ઉત્તરાયણ ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર છે. પતંગ ચગાવવાની સાથે આ દરમિયાન ખાણીપીણીના શોખીનો એવા સુરતીઓ ઉંધીયા, જલેબી અને પોંકનો સ્વાદ માણે છે. આ સિઝનમાં ઉંધીયાનું ખાસ આકર્ષણ હોય છે. આજ-કાલ તો જાત-જાતના પ્રકારના ઊંધિયા માર્કેટમાં જોવા મળે છે, સુરતમાં તો બારે માસ ઉંધીયાનું વેચાણ થાય છે. જો કે આ વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા ઊંધિયુ-જલેબી અને ફાફડના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ત્રણેય વસ્તુઓમાં રુપિયા 30થી લઇને 50 સુધીનો વધારો થયો છે.
ઉત્તરાયણ પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જતની માણવા લોકો આતુર હોય છે. જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓને ઊંધિયાની મજા ચાલુ વર્ષે થોડી ફિક્કી લાગી શકે છે. ઊંધિયું, જલેબી અને ફાફડાના એક કિલોના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ઊંધિયુ-જલેબીની ખરીદી ખિસ્સા પર ભારે પડી શકે છે. સિંગતેલ અને પાપડીના ભાવમાં થયેલા વધારને પગલે ઊંધિયું મોંઘું બન્યું છે. તો ઘીના ભાવ વધતા જલેબીમાં પણ સહેજ ભાવ વધારો નોંધાયો છે. જ્યારે ફાફડાના ભાવ પણ કિલો દીઠ 30 રૂપિયા વધી ગયા છે. આમ છતાં સુરતીલાલાઓ હોંશે-હોંશે ઊંધિયાના એડવાન્સ ઓર્ડર બુક કરાવી રહ્યાં છે.
ઊંધિયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોવા જઇએ તો આજનું ઊંધિયુ એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઊંધિયુ. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.
Published On - 2:02 pm, Fri, 13 January 23