને ફોન કર્યો હતો પરંતુ તેમણે રિંગ સાંભળી ન હતી, તેથી અમારે કાર્યવાહી કરવી પડી. જો તેઓ હજુ પણ રિંગ નહીં સાંભળે, તો અમે ટૂંક સમયમાં મુંબઈમાં આગળની કાર્યવાહી કરીશું.” મુંબઈ પોલીસ કપિલ શર્માને ધમકી આપતી આ સોશિયલ મીડિયા પોસ્ટની ચકાસણી કરી રહી છે.
છેલ્લે ક્યારે ગોળીબાર થયો હતો?
ગત, 9 જુલાઈના રોજ, કપિલ શર્માના કેનેડા કાફે ‘કેપ્સ કાફે’ પર રાત્રે લગભગ 1.30 વાગ્યે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં કોઈને ઈજા થઈ ન હતી. તે સમયે પણ લોકોએ પોતાનો એક વીડિયો જાહેર કર્યો હતો. જોકે, હુમલાના 10 દિવસ પછી જ કાફે ફરીથી ખોલવામાં આવ્યો હતો. છેલ્લી ગોળીબારની જવાબદારી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના કાર્યકર અને ભારતના મોસ્ટ વોન્ટેડ માણસોમાંના એક હરજીત સિંહ લાડીએ સ્વીકારી હતી.