Rajkot : નાની ઉંમરે યુવાનોમાં વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ, શું ટ્રેડમિલ ટેસ્ટથી ખતરા અંગે જાણ થઈ શકે ?
નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનુ જોખમ વધી રહ્યું છે,ત્યારે આજે એક ખાસ ટેસ્ટ વિશે વાત કરીશું કે જે કરાવવાથી જાણ થશે કે તમને ભવિષ્યમાં હાર્ટ એટેકનો ખતરો છે કે નહિ.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અને દેશમાં યુવાનોને હાર્ટએટેક આવવાથી નાની ઉંમરે યુવાનો મોતને ભટી રહ્યા છે. જો કે અચાનક યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે કોરોના કાળ બાદ વિશ્વમાં યુવાન લોકોમાં પણ હૃદય સબંધી બીમારીઓમાં વધારો થયો હોવાનુ અનુમાન છે, ત્યારે આજે એક ખાસ ટેસ્ટ વિશે વાત કરીશું કે જે કરાવવાથી જાણ થશે કે તમને ભવિષ્યમાં હાર્ટ એટેકનો ખતરો છે કે નહિ.
કાર્ડિયોલોજિસ્ટ પાસેથી જાણો ટ્રેડમિલ ટેસ્ટ વિશે
ટ્રેડમિલ ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિનો ECG ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરવામાં આવે છે. ECG ટેસ્ટથી હૃદયની પ્રાથમિક સ્થિતિની જાણ થાય છે.આ ECG ટેસ્ટ નોર્મલ આવતા ડોકટર દ્વારા કાર્ડિયોલોજિસ્ટ ડોકટર દ્વારા ટ્રેડમિલ ટેસ્ટ(TMT)ની મંજુરી આપે છે. મહત્વનું છે કે, જો કોઈ દર્દીને પહેલાથી હૃદયની સમસ્યા હોય અથવા હૃદયનું ઓપરેશન કર્યું હોય અથવા ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો ડોકટર દ્વારા આ ટેસ્ટની અનુમતિ આપવામાં નથી આવતી.
ટ્રેડમિલ ટેસ્ટ અંગે TV9 સાથે વાત કરતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. રાજેશ તેલીએ જણાવ્યું હતું કે હૃદયને લોહી પહોંચાડતી નળીઓ જ્યારે 70 ટકાથી વધુ સાંકડી થાય છે અને તેની ઉપર ચરબીના ગઠ્ઠા જામતા જ્યારે નળી સંપૂર્ણપણે બંધ થાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે.હવે આ નળીઓ સાંકળી થઈ છે તે અગાઉથી જાણ થાય તો હાર્ટ એટેકને આવતો ટાળી શકાય છે.
વધારે શ્રમ કરવાથી હૃદયને વધુ લોહીની વધુ જરૂર પડે
જો હૃદયની નળી સાંકડી હોય અને શરીરને શ્રમ પડે ત્યારે હૃદયને લોહીની વધુ જરૂર પડે છે. નળીઓ સાંકડી હોય અને સામાન્ય દિનચર્યામાં હૃદયને લોહી પહોંચી રહે છે.પરંતુ એકાએક શ્રમ કરવામાં આવે તો હૃદયને વધુ લોહીની જરૂરિયાત રહે છે અને તે ન મળતા હાર્ટ એટેક આવે છે. તો વધુમાં ડૉ તેલીએ જણાવ્યું કે આ ટેસ્ટ કરાવવાથી હૃદય પર શ્રમ આવે છે ત્યારે હૃદય કેવી રીતે રિએક્ટ કરે છે તેના પરથી હૃદયની ક્ષમતા જાણી શકાય છે.આ ટેસ્ટમાં 9 મિનિટ ટ્રેડમિલ પર ચાલવાનું હોય છે.દર ત્રણ મિનિટે ટ્રેડમિલની સ્પીડ વધે છે.
આ ટ્રેડમિલ ટેસ્ટ દરમિયાન છાતી અને પેટના ભાગની હૃદયને લોહી પહોંચાડતી નળીઓનું પ્રેશર ચેક થાય છે અને ટ્રેડમિલ સાથે એક ખાસ મશીન કનેક્ટ હોય છે જેમાં સતત કાર્ડિયોગ્રામ રેકોર્ડ થાય છે.હવે જો હૃદયને લોહી પહોંચાડતી કોઈ નળી સાંકળી હોય તો આ ટેસ્ટ કરતી વખતે બ્લડ પ્રેશર અને સતત ચાલતા કાર્ડિયોગ્રામથી તેનો અંદાજ આવી જાય છે. જેથી આગળ જતા કાર્ડિયોલોજીસ્ટ સલાહ લઈ આ બ્લોકેજ ઓપરેશન અથવા દવા દ્વારા દૂર કરી હાર્ટએટેકથી બચી શકાય છે.આ ટેસ્ટથી 70%ની સચોટતાથી નજીકમાં ભવિષ્યમાં હાર્ટ એટકનું જોખમ છે કે નહિ તે જાણી શકાય છે. ડૉ તેલીએ જણાવ્યું હતું કે 25 થી 30 વર્ષની ઉંમર બાદ આ ટેસ્ટ દર વર્ષે નિયમિત પણે કરાવવો જોઈએ.