Monsoon 2023: ઈડરમાં 6 ઈંચ, તલોદમાં પોણા 6 ઈંચ વરસાદ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા! જાણો
Sabarkantha Rainfall Report: પ્રાંતિજ, તલોદ અને ઈડર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે ઈડરમાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે તલોદમાં પોણા છ ઈંચ અને પ્રાંતિજ માં ચારેક ઈંચ વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં પ્રાંતિજ, તલોદ અને ઈડર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે ઈડરમાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે તલોદમાં પોણા છ ઈંચ અને પ્રાંતિજ માં ચારેક ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈ સ્થાનિક નિચાણવાળા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તલોદ વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં રવિવારે દિવસે અને રાત્રી દરમિયાન પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અગાઉ પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રાંતિજમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ સતત બીજા દિવસે વરસાદને લઈ સ્થિતી જળમગ્ન બની હતી.
પ્રાંતિજ અને તલોદના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તલોદ થી હિંમતનગર સ્ટેટ હાઈવે અને પ્રાંતિજ થી હરસોલ સ્ટેટ હાઈવેના વાહન વ્યવહારને પણ કેટલોક સમય માટે અસર પહોંચી હતી. જોકે તલોદના નિચાણ વાળા ભાગોમાં પાણી વહી જતા ઝડપથી પાણી ઓસર્યા હતા.
આ પણ વાંચોઃ National Highway: ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિઝ ચોમાસાની શરુઆતે ધોવાયા, ખાડા પડતા રસ્તો જોખમી બન્યો!
ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકીના દ્રશ્યો
પ્રાંતિજ, તલોદ અને ઈડર વિસ્તારના અનેક ગામડાઓમાં સ્થિતી હાલાકી ભરી બની હતી. તલોદના ગોરામાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. ગોરા ગામમાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લઈ લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યા હતા. રસ્તાઓ પર કમરથી પણ વધારે પાણી ભરાયા હતા અને લોકો હાલાકીમાં મુકાયા હતા. વાવડી ચોકડી સર્કલ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ જવા પામ્યા હતા અને દ્રશ્ય તળાવ સમાન બન્યા હતા. જેને લઈ સ્ટેટ હાઈવેના વાહન વ્યવહારને અસર પહોંચી હતી.
હિંમતનગર-તલોદ સ્ટેટ હાઈવે પરના છત્રીસા ગામ નજીક માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. બે કલાક સુધી હાઈવે પર એક થી દોઢ ફુટ પાણી વહેતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. તલોદમાં માર્કેટ યાર્ડ વિસ્તાર, જીઈબી વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પાણી નિકાળવા માટે કેટલાક સ્થળે મશીન ચલાવવા પડ્યા હતા અને આમ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ઈડરમાં છ ઈંચ વરસાદ
ઈડર વિસ્તારમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સોમવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાનના 4 ઈંચ વરસાદ ખાબકતા વિસ્તારમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. ઈડર અંબાજી સ્ટેટ હાઈવે સહિત અનેક સ્થળો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજમાં ચાર ઈંચ અને હિંમતનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં છોટાલાલ શાહ માર્ગ, ટાવર ચોક, મહાવિરનગર, પરશુરામ માર્ગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.
સાબરકાંઠાઃ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ (સવારે 6.00 કલાક સુધી)
- ઈડર 146 મીમી
- તલોદ 139 મીમી
- પ્રાંતિજ 99 મીમી
- હિમતનગર 87 મીમી
- ખેડબ્રહ્મા 57 મીમી
- વિજયનગર 55 મીમી
- પોશિના 36 મીમી
- વડાલી 45 મીમી