સુરતમાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, tv9 સાથે કરી ખાસ વાતચીત- Video
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉદ્ભવી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉદ્ભવી હતી. એક જ દિવસમાં 10 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઘટનામાં 160 થી વધુ લોકો પ્રભાવિત થયા હતા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પુરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ દવા છટકાવ અને સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે. ખાડીમાં પુરની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ખાડીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. તંત્ર લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે ખડેપગે છે.
મનપા કમિશનરે tv9 સમક્ષ જણાવ્યુ કે હાલ સમગ્ર શહેરમાં મનપાની વિવિધ ટીમ કામગીરી કરી રહી છે. ઈજનેરોની ટીમ, વોટર સપ્લાય, ઈલેક્ટ્રીસિટી, ડ્રેનેજ, હેલ્થ, સાફ સફાઈ માટેની ટીમ્સ, મેડિકલ સર્વેલન્સ માટેની ટીમ ઝોનવાઈઝ કામગીરી કરી રહી છે. કાલ સાંજ સુધીમાં મોટાભાગના રસ્તાઓ અને ગરનાળાઓ ક્લિયર કરી દેવાયા હતા. પોલીસ સાથે સંકલન કરીને ટ્રાફિક વ્યવસ્થા નિયમિત કરી દેવામાં આવ્યુ હતુ. જ્યાં-જ્યાં પણ જરૂર જણાઈ ત્યાં આગોતરુ આયોજન કરીને લોકોને શિફ્ટ કરીને કામગીરી કરવામાં આવી છે. રાત્રે વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારથી ટીમ સતત ફિલ્ડ પર કામ કરી રહી છે. ખાડીના આજુબાજુના એરિયા અને અન્ય લોલાઈન એરિયામાંથી શિફ્ટીંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. પ્રભાવિતો માટે ફુડ પેકેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમ અને સર્વેલન્સ ટીમ કામ કરી રહી છે.
મનપા કમિશનરે જણાવ્યુ કે ખાડીની અંદર ઓવરફ્લો થવાની શક્યતાને જોતા અત્યાર સુધીમાં 164 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય 102 જેટલા બાળકોને શિફ્ટ કરાયા હતા. પણ આ તમામ લોકોને તમામ પ્રકારની લોજિસ્ટિકની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. હાલ સુરત શહેરમાં તાપી નદીનું લેવલ, કોઝવેના લેવલ બધી જ ખાડીઓના લેવલ અને સમુદ્રની ભરતીને જોતા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. સુરત જિલ્લાના અન્ય શહેરોમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે. બારડોલી, કામરેજ,પલસાણાનું પાણી પણ ખાડીમાં આવતા આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને એક્શન પ્લાન મુજબ જ્યારે પણ જરૂર જણાશે ત્યારે કામગીરી કરવામાં આવશે.
ખાડીની સફાઈ ન થવાના આક્ષેપ અંગે મનપા કમિશનરે શાલિની અગ્રવાલે જણાવ્યુ કે એક જ દિવસમાં 10 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી જતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. છતા પણ જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા જણાતી હતી ત્યાં મનપાની ટીમે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કાલે આખા દિવસ અને રાત્રે સતત ટીમ કાર્યરત છે. મોટાભાગના ગરનાળાઓ અને રસ્તાઓ હાલ ખુલ્લા કરી દેવાયા છે. જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ સાફસફાઈ અને દવાઓનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.