આગામી 31 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમ માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સાબરમતી નદીથી નર્મદા નદી સુધી એટલે કે અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનમાં પ્રવાસ કરે તેવી શક્યતા છે એટલું જ નહિં રાજ્ય સરકારે તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ભારત સરકારના સિવિલ એવિએશન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાતના મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી વડાપ્રધાનના કાર્યક્રમની ચર્ચાઓ કરી હતી. જેમાં 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના આયોજનો કરવાનું સરકાર વિચારી રહી છે. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં બેસી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની સિવિલ એવિએશન અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ 31 ઓક્ટોબર પહેલા ગુજરાત આવશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરશે ત્યારબાદ આ ટીમ અમદાવાદ રિવરફ્રન્ટ અને કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરીને સ્થળ તપાસ કરશે.
સમગ્ર દેશમાં સી-પ્લેન હવાઈ સફર માટે 16 રૂટ પસંદ કરાયા છે, જે પૈકી ગુજરાતમાં હાલ 2 રૂટ શરૂ થશે. જેમાં કેવડિયા કોલોનીથી સાબરમતી રિવરફ્રન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોનીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ગુજરાતમાં બન્ને સ્થળો પર સી-પ્લેન માટેની તૈયારીઓ પર શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રના સિવિલ એવિએશન મંત્રાલય સાથે મુખ્ય સચિવ ઉપરાંત ટૂરિઝમ વિભાગ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:15 pm, Sat, 29 August 20