રાજકોટમાં દોઢ કલાકથી વરસી રહેલા વરસાદમાં સમગ્ર શહેરે લીધી જળસમાધિ, મનપાની પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા- Video
રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પોપટપરા અંડરપાસ અને સાધુ વાસવાણી રોડ પર ભારે પાણી ભરાયા છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. માધાપર ચોકડીમાં કમર સુધી પાણી ભરાયા છે
રાજકોટમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પોપટપરા અંડરપાસ પાણીમાં ગરકાવ થતા એક સિટી બસ પણ તેમા ફસાઈ ગઈ છે. સાધુ વાસવાણી રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે. રૈયા રોડ પર આવેલ આઝાદ ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. આપણે જણાવી દઈએ કે પોપટપરા અંડરપાસમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેના કારણે એક સિટી બસ પણ ફસાઈ છે. એ સિવાય સાધુ વાસવાણી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. રહેણાંક વિસ્તારો હોય કે મુખ્ય બજારો હોય કે તમામ જગ્યાએ ભારે જળભરાવની સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
પાણીમાં અનેક વાહનો બંધ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
રસ્તાઓ જળમગ્ન બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી છે. રાજકોટ શહેરના પ્રવેશદ્વાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા છે. હાલ શહેરનો કોઈ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ન ભરાયા હોય. તમામે તમામ વિસ્તારોએ જાણે જળસમાધિ લીધી હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. ઠેકઠેકાણે જળભરાવને કારણે ટુવ્હીલર ચાલકોના વાહનો પણ બંધ પડ્યા છે, જેના પાણી ભરાયેલા રસ્તામાંથી દોરીને જવાની ફરજ પડી રહી છે.
માધાપર ચોકડી વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા
રાજકોટનો 150 ફુટ રિંગ રોડ વિસ્તાર આખેઆખો જાણે નદીમાં ફેરવાઈ ગયો છે તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. આ તરફ હાલાકી વેઠતા વાહનચાલકો રાજકોટની આ સ્થિતિ માટે મહાનગરપાલિકાના અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરતુ નથી તેના કારણે જ લોકોમો હાલાકી ભોગવવી પડે છે. જામનગરથી આવતા લોકો માટે માધાપર ચોકડી રાજકોટનું પ્રવેશદ્વાર ગણાય છે. આજે આ વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા છે. અનેક વાહનચાલકો આ પાણીમાં ફસાયા છે. શહેરમાં ઠેકઠેકાણે ભરાયેલા પાણીને જોતા એવુ લાગે છે જાણે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ નથી અને આથી જ સમગ્ર શહેર જળમગ્ન બન્યુ છે. ત્યારે મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાનું બજેટ પ્રિમોન્સુન કામગીરી માટે ફાળવવામાં આવે છે તે કામગીરી જમીન પર ક્યાંય કેમ દેખાતી નથી.
મનપાની પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા ધજાગરા
દર વર્ષે વરસાદ થતા જ લોકોને આ જ પ્રકારે પાણીમાં ફસાવાનો વારો આવે છે. લોકોના વાહનોમાં પાણી ઘુસી જતા વાહનો બગડી રહ્યા છે. બંધ પડી રહ્યા છે. પરંતુ મનપાના ખાઈ બદેલા સત્તાધિશોને જનતાની કોઈ ફિકર જ નથી. અંધેર નગરી ગંડુ રાજા જેવો ઘાટ દર ચોમાસે સર્જાય છે અને જનતા બાપડી બિચારી હાલાકી વેઠતી રહે છે.કોઈ એકલ દોકલ વિસ્તાર હોય તો પણ સમજી શકાય પરંતુ અહીં તો આખેઆખુ શહેર જાણે પાણીમાં ગરકાવ થયુ હોય તેવો ઘાટ સર્જાયો છે અને છતા તંત્રને જનતાની કંઈ પડી જ નથી. વાદળ ફાટવા જેવી સ્થિતિ હોય તો સમજી શકાય અહીં તો બે થી ત્રણ ઈંચ વરસાદમાં જ શહેર જળસમાધિ લઈ લે છે ત્યારે મનપા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી સામે સવાલ ઉઠવો વાજબી છે.
માત્ર દોઢ કલાક વરસેલા વરસાદમાં તો શહેર આખુ જળમગ્ન બની ગયુ છે અને હજુ જો થોડો વધુ વરસાદ વરસ્યો તો શું સ્થિતિ થાય તે મોટો સવાલ છે. વર્ષોથી એકની એક પાણી ભરાવાની સમસ્યાનું આજ સુધી મનપા કોઈ સમાધાન લાવી શકી નથી. જનતા પાસેથી ટેક્સના પૈસા વસુલવામાં સ્હેજ પણ બાંધછોડ ન કરતી મહાનગર પાલિકાનું રેઢિયાળ તંત્ર જનતાની સમસ્યાનું નિરાકરણ લાવી શક્તુ નથી.