સુપ્રીમ કોર્ટે જામનગરના વનતારાને આપી ક્લીનચીટ, હરિશ સાલ્વેએ કહ્યું-શિકારને મંજૂરી આપતા દેશ દ્વારા વાંધો ઉઠાવાયો
ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલ ખાનગી અભ્યારણ વનતારામાં હાથીઓને ટ્રાન્સફર કરવા સામે કરાયેલ પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સમગ્ર પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય તો તેમાં કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટે એસઆઈટીના અહેવાલનો સ્વીકાર કર્યો જેમાં જણાવાયું છે કે, વનતારાએ બધા નિયમોનું પાલન કર્યું છે.

સુપ્રીમ કોર્ટે, આજે સોમવારે કહ્યું કે જો નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય તો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં હાથીઓને મોકલવા બાબતે કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટ ગુજરાતના આ વન્યજીવન સુવિધામાં હાથીઓને ટ્રાન્સફર કરવા સામે પડકારતી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે આ મામલાની તપાસ માટે રચાયેલી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો છે અને નિયમનકારી પાલન પર સંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે કહ્યું, ‘જો વનતારા હાથીઓને વન વિભાગ પાસેથી પોતાના રક્ષણ હેઠળ લઈ જાય છે અને સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે, તો તેમાં કશુ ખોટું નથી કર્યું. અમારા દ્વારા રચાયેલી SIT એ અહેવાલ આપ્યો છે કે, તમામ સંબંધિત અધિકારીઓ પાલન અને નિયમોથી સંતુષ્ટ છે.’
‘શિકારને મંજૂરી આપતા દેશ વાંધો ઉઠાવી રહ્યા છે’
અનંત અંબાણીના વનતારાનુ પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, શિકારને મંજૂરી આપતા દેશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે, ફક્ત એટલા માટે કે ભારત કંઈક સારું કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રિલાયન્સ ફાઉન્ડેશનનું વાઇલ્ડલાઇફ સેન્ટર સુપ્રીમ કોર્ટની સમિતિને સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે અને તેમનો સ્ટાફ પૂરો પાડી રહ્યું છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે રિપોર્ટમાં કેટલીક ગુપ્ત માહિતી છે જે જાહેર ના કરવી જોઈએ.
‘જો કાર્યવાહીની જરૂર પડશે, તો અમે આદેશ આપીશું’
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે રિપોર્ટની તપાસ કરીશું અને જો કોઈ કાર્યવાહીની જરૂર પડશે, તો અમે આદેશ આપીશું. અમે જાણી જોઈને હજુ સુધી રિપોર્ટ ખોલ્યો નથી. સમિતિએ સમયસર તેનું કામ કર્યું છે, અમે તેની પ્રશંસા કરીએ છીએ.’ કોર્ટે સ્પષ્ટતા કરી કે તે શરૂઆતથી જ દખલગીરીના પક્ષમાં નથી, પરંતુ આરોપો સામે આવ્યા બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજારો એકરમાં ફેલાયેલું વનતારા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિફાઇનરી સંકુલમાં આવેલું છે અને આજે તે વિશ્વના સૌથી મોટા ખાનગી પ્રાણી સંરક્ષણ કેન્દ્રોમાંનું એક બની ગયું છે, જ્યાં હાથી સહિત અન્ય ઘણા વન્ય પ્રાણીઓ માટે સંભાળ, પશુ ચિકિત્સા સુવિધાઓ અને સંરક્ષણ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.