Sura : સુરત શહેરના તમામ પોલીસ મથકોની ‘She Team’ નું એક WhatsApp group બનાવાયું છે. જેનું સુપર વિઝન ક્રાઇમ બ્રાન્ચનાં ડી.સી.પી. રૂપલ સોલંકી(Rupal Solanki – DCP Crime Branch,Surat) કરે છે. ગત માર્ચ મહિનામાં સોલંકીએ આ ગૃપમાં મેસેજ કરેલ હતો કે “તમારા પો.સ્ટે. વિસ્તારમા જન્મજાત બહેરા મુંગા હોય તેવા પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો કે જેમના મા- બાપઆર્થિક રીતે સંપન્ન ન હોય તેવા પરિવાર શોધવા અને મને માહીતી મોકલી આપવી”.
આ મેસેજ રાંદેર શી ટીમના લોકરક્ષક દયાબેન બાબુભાઈએ વાંચ્યો હતો. હોળી ધૂળેટીના બંદોબસ્તમાં તેણીએ ઝઘડીયા ચોકડીના સ્લમ વિસ્તારમાં આવા બાળક અંગે પુછપરછ શરૂ કરી હતી. જેમાં એક પરિવારની ભાળ મળતા દયાબેને તેની માહિતી ગ્રુપમાં શેર કરી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામના વતની કાનાભાઈ ભરવાડ તેમના પત્રી ગંગાબેન સાથે અહીં વસવાટ કરે છે. પશુપાલક કાનાભાઈ મહિને પંદરેક હજારની આસપાસ કમાણી કરે લે છે. તેમના બે બાળકો શ્રવણને શક્તિ ધરાવતા ન હોય તે ખુબજ કષ્ટદાયક પરિસ્થિતિમાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
માતા પિતાએ સારવારના પ્રયત કર્યા પણ એક બાળકના બે કાનની સારવાર માટે અંદાજે 18 લાખ જેટલો ખર્ચો થયો હોવાથી તેઓ હતાશ થઇ ગયા હતાં. લોકરક્ષક દયાબેનનાં આ મેસેજ બાદ ડીસીપી રૂપલ સોલંકીએ રાજવીર પાંચ વર્ષથી ઓછી ઉંમરનો હોય તેની સારવાર કરાવવાનું નક્કી કરાયું હતું. રૂપલ સોલંકીએ રાંદેરનાં પોલીસ ઈન્સપેક્ટર અતુલ સોનારાનો સંપર્ક કરી સમગ્ર પ્રયાસ સમજાવ્યો હતો. પીઆઇ સોનારા અને પીએસઆઇ બી.એસ પરમારે સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ સુદીપહોસ્પિટલનો સંપર્ક કર્યોઅને સારવાર તથા ખર્ચની વિગતો મેળવેલ હતી. જેમાં એક કાનની સારવાર માટે નાનું એવું ઈઅર મશીન છ લાખ પચાસ હજાર, ઓપરેશન ફી દોઢ લાખ, બાળક દસેક દિવસ હોસ્પીટલમા દાખલ રહે તેના લાખેક રૂપિયા, સીટી સ્કેન બીજા રીપોર્ટ બધુ મળી દસેક લાખ રૂપિયા એક કાનની સારવાર માટે ખર્ચ થાય તેમ અંદાજ અપાયો હતો.
આ માહિતી મેળવ્યા બાદ ડીપીસી રૂપલ સોલંકીએ મુંબઈની “શ્રવ્ય’’ નામની એન.જી.ઓ.નો સંપર્ક કર્યો હતો જ્યાંથી સારો પ્રત્યત્તર મળ્યો હતો . રાજવીરના મસ્તકમા ઈમ્પ્લાન્ટેશનની જટીલ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન સફળ રહ્યું અને રાજવીરને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. રાજવીરના સફળ ઓપરેશન બાદ તેને રજા આપવાની પ્રક્રીયા કરાઈ હતી. “પોલીસ સંભારણા દિવસ’’ના રોજ ચાર વર્ષના રાજવીરને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. પોલીસના પ્રયત્નોથી ઓપરેશન થયું અને રાજવીર સાંભળતો થતાં ભરવાડ પરિવારની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા હતાં.