US Iran Deal Breaking News: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી, ડીલમાં 14 મુદ્દાઓ પર સહમતિ, પરમાણુ વિવાદ હજુ યથાવત
US અને ઈરાન વચ્ચે ચાર મહિનાથી ચાલતા સંઘર્ષને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાર મહિનાથી ચાલતા તણાવને સમાપ્ત કરવા પ્રાથમિક સમજૂતી થઈ છે. યુદ્ધવિરામ, હોર્મુઝ જળમાર્ગ ખોલવા અને આર્થિક રાહત સહિત 14 મુદ્દાઓ પર સહમતિ બની છે, જોકે પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ ભંડાર અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

લગભગ ચાર મહિનાથી ચાલતા અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને અંત તરફ લઈ જતી મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. બંને દેશોએ પ્રાથમિક શાંતિ સમજૂતી (MoU) પર સહમતિ વ્યક્ત કરી છે, જેનો હેતુ લાંબા સમયથી ચાલતા સંઘર્ષને રોકવાનો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આ સમજૂતી અંગે જાહેરમાં માહિતી આપી છે.
આ કરારને સાકાર બનાવવા માટે પાકિસ્તાન અને કતારે મધ્યસ્થ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. બંને દેશો હવે 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં આ સમજૂતી પર સત્તાવાર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યા છે.
કયા 14 મુદ્દાઓ પર સહમતિ થઈ?
પ્રસ્તાવિત સમજૂતી અનુસાર અમેરિકા અને ઈરાને નીચેના મુખ્ય મુદ્દાઓ પર સંમતિ દર્શાવી છે:
- બંને દેશો અને તેમના સહયોગી મોરચાઓ વચ્ચેનું યુદ્ધ તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવામાં આવશે.
- લેબનોન સહિત તમામ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી રોકાશે.
- અમેરિકા ઈરાનના આંતરિક મામલાઓમાં દખલ નહીં કરે.
- અમેરિકન નૌકાદળ દ્વારા લગાવવામાં આવેલી સમુદ્રી નાકાબંધી દૂર કરવામાં આવશે.
- આગામી 30 દિવસમાં હોર્મુઝ જળમાર્ગ આંતરરાષ્ટ્રીય જહાજો માટે ફરી ખુલ્લો મૂકવામાં આવશે.
- ઈરાનની આસપાસ તૈનાત અમેરિકન સૈનિક દળોની હાજરી ઘટાડવામાં આવશે.
- ઈરાની તેલ નિકાસ પરના કેટલાક પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે.
- ઈરાનને તેની તેલ આવક સુધી ફરીથી પહોંચ મળશે.
- ઈરાનના પુનર્નિર્માણ માટે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા મોટા આર્થિક સહાય પેકેજ પર વિચાર કરવામાં આવશે.
- આગામી 60 દિવસ સુધી બંને દેશો વચ્ચે સતત રાજદ્વારી ચર્ચાઓ ચાલુ રહેશે.
- અમેરિકા આ સમયગાળા દરમિયાન નવા પ્રતિબંધો નહીં લાદે.
- ઈરાન સામે કોઈ નવી સૈન્ય કાર્યવાહી નહીં કરવામાં આવે.
- ઈરાનની સ્થગિત કરવામાં આવેલી અબજો ડોલરની સંપત્તિ તબક્કાવાર પરત કરવામાં આવશે.
- સમજૂતીના અમલ પર નજર રાખવા માટે વિશેષ દેખરેખ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ઈરાન સામે કોઈ નવી સૈન્ય કાર્યવાહી નહીં કરવામાં આવે.
ઈરાનની સ્થગિત કરવામાં આવેલી અબજો ડોલરની સંપત્તિ તબક્કાવાર પરત કરવામાં આવશે. સમજૂતીના અમલ પર નજર રાખવા માટે વિશેષ દેખરેખ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
હજુ કયા મુદ્દાઓ પર મતભેદ છે?
ભલે બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર સહમતિ બની હોય, પરંતુ સૌથી મોટો વિવાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને છે. અમેરિકાનું માનવું છે કે ઈરાન પાસે રહેલા ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમના ભંડારને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવવો જોઈએ અને તેની કડક આંતરરાષ્ટ્રીય દેખરેખ હોવી જોઈએ.
બીજી તરફ ઈરાનનો દાવો છે કે તેને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા કાર્યક્રમ માટે મર્યાદિત પ્રમાણમાં નીચા સ્તરનું સંવર્ધિત યુરેનિયમ પોતાના દેશમાં રાખવાની મંજૂરી મળવી જોઈએ. આ મુદ્દે હજુ બંને પક્ષો વચ્ચે અંતિમ સહમતિ બની નથી.
ઈરાનના ઉપ-વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા પોતાના વચનોનું પાલન કરે છે કે નહીં તે જો્યા બાદ જ અંતિમ શાંતિ કરાર અંગે આગળ વધવામાં આવશે.
ટ્રમ્પ સ્વિટ્ઝર્લેન્ડ જશે?
આગામી 19 જૂને યોજાનારા હસ્તાક્ષર સમારોહમાં અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજરી આપી શકે તેવી ચર્ચા છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે.
જોકે સુરક્ષા કારણોસર અમેરિકાની સિક્રેટ સર્વિસ સામાન્ય રીતે રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ બંનેને એકસાથે વિદેશ પ્રવાસે મોકલવાનું ટાળે છે. તેથી સમારોહમાં ટ્રમ્પ અથવા જેડી વેન્સમાંથી કોઈ એકની હાજરી રહેવાની શક્યતા વધુ માનવામાં આવી રહી છે.
વૈશ્વિક બજારોની નજર અંતિમ કરાર પર
વિશ્વના ઊર્જા બજારો, રાજદ્વારી વર્તુળો અને રોકાણકારો હવે આગામી 60 દિવસની ચર્ચાઓ પર નજર રાખી રહ્યા છે. જો બંને દેશો પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધો જેવા જટિલ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં સફળ રહેશે, તો મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની સ્થિરતા અને વૈશ્વિક તેલ બજારમાં રાહત જોવા મળી શકે છે. જોકે હાલની સમજૂતી માત્ર શરૂઆતનું પગલું હોવાથી અંતિમ પરિણામ માટે હજુ રાહ જોવી પડશે.
