રાજકોટ ST વિભાગને ફળી દિવાળી, સપ્તાહમાં 5.60 કરોડ રૂપિયાની થઈ આવક
રાજકોટ એસટી વિભાગને દિવાળી ફળી છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ એસટી વિભાગને 5.60 કરોડ રૂપિયાની આવક થઈ છે. દિવાળી દરમિયાન દોડાવવામાં આવેલી 150 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમા 33 હજાર મુસાફરોએ લાભ લીધો હતો.
રાજકોટ: દિવાળીની રજાઓમાં એસટી બસોમાં લોકોની ભીડ જામતી હોય છે. લોકો વેકેશનમાં પોતાના વતન અને ફરવા જવા માટે એસટી બસોનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે રાજકોટ એસટી વિભાગને આ દિવાળીની રજાઓ ફળી છે. 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી એસટી વિભાગને 5 કરોડ 60 લાખ રૂપિયાની આવક થઈ છે. એસટી વિભાગ દ્વારા ભીડને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી હતી. જેમાં એસટી વિભાગને કુલ 55 લાખ રૂપિયાની આવક થઈ હતી.
150 જેટલી એક્સ્ટ્રા બસોમાં 33 હજાર મુસાફરોએ લીધો લાભ
એસટી વિભાગ દ્રારા દિવાળીની રજાઓમાં ભીડને પહોંચી વળવા માટે 150 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી હતી. એસટી વિભાગ દ્વારા અમરેલી, દ્વારકા, સોમનાથ, ભુજ, અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ, ગોધરા અને પંચમહાલ માટે એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી હતી. આ બસોનો 33000 જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. એસટી વિભાગના નિયમ પ્રમાણે એક્સ્ટ્રા બસનું ભાડું વધારે વસુલવામાં આવે છે, ત્યારે આ બસ સેવા થકી એસટી વિભાગને કુલ 55 લાખ રૂપિયાની આવક થઈ છે.
વોલ્વોમાં થયું 100 ટકા બુકિંગ
તહેવારોના સમયમાં લોકો એડવાન્સ બુકિંગનો લાભ લેતા જોવા મળ્યા છે. એસટી વિભાગ દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભુજ, દિવ માટે વોલ્વો બસ ચાલે છે જેમાં દિવાળીની રજાઓ દરમિયાન 100 ટકા બુકિંગ નોંધાયું હતું. આ ઉપરાંત જામનગર, જુનાગઢ,મોરબી સહિતના વિસ્તારો માટે ઇલેક્ટ્રિક બસો ચાલે છે. જેમાં દિવસની 100 જેટલી ટ્રિપ થાય છે. તેમાં પણ મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ: દિવાળી બાદ રોગચાળાએ ઉંચક્યુ માથુ, સિવિલમાં દર્દીઓની લાગી લાઈનો, સ્ટાફની અછત RMC માટે બની મોટો પડકાર
UPIથી દિવસની 3 લાખ રૂપિયાની આવક
રાજ્યના પરિવહન વિભાગ દ્રારા એસટી બસમાં પણ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કર્યા બાદ મુસાફરો તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.રાજકોટના એસટી વિભાગમાં હાલમાં દરરોજનું 3 લાખ રૂપિયાનું યુપીઆઇના માઘ્યમથી પેમેન્ટ થઇ રહ્યું છે.આ સેવાને કારણે બસોમાં મુસાફરોને છુટ્ટા રૂપિયાની અડચણ દુર થઇ છે.એસટી વિભાગનો ટાર્ગેટ છે કે દરરોજના 20 લાખ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ થાય.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો