રાજકોટ અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાંચે 4 અધિકારીઓની કરી ધરપકડ, તપાસમાં અનેક મોટી બેદરકારી સામે આવી
રાજકોટ અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચે સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની ધરપકડ કરી છે. અગ્નિકાંડની તપાસ માટે સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ બનેલી SITએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. જેમા અનેક મોટી બેદરકારીઓ સામે આવી છે.
રાજકોટ અગ્નિકાંડમાં મનપાના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ચારેય અધિકારીઓના ઠેકાણાઓ પર ACBના દરોડા બાદ ધરપકડ કરી લેવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની ધરપકડ કરી છે. ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં પણ ACBએ તપાસ હાથ ધરી હતી. રોહિત વિગોરા અને મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાનમાં ACBએ તપાસ હાથ ધરી હતી.
ACBના દરોડા બાદ ક્રાઈમ બ્રાંચે પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની ધરપકડ કરી છે. આગકાંડ બાદ એમ.ડી. સાગઠિયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર અનામિકા સાગઠિયાનો 7 થી 8 કરોડના ખર્ચે બંગલો બની રહ્યો છે. 75 હજારના પગારદાર સાગઠિયાની જંગી મિલકતો અંગે પણ ACBએ તપાસ હાથ ધરી છે. કરોડોની મિલક્ત સાગઠિયા અને તેના પરિવારના નામે હોવાનું પણ તપાસમાં ખૂલ્યુ છે. રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક સ્થળોએ તેમની કરોડોની મિલક્તો આવેલી છે. ક્રાઈમ બ્રાંચે સાગઠિયાની ઓફિસમાં તપાસ હાથ ધરી. જેમા સાગઠિયાએ મંજૂર કરેલા કામોની ફાઈલોની તપાસ થશે.
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોનો ભોગ લેવાર ટીઆરપી ગેમઝોનની આંચ હવે સરકારી બાબુઓ સુધી પહોંચી છે. રાજકોટમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરતી SITએ આજે સાંજે રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, બે આસિસ્ટન્ટટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી ઉપરાંત ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વીગોરા સહિત 4ની ધરપકડ કરી છે. આ સાથે અગ્નિકાંડના આરોપીઓની ધરપકડનો આંક 9એ પહોંચ્યો છે.
ગુનાની તપાસ કરી રહેલી SIT છેલ્લા બે દિવસથી અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા અને PGVCLના ડેપ્યુટી ઈજનેર એસ. કે ચૌહાણને SITએ નાટકીય ઢબે ઉઠાવી લઈ મોડીરાત સુધી પૂછપરછ હાથ ધરી હતી. જેમા સાગઠિયા, સહિત બે એટીપીઓ મકવાણા અને જોષીની ફરજમાં બેદરકારી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે.
SITના સૂત્રોના જણાવ્યા મુજબ TRP ગેમ ઝોન ગેરકાયેદ હોવા અંગે 8 મહિના પહેલા મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરી ન હતી. જો જે તે વખતે કાર્યવાહી થઈ હોત તો કદાચ આ અગ્નિકાંડ સર્જાયો ન હોત અને 28થી વધુ જિંદગીઓના મોત ના થયા હોત.
આજ પ્રકારે ફાયર ઓફિસરે તેમના વિસ્તારમાં આવતા આ ગેમઝોન પાસે ફાયર NOC છે કે નહીં તે અંગે કોઈ કાર્યવાહી ન કરી અને ફરજમાં બેદરકારી બતાવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. મનપાના ચારેય અધિકારીઓની ધરપકડ કરી આ કેસમાં કલમ 36 પણ ઉમેરવામાં આવી છે.