AC Side Effects: ACમાં લાંબા સમય સુધી રહેવાથી થઈ શકે છે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ, જાણો
એર કન્ડિશનરનો વધારે ઉપયોગ શરીર પર નકારાત્મક અસર કરી શકે છે, જેમ કે સ્કિન ડ્રાયનેસ, ડિહાઇડ્રેશન અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ.

આધુનિક સમયમાં ગરમીથી બચવા માટે એર કન્ડિશનર (AC) નો ઉપયોગ સામાન્ય બની ગયો છે. ઘર હોય, ઓફિસ હોય કે મોલ અને કાર-દરેક જગ્યાએ AC જોવા મળે છે. પરંતુ જો તમે દિવસનો મોટો ભાગ ACમાં વિતાવતા હો, તો થોડું સાવધાન થવાની જરૂર છે. કારણ કે તેની ઠંડક આરામ આપે છે, પણ તેના કેટલાક નકારાત્મક પ્રભાવ પણ શરીર પર પડી શકે છે. નિષ્ણાતોના મત મુજબ લાંબા સમય સુધી બંધ અને ઠંડા વાતાવરણમાં રહેવું “સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ” જેવી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.
AC બની શકે બીમારીનું કારણ
લાંબા સમય સુધી ACમાં રહેતા કેટલાક લોકોને માથાનો દુખાવો, ગળામાં ખારાશ , સર્દી-ખાંસી અને ત્વચા સૂકી થવી જેવી સમસ્યાઓ અનુભવાય છે. સતત ઠંડી અને શુષ્ક હવામાં રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ, સાઇનસ અને શરીરમાં ભારેપણું અનુભવાય છે.
ACમાં રહેતા માથું ભારે કેમ લાગે?
ACમાં વધુ સમય વિતાવવાથી માથું ભારે લાગવું અથવા દુખાવો થવો સામાન્ય સમસ્યા છે. તેના પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:
ડિહાઇડ્રેશન: AC હવામાંથી ભેજ ઘટાડે છે, જેના કારણે વાતાવરણ સૂકું બની જાય છે. આ પરિસ્થિતિમાં શરીરમાંથી પાણીની કમી વધે છે, જે માથાના દુખાવાનું કારણ બની શકે છે.
રક્ત નળીઓ સંકોચાવું: ખૂબ ઠંડી હવામાં રહેતા શરીર પોતાને ગરમ રાખવા માટે રક્ત નળીઓને સંકોચે છે. આ પ્રક્રિયાને કારણે માથામાં દબાણ વધે છે અને દુખાવો થઈ શકે છે.
સાઇનસ સંબંધિત સમસ્યાઓ: ઠંડી અને શુષ્ક હવા નાક અને ગળાના અંદરના સ્તરને સૂકવી નાખે છે, જેના કારણે સાઇનસમાં ભારપણું અથવા સોજો આવી શકે છે. આ પણ માથાના દુખાવાનું કારણ બને છે.
ઓક્સિજન અને તાજગીની કમી: બંધ રૂમ અને ઓછા તાપમાનમાં લાંબા સમય સુધી રહેતા શરીરને તાજી હવાની અછત અનુભવાય છે. જેના કારણે થાક, માંસપેશીઓમાં કડાશ અને માથું ભારે લાગવાની સમસ્યા થઈ શકે છે.
બચાવ માટે શું કરવું?
ACનો ઉપયોગ સંપૂર્ણ રીતે ટાળવો શક્ય નથી, પરંતુ કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખીને તેની સાઇડ ઇફેક્ટ્સથી બચી શકાય છે.
- ACનું તાપમાન ખૂબ ઓછું ન રાખવું, તેને 24 થી 26 ડિગ્રી વચ્ચે જ રાખવું
- દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું
- સતત ઘણા કલાકો સુધી ACમાં ન રહેવું
- વચ્ચે વચ્ચે બહારની તાજી હવામાં સમય પસાર કરવો
- ACના ફિલ્ટરને નિયમિત રીતે સાફ રાખવું
એર કન્ડિશનર ગરમીથી રાહત આપે છે, પરંતુ તેનો વધુ ઉપયોગ શરીર માટે નુકસાનકારક બની શકે છે. જો તમે થોડું ધ્યાન રાખશો અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરશો, તો તમે આરામ સાથે સારું સ્વાસ્થ્ય પણ જાળવી શકશો.
Disclaimer: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સલાહ તરીકે લેવી નહીં. TV9Gujarati આ માહિતી માટે જવાબદાર નથી.
Bedtime Turmeric Milk: રોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીઓ છો? તો સાવધાન આ ભૂલ ભારે પડશે
