ગીર સોમનાથ : 30 કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો હુમલાખોર દીપડો, થોરડી ગામે રાહત
ગીર ગઢડાના થોરડી ગામમાં ચાર લોકો પર હુમલો કરનાર દીપડાને વન વિભાગે 30 કલાકના સતત રેસ્ક્યુ ઓપરેશન બાદ બેહોશ કરી પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના થોરડી ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર દીપડાને આખરે વન વિભાગે પકડી પાડ્યો છે. ચાર લોકો પર હુમલો કરીને ભયનો માહોલ સર્જનાર આ દીપડાને 30 કલાકના સતત રેસ્ક્યુ ઓપરેશન બાદ બેહોશ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગઈકાલે સવારે થોરડી ગામ નજીક કેળાના ખેતરમાં કામ કરી રહેલા કાકા-ભત્રીજા પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારબાદ નજીકના વિસ્તારમાં વધુ બે લોકો પર પણ હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે ઓપરેશન દરમિયાન દીપડાએ વન વિભાગના એક કર્મચારી પર પણ હુમલો કરતા સ્થિતિ વધુ ગંભીર બની હતી.
છેલ્લા 30 કલાકથી સતત ચાલી રહેલી કામગીરી દરમિયાન વન વિભાગે દીપડાની હિલચાલ પર નજર રાખી હતી. અંતે દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરી બેહોશ કરવામાં આવ્યો અને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફળતા મળી. દીપડો ઝડપાતા થોરડી ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા હવે દીપડાની તબિયતની તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
