વડોદરામાં ટોળાએ કાયદો હાથમાં લીધો, બે યુવકને ચોર સમજી નગ્ન કરી ક્રુરતાથી માર મારતા એકનું મૃત્યુ નિપજ્યુ
વડોદરામાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બનતા લોકો હવે કાયદો હાથમાં લેવા લાગ્યા છે. શહેરના વારસિયા વિસ્તારમાં ગત મધરાત્રે બે યુવકોને ચોર સમજી 300થી વધુ લોકોના ટોળાએ ક્રુરતાથી માર માર્યો. જેમા એક યુવકનું મોત નિપજ્યુ છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોર આવ્યા. ચોર આવ્યાની બૂમો પડે છે. ત્યારબાદ લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વારસિયા વિસ્તારમા અડધી રાત્રે બે યુવકને ચોર સમજી નગ્ન કરી 300 લોકોના ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃતક યુવકની માતાએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું અને જણાવ્યું હતું કે, પોલીસ શું કરતી હતી? અમને ન્યાય જોઈએ છે. આ ઘટનામાં ટોળા સામે મોબ લિચિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, લોકોએ માર માર્યો છે તે બંને રીઢા ગુનેગાર હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે. મૃતક યુવક સામે 10 ગુના અગાઉ ચોરીના નોંધાયેલા છે અને તાજેતરમાં જ પાસામાંથી છૂટેલ છે. ઇજાગ્રસ્ત યુવક પણ 7 ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ટોળા સામે મોબ લિંચિંગ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મૃતક સહિત ત્રણેય શખસ ચોરીની બાઈક લઈને ચા પીવા માટે ગયા હતા. પોલીસ બચાવવા ગઈ ત્યારે ત્રણ પોલીસકર્મીને પણ ઈજા પહોંચી છે. આ અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચોરીની બાઈક અંગે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. ત્રણેય યુવકો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતો સામાન પણ ઝડપાયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, જે વાહન પર આવ્યા ત્રણ યુવક આવ્યા હતા તે વાહન પણ ચોરીનું જ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજવા રોડથી બાઈક ચોરીને ફતેપુરા આવતા હતા. મદાર મહોલ્લા પાસે ચા પીવા રોકાયા હતા, બાદમાં ઝુલેલાલ મંદિર નજીક લોકોએ રોકીને પૂછતા ભાગવાની કોશિશ કરી હતી. સાંજે બાઈકની ચોરી કરી રાત્રે તે જ બાઈક લઈને ચોરી કરવા ચોર નીકળ્યા હતા.
15 દિવસ પહેલાં વડોદરાના વાઘોડિયા તાલુકાના આંકડીપુરા ગામની સીમમાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગ્રામ્યજનોએ ચોર સમજીને માર માર્યો હતો. સદનસીબે કોલેજના પ્રોફેસર સ્થળ પર પહોંચી જતાં વિદેશી વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટનામાં તેના હાથ-પગમાં ફ્રેક્ચર થયાં હતાં. આવી જ ઘટના પાદરાનગરમાં નવરાત્રિ દરમિયાન ઘટી હતી. પાદરામાં મોડીરાત્રે ગરબા જોવા માટે નીકળેલા બે પરપ્રાંતીય યુવાનોને પાદરાના લોકોએ ચોર સમજીને ઢોરમાર માર્યો હતો. બંનેને પાદરા પોલીસના હવાલે કર્યા હતા. પાદરા પોલીસે આ ઘટના અંગે તપાસ કરતાં આ બંને યુવાનો પાદરા તાલુકાની એક કંપનીમાં નોકરી કરતા હતા અને તેઓ યુપીના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
ત્રીજી ઘટના વડોદરા નજીક જાંબુઆ પાસે બની હતી. સુરતથી બે યુવાન ખાનગી વાહનમાં આવ્યા હતા અને જાંબુવા ખાતે ઊતર્યા હતા. તેઓ જમવા માટે રેસ્ટોરન્ટ શોધી રહ્યા હતા એ દરમિયાન સ્થાનિક લોકોએ ચોર સમજીને આ બંને યુવાનને માર માર્યો હતો. આ ઉપરાંત શિનોર ચોકડી પાસે પણ બે હિન્દી ભાષી યુવાનોને ચોર સમજીને સ્થાનિક લોકોએ ઢોરમાર માર્યો હતો અને પોલીસના હવાલે કરી વીડિયો વાઇરલ કર્યો હતો. આ ઘટનામાં યુવાનો પોતે નિર્દોષ હોવાનું જણાવવા છતાં પણ લોકોએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું.