તાપમાન (Temperature)માં થતો અચાનક વધારો, કુદરતી આફતોનું વધતું પ્રમાણ, હિમાલયમાં બરફનું પીગળવુ, મિશ્રઋતુના સમયગાળામાં વધારો, હવામાન (Weather)ને લગતા ઉપદ્રવનો ફેલાવો આ બધું શાના કારણે? જવાબ માત્ર એક જ મળશે-ગ્લોબલ વોર્મિંગ(global warming) . આવા ઉપદ્રવોનો ફેલાવો અટકાવવા સમગ્ર વિશ્વમાં 23 માર્ચે ‘‘વિશ્વ હવામાન દિવસ’’ (World Weather Day) ઉજવવામાં આવે છે અને લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ભારતનું પ્રથમ એવુ રાજ્ય છે જેણે હવામાન અંગેની જાગૃતિ લાવવા‘ક્લાઇમેટ ચેન્જ’ નામનું ડીપાર્ટમેન્ટ શરૂ કર્યું છે.
લોકોને હવામાનલક્ષી બાબતોથી સજાગ કરવાનો પ્રયત્ન વિશ્વમાં સૌ પ્રથમ ઇ.સ. 1813માં ઇન્ટરનેશનલ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાથી થયો હતો. જેમાંથી પ્રેરણા લઇ ઇ.સ 1950માં વર્લ્ડ મેટીરીયો પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. જેનું વડું મથક સ્વીટઝર્લેન્ડના જિનીવા ખાતે આવેલું છે. આ સંસ્થાને સંયુકત રાષ્ટ્રસંઘની ખાસ શાખા તરીકે સ્થાપિત કરવામાં આવી છે. વર્લ્ડ મીટીરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય હેતુ હવામાનશાસ્ત્ર(Meteorology), જળશાસ્ત્ર(Hydrology) અને ભૂ-ભૌતિકશાસ્ત્ર(Geophysics) અંગે આમજનતાને માહિતગાર કરવાનો છે.
23 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં હવામાન અંગે થતા ફેરફારો, લાંબા ગાળે જોવા મળતા પ્રાદેશિક લક્ષણો અને તેને સંબંધિત માહિતીનો પ્રચાર-પ્રસાર થાય, તે અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષના ‘‘વિશ્વ હવામાન દિવસ’’ની ઉજવણીની થીમ ‘‘મહાસાગરો, આપણું હવામાન અને આપણી આબોહવા’’છે.
હવામાન અંગેની જાગૃતિ લાવવા બાબતે ગુજરાત રાજય અન્ય રાજયો કરતાં એક ડગલું આગળ છે. ગ્લોબલ વોર્મિંગને ધ્યાને લઇને ગુજરાત સરકારે ‘‘કલાઇમેટ ચેન્જ’’ નામનું નવું ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું છે. સીમાચિહ્નરૂપ બની રહેલા આ નવા ડીપાર્ટમેન્ટમાં વિશ્વને પ્રદૂષણમુકત બનાવવા માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ(સી.એન.જી.)નો મહત્તમ વપરાશ, સરેરાશ 325 દિવસ સીધો સૂર્યપ્રકાશ મળવાનો ફાયદો ઉઠાવીને સોલાર એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ, બિન-પરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરતી સાધન-પ્રણાલિની શરૂઆત, પવનચક્કીઓના માધ્યમથી વીજ-ઉત્પાદન વગેરે જેવા કાર્યક્રમો લાગુ કરવામાં આવ્યા છે. તાઉતે વાવાઝોડા વખતે હવામાન વિભાગની આગાહીએ અનેકો લોકોના જીવ બચાવ્યા છે. આવી જ અનેક કામગીરીને વાગોળવાનો દિવસ એટલે ‘‘વિશ્વ હવામાન દિવસ’’.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 6:37 am, Wed, 23 March 22