ગુજરાત (Gujarat) સરકાર એક તરફ આરટીઓ(RTO)કચેરીને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ રાજયની મોટાભાગની આરટીઓ કચેરીમાં સ્માર્ટકાર્ડનો(Smartcard) જથ્થો ખૂટી પડ્યો છે. જેના પગલે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવનાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જેમાં સ્માર્ટ કાર્ડની અછતની સમસ્યા છેલ્લા એક વર્ષથી હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ સમગ્ર રાજયમાં સ્માર્ટ કાર્ડ લાયસન્સનો બેકલૉગ 80 હજારને પાર પહોંચ્યો છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 38 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. પરંતુ પાકા લાયસન્સ મળતા નથી. જેને લઈને લાયસન્સ ધારકો હાલાકી અનુભવી રહ્યા છે. જેથી તમામની માંગ છે કે સ્માર્ટ કાર્ડ લાયસન્સની સમસ્યા જલ્દી હલ થાય. જેમાં મળતી માહિતી પ્રમાણે સ્માર્ટ કાર્ડ લાયસન્સની પ્રક્રિયા અટકી પડતા રાજ્યમાં 80 હજાર જેટલો બેકલોંગ થયો છે. જેમાં અમદાવાદ માં 15 હજાર ઉપર લાયસન્સ ધારકોના લાયસન્સ અટકી પડ્યા છે. જે પ્રક્રિયા ફરી વહેલી શરૂ થશે તેવી આરટીઓ અધિકારીએ ખાતરી આપી છે. જો કે આ પ્રથમ ઘટના નથી.
આ અગાઉ 6 મહિના પહેલા કાર્ડ ખૂટી પડતા લાયસન્સ અટકી પડ્યા હતા. જેના કારણે 2 લાખ ઉપર બેક્લોગ પર પહોંચી ગયો હતો. આ પછી વાહનવ્યવહાર વિભાગે કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરતા લોકોને ઝડપથી પાકા લાયસન્સ મળવા લાગ્યા હતાં. જોકે હાલમાં સ્માર્ટ કાર્ડમાં લગાવવામાં આવતી ચિપ જ ખૂટી પડી છે. અને તે માત્ર અમદાવાદ આરટીઓ નહિ પણ રાજ્યમાં તમામ કચેરી પર આ જ પરિસ્થિતિ છે. જે અંગે ચિપ કંપનીના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ વિવાદ ન સર્જાય માટે કેમેરા સમક્ષ કહેવાનું ટાળ્યું. તો આ બાજુ આરટીઓ અધિકારીએ જલ્દી સમસ્યા દૂર થવાનું જણાવી. જેમાં લોકો ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરે અને મોબાઇલમાં લાયસન્સ રાખી ઉપયોગ કરે તેવી સલાહ આપી.
રાજ્ય સરકાર દિવસે ને દિવસે તેના વિવિધ વિભાગોની પ્રક્રિયા સ્માર્ટ બનાવી રહ્યું છે. જેથી લોકોને સરળતા રહે. જો કે રાજ્ય સરકારની તમામ આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડ લાયસન્સની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી નાગરિકો પરેશાન છે. જેમાં સ્માર્ટ લાયસન્સ માટેની સ્માર્ટ ચિપ ખૂટી પડતા સ્માર્ટ લાયસન્સ અટકી પડ્યા છે. જે વાત આરટીઓ અધિકારીઓ પણ કબૂલી રહ્યા છે.
Published On - 4:35 pm, Fri, 20 May 22