Rajkot : પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે પુત્ર શિવરાજે આપ્યું મોટું નિવેદન
થોડા દિવસો પહેલા નરેશ પટેલે મિડીયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય 30 માર્ચ સુધીમાં લઇ લેશે તેવો દાવો કર્યો હતો.નરેશ પટેલ ટૂંક સમયમાં નિર્ણય લેશે તેવો તેમના દ્રારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેઓ જોડાશે કે કેમ કે તે એક મોટો સવાલ છે
Rajkot : લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલના (Naresh Patel) રાજકીય પ્રવેશ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પુત્ર શિવરાજ પટેલ (Shivraj Patel) આજે મિડીયા સામે આવ્યા હતા. શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં આવે તે જરૂરી છે. હું વ્યક્તિગત ઇચ્છીશ કે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઇએ,શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલનો રાજકીય પ્રવેશ થશે કે કેમ અને થશે તો ક્યાં પક્ષમાં થશે તેનો આખરી નિર્ણય તેના પિતા જ લેશે.જોકે પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ આપશે. નરેશ પટેલ 30 માર્ચ સુધીમાં (Politics)રાજકારણના પ્રવેશ અંગે નિર્ણય લઇ લેશે તેવો પણ દાવો કર્યો હતો.
શિક્ષણ અને આરોગ્ય રહેશે પ્રાથમિકતા-શિવરાજ
શિવરાજ પટેલે કહ્યું હતું કે જો તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો શિક્ષણ અને આરોગ્ય તેમની પ્રાથમિકતા હશે. તેઓના રાજકીય પ્રવેશ બાદ તેઓ શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપશે અને તે પ્રમાણે કામ કરશે. શિવરાજે કહ્યું કે નરેશ પટેલે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે. હું મારા પિતાને ઓળખું છું ત્યાં સુધી તેઓ શિક્ષણ અને આરોગ્ય પર કામ કરશે કોઇપણ રાજ્યને મોટું કરવું હોય તો શિક્ષણ અને આરોગ્ય સારૂ હોવું જોઇએ. જેથી તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો આ મુદ્દે કામ કરશે તેવો વિશ્વાસ છે.
દિલીપ સંઘાણીએ કરેલી ટિપ્પણી પર કહ્યું, સૌ કોઇને બોલવાનો અધિકાર
થોડા દિવસ પહેલા ભાજપ નેતા દિલીપ સંઘાણીએ(Dilip Sanghani) નરેશ પટેલ પર ટિપ્પણી કરી હતી. અને કહ્યું હતું કે સમાજને હાથો બનાવીને રાજકારણમાં પ્રવેશ કરનારની હાલત હાર્દિક પટેલ જેવી થાય છે. ત્યારે નરેશ પટેલે ચેતી જવું જોઇએ.આ ટિપ્પણી અંગે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું હતું કે લોહશાહીમાં સ્વતંત્રતાનો સૌ કોઇને અધિકાર છે,સૌ કોઇ વાણી સ્વાતંત્ર્યના આધારે પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે.
નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહિ તે મોટો સવાલ
થોડા દિવસો પહેલા નરેશ પટેલે મિડીયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય 30 માર્ચ સુધીમાં લઇ લેશે તેવો દાવો કર્યો હતો.નરેશ પટેલ ટૂંક સમયમાં નિર્ણય લેશે તેવો તેમના દ્રારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેઓ જોડાશે કે કેમ કે તે એક મોટો સવાલ છે અને જોડાશે તો ક્યાં પક્ષમાં જોડાશે તે જોવાનું રસપ્રદ છે. કારણ કે તમામ રાજકીય પાર્ટીઓ નરેશ પટેલને તેના પક્ષમાં જોડાવા માટે આમંત્રણ આપી ચૂકી છે.
આ પણ વાંચો : KUTCH : બાંધકામ મંજુરી નથી લીધી તો મેળવી લેજો, ભુજના ભરચક વિસ્તારમાં ઉભો કરાયેલ શો-રૂમ સીલ કરાયો