જનતાનો મિજાજ ગરમ ! ભાજપ ઉમેદવારનો ઉધડો લીધો, ‘સિસ્ટમ’ અને ‘ભ્રષ્ટાચાર’ સામે ખુલ્લો રોષ
વડોદરાના વોર્ડ નં-19માં ચૂંટણી માહોલ ગરમાયો છે. પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવાર નિમિષા પંચાલને સ્થાનિક લોકોના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. પાણીની તકલીફ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે લોકોએ ઉમેદવારનો ઉધડો લીધો હતો, જેના જવાબમાં ઉમેદવારોએ વહેલી તકે સમસ્યા ઉકેલવાની ખાતરી આપી છે.

વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. વોર્ડ નં-19માં પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવાર નિમિષા પંચાલ સ્થાનિક નાગરિકોના ભારે રોષનો ભોગ બન્યા હતા.
સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, “તમારા વડીલ સારા હતા એટલે તમે અત્યાર સુધી ટક્યા છો.” લોકોએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમનો વિરોધ વ્યક્તિગત ઉમેદવાર સામે નહીં પરંતુ તેમની ‘સિસ્ટમ’ સામે છે. નાગરિકોએ કટાક્ષ કરતા ઉમેદવારને કહ્યું હતું કે, “જીત્યા બાદ અમારી સમસ્યા સાંભળવા આવજો.”
રજૂઆત દરમિયાન સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેમને પ્રોપર્ટી કાર્ડ મળી રહ્યા નથી અને તેના માટે લાંચ માંગવામાં આવે છે. લોકોએ ઉમેદવારની કામગીરી પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, “તમે અગાઉ કાર્યકર્તા તો હતા જ, તો પછી તમે વોર્ડની સ્ટડી કેમ નથી કરી?” આમ, પ્રચાર દરમિયાન ઉમેદવારને અનેક આકરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
આકરા પ્રશ્નોનો સામનો કરતાં ઉમેદવાર નિમિષા પંચાલ સહિતના ભાજપના ઉમેદવારોએ સ્વીકાર્યું હતું કે, “વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને થોડા સમયમાં જ આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્ન કરીશું.” જો કે, તેઓએ એવો દાવો પણ કર્યો હતો કે, વિસ્તારમાં પાણી સિવાય બીજા કોઈપણ પ્રકારની સમસ્યા નથી.
નિમિષા પંચાલ અને અન્ય ઉમેદવારોએ સ્થાનિકોને વહેલી તકે પડતર પ્રશ્નો પર કામ કરવાની ખાતરી આપી હતી. આ બધા વચ્ચે જામ્બુઆ લેન્ડફીલ સાઈટના મહત્વના મુદ્દે નિમિષા પંચાલે સ્પષ્ટતા કરી હતી કે, આ બાબતે હાલ કોઈ આયોજન નથી. વિરોધ બાદ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી આ ખાતરી બાદ હવે આગામી સમયમાં કામગીરી કેવી રહેશે તેના પર સૌની નજર છે.