તસ્કરોએ શિયાળાના ચમકારા સાથે લોકોને પરેશાન કરી દીધા છે. વાહનને ખુલ્લામાં પાર્ક કરવુ કે ઘરના પાર્કિંગમાં પણ તેની સલામતી જાણે કે રહી જ ના હોય એમ તસ્કરો ચોરી આચરી રહ્યા છે. હિંમતનગર શહેરમાં આવેલા મારુતિ કારના શો રુમના ગોડાઉનમાંથી ત્રણ નવી નક્કોર કાર ચોરી થવા પામી છે. નવી કાર ચોરી થવાને પગલે કાર શો રુમના માલિકે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોને જાણે કે ખુલ્લુ મેદાન મળ્યુ હોય એમ રોજ બરોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને વાહનચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય એવી સ્થિતિ છે. ઠંડીના ચમકારા સાથે રહેણાંક વિસ્તારોમાં પણ તસ્કરોના આંટાફેરા વધતા લોકોમાં ફફડાટ વધતો જઈ રહ્યો છે.
હિંમનતનગર શહેરના પીપલોદી પાટીયા પાસે આવેલા મારુતિના શો રુમના સંચાલક દ્વારા ત્રણ કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે. સંચાલક સુનિલ હિવાલે દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મુજબ, તેઓને મંગળવારે સ્પષ્ટ થયુ કે તેમના શો રુમના ગોડાઉનમાંથી કારની ચોરી થઈ છે. આ મામલે સ્ટોક કરેલ કારની તપાસ કરતા ત્રણ કાર ચોરી થઈ હોવાનુ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સંચાલકે બતાવ્યુ હતુ કે, સોમવારે અને મંગળવારે સ્ટોકની ગણતરી કરી હતી. જેમાં ત્રણ કાર નહીં મળતા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ તસ્કરો દ્વારા ટ્રુ વેલ્યુ શો રુમ પાસે રહેલ ખુલ્લા ગોડાઉનમાંથી તસ્કરો દ્વારા કારને કોઈ પણ રીતે ચાલુ કરીને ચોરી કરવામાં આવી હતી.
તસ્કરોએ ઉઠાવેલી ત્રણેય કાર સીએનજી આધારીત હતી. એટલે કે સીએનજી કારની ચોરી તસ્કરોએ કરી હતી અને જેની હાલમાં બજારમાં માંગ ખૂબ જ છે. તસ્કરોએ વ્હાઈટ બ્રિઝા LXI કારની ચોરી કરી હતી. જેની કિંમત 9.24 લાખ રુપિયા છે. જ્યારે એક ગ્રે રંગની મારુતિ સ્વિફ્ટ VXI સીએનજી કારની ચોરી કરવામાં આવી હતી. જેની કિંમત 7.85 લાખ રુપિયા છે. જ્યારે ત્રીજી કાર મારુતિ બલેનો ઝેટા સીએનજી કારની ચોરી થઈ હતી. જેની કિંમત 9.28 લાખ રુપિયાની હોવાનુ સામે આવ્યુ છે. આ ત્રણેય કારની ચોરી 6 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન કરવામાં આવી હતી.
ઘટનાને પગલે હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી આધારે તપાસ શરુ કરી છે અને તસ્કરો સુધી પહોંચવા માટેની કડીઓ મેળવવાની શરુ કરાઈ છે.
Published On - 11:27 am, Wed, 22 November 23