Rajkot: રાજ્યમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદને કારણે કપાસને સૌથી વધારે નુકસાન થયું છે. વધારે વરસાદને કારણે કપાસના ફુલ તૂટી પડ્યા છે. જેના કારણે ખેડૂતોને મોં માં આવેલો કોળિયો છિનવાઇ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું. રાજકોટમાં ખાનગી હોટેલમાં પ્રિ વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રાઘવજી પટેલે દાવો કર્યો હતો કે કપાસમાં જે નુકસાન થયું છે તે અંગે રાજ્ય સરકાર ચિતિંત છે.
રાજકોટમાં આવેલા રાઘવજી પટેલે કહ્યું હતું કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે તેમાં પણ ખાસ કરીને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી વાવેતરનો જે અંદાજ કાઢવામાં આવ્યો હતો તેના કરતા ઓછું વાવેતર થશે. આ ઉપરાંત ઉભા પાકને જે નુકસાન પહોંચ્યું છે તે અંગે દાવો કર્યો હતો કે નુકસાની અંગે સરકાર ચિંતિત છે આ માટે મુખ્યમંત્રીને પરિસ્થિતિથી વાકેફ કર્યા છે.સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેવા દાવો કર્યો હતો.
એક તરફ કપાસના પાકને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે જ્યારે બીજી તરફ ખેડૂતોને કપાસના પુરતા ભાવ મળી રહ્યા નથી.ખેડૂતોને ગત વર્ષ કરતા 250 થી 300 રૂપિયા મણે ઓછા ભાવ મળી રહ્યા છે.હાલમાં ખેડૂતોને મણના 1400થી 1500 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને અપુરતા ભાવ અંગે કૃષિમંત્રીએ કહ્યું હતું કે કોઇપણ જણસના ભાવનો આધાર માંગ અને પુરવઠા પર આધારીત હોય છે. કપાસના ભાવ અંગે સરકાર ચિંતિત છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર ઉત્પાદન પહેલા જ ટેકાનો ભાવ બહાર પાડતી હોય છે. સમયાંતરે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્રારા કપાસની ખરીદી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાં પદવીધારકોમાં પ્રથમવાર વિદ્યાર્થિનીઓએ મારી બાજી, 502 યુવતીઓને મળી પદવી-Photos
રાજ્ય સરકાર દ્રારા આ વખતે વાયબ્રન્ટ સમિટને પ્રોત્સાહન મળે તે હેતુથી દરેક જિલ્લા કક્ષાએ પ્રિ વાયબ્રન્ટ સમિટનું આયોજન કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કર્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટની ખાનગી હોટેલમાં ઉદ્યોગકારો સાથે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો