Surat : પાઈપલાઈનનુ ભંગાણ 40 કલાકે રીપેર કરાયું, આવતીકાલથી પાણીનો પુરવઠો પૂર્વવત થવાની શક્યતા
મહાનગર પાલિકાના (SMC) વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે વધુ જાણકારી આપતાં જણાવાયું હતું કે, ભંગાણની મોટા ભાગની સમસ્યા દુર થઈ ચુકી છે અને સાંજ સુધીમાં પ્રભાવિત ઓવરહેડ ટાંકીઓમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે.
સુરત મહાનગર પાલિકાની(SMC) સરથાણાથી અલથાણ જતી પાણીની (Water ) પાઈપ લાઈનમાં ભંગાણને (leakage )પગલે આજે પણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં નાગરિકોને પાણી માટે વલખા મારવાની નોબત આવી હતી. છેલ્લા 40 કલાકથી સતત રિપેરિંગ કામગીરી બાદ આજે સાંજથી સ્થિતિ પૂર્વવત થાય તેવી શક્યતાઓ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આજે સવારથી જ શહેરના લિંબાયત, સેન્ટ્રલ ઝોન, ઉધના ઝોન અને અઠવા ઝોન સહિતના વિસ્તારોમાં મોટા ભાગની સોસાયટીઓમાં પીવાના પાણીના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે રાત્રે 12 કલાકની આસપાસ સરથાણાથી અલથાણ જતી 1000 એમએમની પાણીની પાઈપ લાઈનમાં 14 ફુટ ઉંડે ભંગાણ પડ્યું હતું. મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણને પગલે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધસ્તરે રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, છેલ્લા 40 કલાક સુધી અવિરત કામગીરી બાદ આજે બપોરે મોટા ભાગની પાઈપ લાઈનના ભંગાણની સમસ્યા દુર કરવામાં આવી છે.
આ કામગીરી માટે શહેરના ઉધના – અઠવા સહિતના ત્રણ ઝોનની ટીમો દ્વારા 20 ડિવોટરિંગ પમ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરના 60 લાખથી વધુ નાગરિકોને નિયમિત પાણી પુરવઠો પુરો પાડતા આઠ જળ વિતરણ મથકોમાંથી આ ભંગાણને કારણે ત્રણ જળ વિતરણ મથકો પ્રભાવિત થયા હતા અને જેને પગલે શહેરના 15 લાખથી વધુ નાગરિકો આજે વહેલી સવારથી પાણી માટે વલખા મારી રહેલા નજરે પડ્યા હતા.
મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે વધુ જાણકારી આપતાં જણાવાયું હતું કે, ભંગાણની મોટા ભાગની સમસ્યા દુર થઈ ચુકી છે અને સાંજ સુધીમાં પ્રભાવિત ઓવરહેડ ટાંકીઓમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે. જોકે, આવતીકાલે શહેરના તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી પુરવઠાનું વિતરણ થાય તે માટેની કવાયત યુદ્ધ સ્તરે હાથ ધરવામાં આવી છે. આજે સર્જાયેલી સમસ્યાને પગલે લિંબાયત, ઉધના, સેન્ટ્રલ ઝોન અને અઠવા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી લોકો પાણી માટે ઠેર – ઠેર લાઈનમાં ઉભા રહેલા નજરે પડ્યા હતા. આગોતરી જાણકારી ન હોવાને કારણે પાણીનો સંગ્રહ ન કરી શકતા કેટલાક લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો.