Sabarkantha: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર નહી વોર્ડ બોય અને ફાર્માસિસ્ટ આપે છે દવા, તબિબ વિના સ્થાનિકો પરેશાન
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકાના અંતરિયાળ ગામડાઓ પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. વિસ્તારમાં સરકારી દવાખાના છે, પરંતુ ડોક્ટર નથી જેને લઈ વોર્ડબોય અને ફાર્માસિસ્ટ જ દવા આપે છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે હજુ પણ અંતરિયાળ વિસ્તારના ગામડાઓ તરસી રહ્યા છે. ક્યાંક તો સુવિધાઓ છે પરંતુ જોઈને જાણે એમ જ લાગે કે, સુવિધાઓ માત્ર નામ પુરતી છે. આ સુવિધાઓ જાણે તે કાગળ પર વાઘ અને વાસ્તવિકતામાં શૂન્ય હોય એવી સ્થિતી છે. વાત આરોગ્યની કરવામાં આવે તો વિસ્તારમાં અનેક સ્થળો સરકારી દવાખાનાઓમાં ડોક્ટર નથી, અને ડોક્ટર છે તો, મકાનની હાલત ઠીક નથી. તો વળી ક્યાંક તો સારવાર જ ફાર્માસિસ્ટ કરે છે તો, ક્યાંક વોર્ડ બોય જ દવાઓ આપતા નજર આવી રહ્યા છે.
આરોગ્યની સુવિધાઓની ભલે વાતો સારી જોવા મળતી હશે, પરંતુ વાસ્તવિકતાને જો અંતરિયાળ ગામડાઓમાં જોવામાં આવેતો જરુર ચોંકી ઉઠશો. વાસ્તવિકતામાં અધિકારીઓ અહીં તમામ સલામતના પત્રકો તૈયાર રાખતા હશે, પરંતુ સ્થળ પર જુઓ તો સ્થિતી ચોંકાવનારી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટીવી9 ની ટીમે 2 સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સ્થિતી ચોંકાવનારી સામે આવી છે.
ફાર્માસિસ્ટ નહીં, વોર્ડબોય જ દવા આપે છે
પ્રથમ મુલાકાત હિંમતનગરના વિરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની.. જ્યાં દિવસના 100 થી વધારે દર્દીઓની ઓપીડી રહેતી હોય છે. અહીં સારવાર માટે વિરાવાડા અને આસપાસના ગામના લોકો સારવાર માટે આવતા હોય છે. પરંતુ અહીં મેડીકલ ઓફિસર એટલે કે ડોક્ટર એક સપ્તાહથી જિલ્લા બહાર તાલીમ પર છે, ઈન્ચાર્જ ડોક્ટર ફરકતા જ નથી અને નવા નિમણૂંક થયેલા ડોક્ટર હાજર થયા નથી. હવે તમને સવાલ થતો હશે તો રોજના 100 દર્દીઓને સપ્તાહથી સારવાર કોણ કરાવતુ હશે અને દવા કોણ આપતુ હશે?
વોર્ડ બોય જ અહીં અહીં ઓલ ઈન વન છે. તેઓ પોતાની સમજણ મુજબ બિમારીનુસાર દવાઓ દર્દીઓને આપી રહ્યા છે. આ નો તા કોઈ ડોક્ટર છે કે, ના તો કોઈ ફાર્માસિસ્ટ તેઓ માત્ર વોર્ડ બોય છે. આ વોર્ડ બોય દર્દીનો કેસ નોંધે છે. કેસ નોંધીને તેમની બિમારી પૂછે છે, બિમારી અંગે પ્રાથમિક પૂછપરછ બાદ તે દવા આપે છે અને જરુર જણાય તો લેબોરેટરી કરવા માટે સલાહ પણ આપે છે.
અદાપુરમાં માત્ર એક જ રુમમાં આરોગ્ય કેન્દ્ર!
આતો વાત થઈ વિરાવાડાની કે જ્યાં ફાર્માસિસ્ટ નથી. છ મહિના પહેલા ફાળવેલ ફાર્માસિસ્ટ માત્ર એક જ દિવસ અહીં હાજર થવા માટે પહોચ્યો હતો અને પોતાની અનુકૂળતા માટે હિંમતનગર વધારાના ફાર્માસિસ્ટ તરીકે જિલ્લા કચેરીએ પ્રતિનિયૂક્તિ કરાવી લીધી છે. પરંતુ હવે હિંમતનગરના અદાપુર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની. જ્યાં સરકારે ફાર્માસિસ્ટની નિમણૂંક તો કરી છે પરંતુ ડોક્ટરની નિમણૂંક કરી નથી. અહીં ઈન્ચાર્જ ડોક્ટર આવતા નથી અને આવીને સારવાર કરતા જોવા મળે એવા દર્શન સ્થાનિકોને થયા નથી. ફાર્માસિસ્ટનેને જ લોકો અહીં ડોક્ટર તરીકે માની રહ્યા છે. ફાર્માસિસ્ટ પણ પોતાના અનુભવ મુજબ લોકોને પિડાથી રાહત આપવા માટે પ્રાથમિકતાના રુપે દવા ગોળીઓ આપી રહ્યા છે. અંતરિયાળ ગામડાના લોકો ફાર્માસિસ્ટને જ ડોક્ટર માનીને આભાર માનતા રહે છે.
તો વળી અદાપુર ગામના આરોગ્ય કેન્દ્રની સ્થિતી પણ અત્યંત ખરાબ હાલતમાં છે. ભાડાના મકાનમાં ચાલતુ આ આરોગ્ય કેન્દ્ર માત્ર એક રુમ પુરતુ સિમીત છે. માત્ર એક જ રુમમાં એક લાઈટના અજવાળે આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યુ છે અને આસપાસના પંદર વીસ કરતા વધારે ગામની આરોગ્યની ચિંતા દૂર થઈ ગઈ હોય એમ તંત્ર માની રહ્યુ હશે. આરોગ્ય કેન્દ્રને નવા મકાનની જરુર છે. અને ડોક્ટરની જરુર તેનાથી પણ વધારે જલદી જરુર છે.
સમય મુજબ તબિબો હાજર હોતા જ નથી
સ્થાનિકોનુ માનીએ તો આ માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન અંગે હજુ ખાસ કંઈ આગળ થયુ નથી. અહીં સ્થાનિક ડોક્ટર પણ નથી. સામાન્ય રીતે એક પીએચસી કેન્દ્રમાં લેબોરેટરી અને દવાઓ તેમ જ કેસબારી સહિતની પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તેમાંથી અહીં કશુ જ નથી. રેશનિંગની દુકાન કરતા પણ ખરાબ હાલતમાં અહીં સરકારી દવાખાનાની છે. સવારે 8.30 થી બપોરે 1 અને સાંજે 4.00 થી 6.10 કલાક સુધી મેડિકલ ઓફીસરોએ ઓપીડી જોવાની હોય છે પરંતુ અહીં આ સમય મુજબ ડોક્ટર જ જોવા મળવા મુશ્કેલ હોય છે.