પરશોત્તમ રૂપાલાના શાયરાના અંદાજથી વધુ આક્રોષિત થયા ક્ષત્રિયો, રજપૂત સમાજે કહ્યુ ‘શરમ કરો રૂપાલા’- જુઓ Video
રૂપાલાનો વિરોધ ક્યાંય અટકી કે ઓછો નથી થઈ રહ્યો ઉલટાનો રોજ વધી રહ્યો છે. હવે જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે રૂપાલાની સાથે હવે ભાજપના પડકાર પણ અનેક બેઠક પર વધી રહ્યા છે. સંત સમાજ સમાધાનની વાત કરી રહ્યું છે પરંતુ ક્ષત્રિયો ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. તેઓ ટિકટ રદ કરવા સિવાય એકપણ સમાધાનના મૂડમાં જણાતા નથી ત્યારે આ લડાઈ હાલ તો શાંત થાય તેવુ જણાતુ નથી.
રાજકોટમાં વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી થયેલા વિવાદને 20 દિવસ જેટલો સમય વિતવા છતા હજુ આ વિવાદ શાંત થયો નથી. અને દિવસે દિવસે મામલો વધુ તૂલ પકડી રહ્યો છે. આ વિવાદ વચ્ચે રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. સભા સંબોધી રહ્યા છે અને ક્ષત્રિય મહિલાઓ અને પુરુષો આક્રમક વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે રૂપાલાએ શાયરી બોલીને આડકતરી રીતે તેમના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે તેઓને કોઈ નહી હલાવી શકે. તો આ વાતને લઈને રાજપૂતો પણ બરાબરના અકળાયા છે. રાજપૂત સમાજની સંકલન સમિતિએ કહ્યુ કે થોડી શરમ કરો. ટિકિટ પરત આપવાની જગ્યાએ શાયરીઓ કરી રહ્યા છો ?
શાયરી VS શરમની જંગ
રૂપાલાએ શાયરીના અંદાજમાં કહ્યુ હતુ, “ફાનુસ બનકર જીનકી હિફાજત હવા કરે, વો શમા ક્યા બુજેગી જિનકો રોશન ખુદા કરે.” રૂપાલાએ આ શાયરી દ્વારા આડકતરો ઈશારો કરી દીધો અને કાર્યકરોને ધૈર્ય અને સંયમ ગુમાવ્યા વિના કામ લેવાની પણ સલાહ આપી દીધી હતી. ત્યારે હવે એટલે હવે શાયરી VS શરમની આ જંગ થઈ ગઈ હોય તેમ લાગે છે. જોકે વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે ક્ષત્રિયોને સમજાવવાના સુરમાં સામે આવ્યા VHP અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ. VHPનું કહેવું છે કે આ પ્રશ્નથી તમામ લોકો હેરાન છે. સમાધાન આવવું જોઈએ.
સંત સમાજની સમાધાનની સલાહ
પરશોત્તમ રૂપાલાના વિવાદી નિવેદન મામલે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે. ક્ષત્રિય સમાજને રૂપાલાની ટિકિટ કપાય તેનાંથી ઓછું કંઇ ખપે તેમ નથી. બીજી તરફ ભાજપ રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે, પ્રદેશ ભાજપ પ્રમુખે પણ બે હાથ જોડી માફી માંગી છે. પરંતુ ઉગ્ર થતા વિરોધ વચ્ચે ભાજપ હવે મચક આપવા તૈયાર નથી. ત્યારે આ મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવી છે અને આ ખટરાગ હવે સામાજિક વિગ્રહમાં ન ફેરવાઇ જાય તે માટે સુખદ સમાધાનનો પ્રયાસ થઇ રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજે પણ વિવાદને શાંત પાડવા અપીલ કરી છે. ક્યાંક ને ક્યાંક અજાણતા ભૂલ તો થઈ છે પરંતુ દરેક બાબતનો એક સમાધાનકારી રસ્તો હોય છે તેવુ અવિચલદાસજીનું કહેવું છે. તેઓએ સમાધાન કરવા અપીલ કરી
રાજપૂતોનો આક્રોશ ‘આસમાને’
આ તરફ શાંતિની વાતો વચ્ચે રૂપાલાનો વિરોધ યથાવત જ છે. સંજેલીમાં રાજપૂત સમાજની બહેનોએ પોસ્ટકાર્ડ લખી વિરોધ નોંધાવ્યો હતો. અહિં સમાજની 500 બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. પોસ્ટકાર્ડ લખી રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી કરવામાં આવી છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે
આ તરફ ગાંધીનગરમાં પણ રૂપાલા સામેનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. અહિં દહેગામ તાલુકામાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધા હતા. સાથે જ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવું પ્રણ લીધું હતું
આ તરફ જામનગરના કાલાવડમાં સતત બીજા દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહિંના મછલીવડ ગામમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કાલાવડની કરણી સેનાના યુવકોએ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અહિં પણ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવાની ચીમકી તમામ લોકોએ ઉચ્ચારી હતી
ખેડા જિલ્લાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ અસ્મિતા સંમેલન યોજી રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી છે. ચકલાસીના ક્ષત્રિય સંમેલનમાં ખુદ ભાજપ અગ્રણી પણ ઉપસ્થિત રહેતા સંમેલનની ચર્ચા ચારેકોર થઈ રહી છે.,.,તો બીજી તરફ ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના ઉપાધ્યક્ષ મહિપાલસિંહ પણ હાજર રહેતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ સંમેલનમાં હાજર રહ્યા હતા.
બનાસકાંઠામાં રૂપાલા સામેના વિરોધ મુદ્દે સવાલ પૂછાતા ભાજપ MLA કેસાજી ચૌહાણ બરાબરના ફસાયા હતા. દિયોદરના રૈયામાં પ્રચાર દરમિયાન કેસાજી ચૌહાણને પૂછાયો હતો પ્રશ્ન તેઓએ સવાલનો જવાબ આપવાની જગ્યાએ ત્યાંથી ચાલ્યા જવું યોગ્ય સમજ્યું હતું. તેઓ ત્યાંથી રીતસરના જતા રહ્યા જુઓ
આ તરફ ભાજપનો સીધો વિરોધ કરવાની સાથે હવે ભાજપમાંથી ક્ષત્રિય નેતાઓના રાજીનામાનો સિલસિલો શરૂ થયો છે. બોટાદના તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું ધરી દીધું છે. વિજય ખાચરનું માનવું છે કે, હાલનો સમય પક્ષ સાથે નહીં સમાજ સાથે ઉભા રહેવાનો છે. જ્યાં સુધી સમગ્ર વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી હું ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છું. આમ હવે વિરોધની આગ હવે રાજીનામા સુધી પહોંચી છે.
રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે આકરા પાણીએ છે..સંમેલન, પોસ્ટર વગેરેથી વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ કલેકટર કચેરીએથી લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના નકકી કર્યા છે. રૂપાલા જો પોતાની ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજની બહેનો રૂપાલા સામે અપક્ષ ઉમેદવારી નોંધાવશે. 100 જેટલા ફોર્મ કલેક્ટર કચેરીથીએ મેળવામાં આવ્યા છે.
રાજ્યભરમાં વધતો વિરોધ હવે માત્ર રૂપાલાની સીટ પુરતો નથી પરંતુ ભાજપ માટે ક્ષત્રિયો અનેક બેઠકો પર સમસ્યા સર્જી શકે છે. ત્યારે જોવુ રહેશે કે ક્ષત્રિયોની નારાજગીથી ભાજપને લોકસભામાં કેટલુ નુકસાન ભોગવવાનું આવશે.
આ પણ વાંચો: પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા અનેક તર્કવિતર્ક, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video