રાજકોટમાં 2 પોલીસ કર્મચારીની લવ સ્ટોરીમાં પોલીસ બાખડી, જુઓ CCTV
રાજકોટમાં કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કર્મચારી એવા પ્રેમી પંખીડાને લઈને મારામારી થઈ હતી. મારનાર અને માર ખાનાર બન્ને પોલીસ કર્મચારીઓ હોવાથી પોલીસ ચોપડે આ ઘટનાની સત્તાવાર કોઈ નોંધ થવા પામી નથી.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠકને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ થયો હતો. પોલીસ કોન્સ્ટેબલ જીત પાઠક, છેલ્લા સાત દિવસથી મહિલા પોલીસ કોન્સ્ટેબલને ભગાડીને લઈ ગયો હોવાની વાત સામે આવી છે. મહિલા પોલીસ કર્મચારીના ભાઈ PSI હોઈ તેને ગોંડલ નોકરી કરતા તેના બેચમેટ PSI ધામેલીયાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. મિત્રની મદદે મિત્ર આવ્યા અને ગોંડલથી પીએસઆઇ ધામેલીયા , LRD આશિષ ગઢવી તેમજ રાજકોટના યોગી તેમજ નંદન નામના વ્યક્તિઓએ યુવતીને ભગાડી જનાર પોલીસકર્મી જીત પાઠકની શોધખોળ શરૂ કરી હતી.
રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જય રંગાણી, યુવતીને ભગાડી જનાર પોલીસ કોન્સ્ટેબલ જીત પાઠકનો મિત્ર હોઈ તેની ઘરે યુવતી તરફે તપાસ કરવા માટે પીએસઆઇ ધામેલીયા સહિતનાઓ પહોચ્યા હતા. જીત ક્યાં છે ? તેમ કહી જય રંગાણી સાથે મારકૂટ કરાઈ હતી. માથાકૂટ કરી મારામારીની આ ઘટના 30 જૂન 2025 ના રોજ રાત્રે 9.45 વાગ્યે બની હતી.
પોલીસ – પોલીસ વચ્ચે માથાકુટ અને મારપીટની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કાયદાની દ્રષ્ટિએ શાંત અને સલામત એવા ગુજરાતમાં, જો પોલીસ જ આવી બાબતમાં કાયદો હાથમાં લેશે તો અન્ય વ્યક્તિઓ શું બોધપાઠ મેળવશે ? તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલમાં માથાકુટ અને મારપીટના મામલે પોલીસ- પોલીસ વચ્ચે સમાધાન થઇ જતા, આ ઘટનાની કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જો કે જેના માટે પોલીસ બાખડી હતી તે પ્રેમી પંખીડા હજુ પણ ફરાર છે અને પોલીસકર્મી યુવતીના પરિવારજનો તે બંન્નેને શોધી રહ્યા છે.