રાજકોટ: દિવાળી બાદ રોગચાળાએ ઉંચક્યુ માથુ, સિવિલમાં દર્દીઓની લાગી લાઈનો, સ્ટાફની અછત RMC માટે બની મોટો પડકાર
રાજકોટવાસીઓએ મનમુકીને દિવાળીના તહેવારની ઉજવણી કરી. જેમા લિજ્જતથી મીઠાઈ અને ફરસાણની મજા પણ માણી. જો કે હાલ દિવાળી બાદ શહેરમાં શરદી ઉધરસ તાવના કેસમાં પણ વધારો થયો છે. દિવાળી જતા જ શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. બીજીતરફ આરએમસીના આરોગ્ય વિભાગમાં સ્ટાફની અછત પણ મોટો પડકાર બન્યો છે.
દિવાળીનો તહેવાર લોકોએ ધામધુમથી ઉજવ્યો. મીઠાઇ અને બહારના ભોજનની લિજજત માણી. તહેવાર બાદ હવે શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. આ દ્રશ્ય જુઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. શહેરમાં દિવાળીના દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. જેના કારણે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ થાય છે. જેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે.જો ગત સપ્તાહના આંકડા પર નજર કરીએ તો
- શરદી ઉધરસ તાવના 1040 કેસો
- ઝાડા ઉલટીના 145 કેસો
- ડેન્ગ્યુના 11 કેસો
- ચીકનગુનિયાના 3 કેસો નોંધાયા છે.
જો કે દિવાળીના તહેવાર બાદ આ કેસમાં 10 થી 15 ટકાનો ઉછાળો આવ્યો છે.
RMCમાં સ્ટાફની અછત
શહેરમાં રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પોરાનાશક કામગીરી કરી રહ્યું છે. દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જ્યાં મચ્છરોની ઉત્પતિ જોવા મળે તેમને નોટિસ અને દંડ આપવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે જો કે રાજકોટ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગમાં સ્ટાફની અછત છે.જે તંત્ર માટે મોટો પડકાર છે જો આંકડાઓ પર નજર કરીએ તો
- કુલ જગ્યા 115 છે
- જેની સામે 84 જગ્યાઓ ભરેલી છે જ્યારે 31 જગ્યાઓ ખાલી છે
- જેમાં સૌથી વધારે ખાલી જગ્યા ફિલ્ડ વર્કરોની છે
આ ઉપરાંત રોગચાળાની પીક સિઝનમાં હંગામી વોલિયન્ટરોની મદદ લેવાઇ છે. જેમાં પણ 50 ટકાથી વધારે સ્ટાફની અછત છે. રાજ્ય સરકાર દ્રારા મંજૂર થયેલી જગ્યા 180 છે જેની સામે માત્ર 67 વોલિયન્ટરો કામ કરી રહ્યા છે. આ જગ્યાએ જૂના રાજકોટની હદ પ્રમાણે છે. નવા ભળેલા વિસ્તારોને જોતા મહાનગરપાલિકાએ 237 જેટલા સ્ટાફની જરૂરિયાત છે. જેની સામે હાલનો સ્ટાફ લગભગ અડધો છે. આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે હાલમાં નવા સ્ટાફની જગ્યા માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટ ST વિભાગને ફળી દિવાળી, સપ્તાહમાં 5.60 કરોડ રૂપિયાની થઈ આવક
એક તરફ શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. સવારના ભાગે ઠંડી અને બપોરના સમયમાં ગરમીના અહેસાસને કારણે વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થઇ રહ્યો છે. જો કે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફની અછત તંત્ર માટે પડકાર છે. વકરી રહેલો રોગચાળા અંગે તંત્ર આળસ નહિ મરડે તો ઘરે ઘરે માંદગીના ખાટલાં થતા વાર નહિ લાગે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો