National Highway: ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિઝ ચોમાસાની શરુઆતે ધોવાયા, ખાડા પડતા રસ્તો જોખમી બન્યો!
નેશનલ હાઈવે માટે સ્થાનિક સાંસદ અને અગ્રણીઓ દ્વારા અનેકવાર હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં હાઈવેની ગુણવત્તા નબળી હોવાને લઈ મોટાભાગના ઓવરબ્રીજ પર ખાડા પડ્યા છે.
શામળાજી ચિલોડા નેશનલ હાઈવે સિક્સ લાઈન તૈયાર થઈ રહ્યો છે. કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. મોટા ભાગના ઓવરબ્રિજ તૈયાર થઈ ચુક્યા છે. તો હાઈવે પણ મોટે ભાગે સિક્સ લાઈનનો પહોળો થઈ ચુક્યો છે અને પેવર પણ કરવામાં આવ્યો છે. જોકે હજુ હાઈવે પૂરો તૈયાર થઈને લોકાર્પણ કરવામાં આવે એ પહેલા જ અનેક ઠેકાળે તૂટી રહ્યો છે. ઓવરબ્રિઝ પર મોટા ગાબડા પડી રહ્યા છે અને ઉદ્ઘાઘટન પહેલા જ ગાબડા પૂરવાની કામગીરી કરવી પડી રહી છે. જેને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે.
નેશનલ હાઈવે માટે સ્થાનિક સાંસદ અને અગ્રણીઓ દ્વારા અનેકવાર હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં હાઈવેની ગુણવત્તા નબળી હોવાને લઈ મોટાભાગના ઓવરબ્રીજ પર ખાડા પડ્યા છે. ચિલોડાથી શામળાજી સુધીમાં અનેક ઓવરબ્રિઝને ડાયવર્ઝન કરવાની ફરજ પડી રહી છે.
પાંચ-પાંચ વાર સમારકામ કરવુ પડ્યુ
શામળાજી થી ચિલોડા સુધીના નેશનલ હાઈવેને હાલમાં સિક્સ લાઈન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સિક્સ લાઈન કામગીરી શરુ થઈ છે ત્યારથી ગોકળ ગતિએ ચાલી રહી છે. માંડ માંડ આગળ વધતુ કાર્ય હવે અંતિમ તબક્કામાંતો પહોંચ્યુ છે પરંતુ સાવ ગુણવત્તા વિનાનુ કરવામાં આવી રહ્યુ છે. હિંમતનગર અને તેની આસપાસના અનેક ઓવરબ્રિઝ પર ખાડા પડવાને લઈ તેનુ અવારનવાર સમારકામ કરવુ પડી રહ્યુ છે. કેટલાક બ્રિઝને તો છેલ્લા એક વર્ષમાં ત્રણ થી પાંચ વાર રિપેર કરવા પડ્યા છે. હિંમતનગરના હાજીપુર, પ્રાંતિજના દલપુર અને પોગલુ ચાર રસ્તા તેમજ જેસિંગપુરના પુલની હાલત એકદમ ખરાબ છે. આ બ્રિજ પર અનેકવાર સમારકામ કરવા પડી રહ્યા છે.
નવા ઓવરબ્રિઝ છતા રિપેર કરવા પડ્યા
હાલમાં ચોમાસાની શરુઆતે જ મોટાભાગના ઓવરબ્રિઝની હલકી ગુણવત્તાના કામની પોલ ખુલવા લાગી છે. સાબરડેરી પાસેના બ્રિઝમાં ગાબડુ પડ્યુ છે. તસ્વીરમાં દેખાય છે એમ મોટાભાગના ઓવરબ્રિજ ખાડા ખડીયા વાળા બન્યા છે. ઓવરબ્રિઝ પરથી પસાર થવુ એ તો જાણે કે જીવના જોખમ સમાન લાગી રહ્યુ છે. મોટા ખાડા અનેક ઓવરબ્રિઝ પર પડ્યા છે. મોટા ખાડા પડવાને લઈ ઓવરબ્રિઝને લઈ વારંવાર બંધ કરવા પડી રહ્યા છે. ઓવરબ્રિઝને અચાનક ડાયવર્ઝન આપવાને બદલે અકસ્માતનુ જોખમ પણ વધી જાય છે.
અગાઉ આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને ફરીયાદો કરવામાં આવી હતી. બાદમાં હાઈવે ઓથોરિટીની દિલ્હીથી ટીમો આવ્યા બાદ પણ કામગીરી ગુણવત્તા સાથે સમાધાન કર્યુ હોય એવી પરિસ્થિતી વાસ્તવિકતામાં જોવા મળી રહી છે. સિક્સ લાઈન હાઈવેને સલામત અને ઝડપી વાહન વ્યવહાર માટે સત્વરે યોગ્ય ગુણવત્તા સાથે બનાવવામાં આવે એવી રાહ સ્થાનિક વાહનચાલકો જોઈ રહ્યા છે. આ માટે ઝડપથી કામગીરી હાથ ધરવાની માંગ થઈ રહી છે.