Sabarkantha: ગુજરાતના આ ગામડાં એ પાણી માટે મીટર અપનાવતા જ મળ્યા એક નહીં અનેક ‘લાભ’, હવે ભારત સરકાર પુરસ્કાર આપશે
મીટર પ્રથાને લઇને ગામમાં પાણીની જ નહી વિજળીની બચત થવા લાગી તો, ગામના રસ્તાઓ ચોખ્ખા ચણક દેખાવા લાગ્યા
આમતો દરેક શહેર અને ગામડાંના લોકો પોતાના વિસ્તારમાં સ્વચ્છતા ઇચ્છતા હોય છે. પરંતુ આમ છતાં પાણીનો વેડફાટ પાણીનો બગાડતો કરે જ છે પરંતુ સાથે સાથે ગંદકી પણ ફેલાતી હોય છે. સાબરકાંઠા (Sabarkantha) ના એક ગામે આ બંને ખરાબ આદતોને એક જ યોજના વડે સમાપ્ત કરી દીધુ છે. તો વળી તેમના આ કમાલના કામને લઇને કેન્દ્ર સરકારે (Central Government) તેની નોંધ લઇ જળ પુરસ્કાર માટે શ્રેષ્ઠ પંચાયત (Best Gram Panchayat) જાહેર કરી છે.
ગામડુ હોય કે શહેર પણ તેની ગલીઓ અને શેરીઓમાં જરુર ગંદકી નજર આવતી હોય છે. પરંતુ તેને દુર કરવુ એ મુશ્કેલ હોવાનો રાગ સ્થાનિક સ્વરાજ્ય કે મહાનગર પાલિકાઓ ગાતી રહેતી હોય છે. પરંતુ આ ગામે અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. ગામના લોકોની સમજણને પણ સલામ કરવી પડે એવો કમાલ આ ગામડાંએ કરી દેખાડ્યો છે.
વાત છે સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા તખતગઢ ગામની. આ ગામના લોકોએ પાણીના મીટર પ્રથાને અપનાવીને સ્વચ્છતા અને પાણી બચાવ બંને કાર્યોને પાર પાડી દીધા છે. આ ગામની શેરીઓ અને મુખ્ય રસ્તાઓ અન્ય ગામડા અને શહેરોની માફક પહેલાતો ગંદા રહેતા હતા. બીજી તરફ પાણીની સમસ્યાતો ઠેરના ઠેર જ રહેતી હતી. પરંતુ ગામના લોકોએ પાણીની કરકસર કરવાનો નિર્ણય કર્યો. જેથી લોકો રસ્તાઓ પર પાણીનો ખોટો બગાડના કરે અને પાણીને કરકસર પૂર્ણ રીતે ઉપયોગ કરે.
આ માટે ગ્રામપંચાયતે દરેક ઘરે પાણી મીટર આધારીત આપવાનો નિર્ણય કર્યો હતો અને જે યોજનાએ સફળતા અપાવી. હવે ગામને કેન્દ્ર સરકારે પશ્વિમ ઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જળ પુરસ્કાર માટે પસંદ કરી છે.
ગામ લોકો શુ કહે છે
પાણીના વપરાશમાં આવેલા બદલાવને લઇને ગામની ગૃહીણી અરુણાબેન પટેલ કહે છે, પહેલા રસ્તાઓ પર પાણી ખૂબ ઢોળાયેલુ જોવા મળતુ હતુ, પરંતુ હવે મીટર પ્રથાને લઇને પાણીનો વપરાશ નિયંત્રીત બનતા રાહત થઇ છે. પહેલાના પ્રમાણમાં હવે લોકો ખૂબ કરકસર ભરી રીતે પાણીનો ઉપયોગ કરે છે. તો ગ્રામજન ચંદ્રકાન્તભાઇ પટેલ કહે છે, અમને પાણી પ્રતિ એક હજાર લીટર 1 રુપિયાના ધોરણે મળે છે. મીટર પ્રથાને લઇને અમારે પાણી પુરા ફોર્સથી મળે છે અને પાણીનો બગાડ થતો નથી, તેમજ પ્રેશર મોટરનો ઉપયોગ બંધ થતા વિજળીના બીલમાં પણ રાહત સર્જાઇ છે.
સરપંચે ‘એક તીર બે નિશાન’ તાક્વારુપ વાત મુકી!
250 જેટલા ઘર ધરાવતુ આ ગામડું આમતો વિકાસની દ્રષ્ટીએ ખૂબ જ સુંદર છે. ગામમાં દરેક બાબત એક બીજાના સહકારથી કરવામાં આવે છે અને એટલે જ આ ગામનુ નામ આદરપૂર્વક લેવામાં આવે છે. ગામના લોકો વચ્ચે સરપંચે ગામમાં પાણીના મીટર લગાવવાની વાત મૂકી હતી. આ માટે પાણીને રસ્તાઓ પર વેડફાતુ અટકાવીને ગંદકીનુ નિરાકરણ લાવવા અને પાણીના એક એક ટીંપાનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાની આજના સમયની જરુરીયાત દર્શાવી. ગામના લોકોએ એક સાથે સ્વિકારી લીધી અને ગામમાં સરકારના ‘વાસ્મો’ ની મદદથી પાણીના મીટર લાગવા શરુ થયા.
અત્યારે ગામમાં 96 ટકા મીટર લાગી ચુક્યા છે. જે માટે કુલ 46 લાખ રુપિયા ખર્ચ થયો છે. જેમાં 10 લાખ ગામ લોકો અને 36 લાખ સરકારે ખર્ચ ઉઠાવ્યો છે. આમ ગામે પાણીના મીટર વડે પાણી બચાવવા સાથે વિજળીના બીલમાં પણ મોટી બચત કરી છે. ગામના લોકો પાસેથી પ્રત્યેક હજાર લીટરે 1 રુપિયો લેવામાં આવે છે.
વિજ બીલ થી સ્વચ્છતા સુધીનો લાભ-સરપંચ
તખતગઢ ગ્રામપંચાયતના સરપંચ નિશાંત પટેલ કહે છે, અમે ગામના લોકો સમક્ષ આ વાત રાખી હતી અને ગામમાં પાણીના મીટર લગાવવા માટે કહ્યુ હતુ. સ્વચ્છતા અને પાણી બચાવવા માટે થઇને અમે આ શરુઆત કરી હતી. ગામમાં મીટર લાગી જતા હવે પાણી અને વિજળી બીલમાં રાહત સર્જાઇ છે. અમે યુનિટ દીઠ એક રુપિયો લઇએ છીએ, જે યુનિટમાં એક હજાર લીટર પાણી મળે છે.
આમ પાણી મીટરથી મળતા ગામના લોકોની માનસીકતા પણ હવે બદલાઇ ચુકી છે. પાણી પર મીટર ફરતુ હોવાની માનસીકતાને લઇ લોકો હવે પાણીનો કરકરભર્યો ઉપયોગ કરે છે અને ગામના રસ્તાઓ પર હવે પાણીનુ એક ટીંપુ માત્ર જોવા મળતુ નથી. આમ હવે ગામમાં સ્વચ્છતા પણ આવી ચુકી છે અને પાણી અને વિજળીની બચત પણ થવા લાગી છે. તો વળી હવે દરેક ઘરને પાણી પણ ચોવિસ કલાક મળવા લાગ્યુ છે. જે પહેલા દિવસમાં માત્ર બે કલાક મળી રહ્યુ હતુ.