શું રાત્રે તમારી ઊંઘ વારંવાર ઉડી જાય છે ? આ એક આરોગ્યલક્ષી સંકેત છે, કેવી રીતે તમારી જાતને સુરક્ષિત રાખશો ?
જો તમને રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પડે છે, તો તેને હળવાશથી ના લેશો. 7 થી 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી, સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ ના કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.

સારા સ્વાસ્થ્ય માટે આખી રાતની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ જરુરી માનવામાં આવે છે. પરંતુ જો તમને રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પડે છે, તો તેને સામાન્ય સમસ્યા તરીકે હળવાશથી ના લેશો. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા, તાજેતરના નવા સંશોધન મુજબ, વારંવાર ઊંઘમાં ખલેલ પડવાથી હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેતી હોય, તો તે ઘણા ખતરનાક રોગોનું જોખમ વધારે છે. સંશોધન મુજબ, દરેક સ્વસ્થ્ય વ્યક્તિ માટે રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી મહત્વપૂર્ણ છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, જે લોકો વારંવાર ઊંઘમાં ખલેલ અનુભવે છે તેમને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહેલું છે. ઊંઘમાં પડતી ખલેલ શરીરને પોતાને સંપૂર્ણપણે સુધારવાની તક આપતી નથી, જે હૃદયના કાર્યને અસર કરે છે. સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે વારંવાર ઊંઘમાં ખલેલ એ મગજ ઉપર પણ અસર કરી શકે છે.
ઊંઘમાં ખલેલ હૃદય માટે કેમ ખતરનાક છે?
રાત્રે ગાઢ ઊંઘ દરમિયાન, હૃદય આરામ કરે છે અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે, પરંતુ જ્યારે ઊંઘ વારંવાર ઉડી જાય છે, ત્યારે હૃદય પર દબાણ વધે છે. જે પછીથી હૃદયરોગના હુમલાનું જોખમ વધારે છે. જે લોકોને રોજ વારંવાર જાગવાની સમસ્યા રહેતી હોય છે તેમને હૃદય રોગનું જોખમ 30 ટકા વધે છે.
રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અજિત જૈન, સમજાવે છે કે ઘણી વખત ઊંઘમાં ખલેલ એ સૂચવે છે કે ઊંઘ પછી પણ મગજ વધુ પડતું સક્રિય છે. આનું એક મુખ્ય કારણ એ છે કે તમે કોઈ બાબત વિશે વધુ પડતું વિચારો છો અથવા માનસિક રીતે તણાવમાં છો. માનસિક તાણ દેખીતી રીતે હૃદય પર અસર કરે છે, કારણ કે તણાવ હૃદયરોગના હુમલામાં ફાળો આપનાર મહત્વનું પરિબળ છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જો તમને વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને કેટલાક લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે.
કોને સૌથી વધુ જોખમ છે?
- સ્લીપ એપનિયાથી પીડાતા લોકો
- માનસિક તણાવમાં રહેલા લોકો
- જેઓ રાત્રે મોબાઇલ ફોન કે ટીવી જુએ છે
આ સમસ્યાથી કેવી રીતે બચવું?
- સૂતા પહેલા મોબાઇલ ફોન અને સ્ક્રીનથી દૂર રહો
- દરરોજ એક જ સમયે સૂવા જવાની અને જાગવાની આદત પાડો
- રાત્રે ચા કે કોફી ના પીવો
- માનસિક તણાવ ટાળો
- આનાથી બચવા માટે યોગ કરો.
આપણું શરીર સામાન્ય રીતે કોઈ પણ ગંભીર રોગ પહેલા એક પ્રકારે સંકેત આપતુ હોય છે. જો કે, મોટાભાગના લોકો, આ સંકેતને સમજી શકતા નથી પરિણામે ગંભીર બિમારીનો ભોગ બને છે. આપ પણ આ બધા આરોગ્યને લગતા સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.