PM મોદી આજે ગુજરાત પ્રવાસે, વડોદરામાં GEN-Z સાથે સંવાદ કરશે, નવસારીમાં ‘નમો કમલમ્’નું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં PM મોદી હાજરી આપશે. વડોદરામાં તેઓ ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં GEN-Z સાથે સંવાદ કરશે, જ્યારે નવસારીમાં જિલ્લા ભાજપના નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં PM મોદી હાજરી આપશે. વડોદરામાં તેઓ ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં GEN-Z સાથે સંવાદ કરશે, જ્યારે નવસારીમાં જિલ્લા ભાજપના નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
વડોદરામાં GEN-Z સાથે PM મોદીનો સંવાદ
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીના પેવિલિયન મેદાનમાં ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી યુવાનો, GEN-Z વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરશે.
કાર્યક્રમને ખાસ બનાવવા માટે વડાપ્રધાનના સ્ટેજ સાથે ‘Y’ આકારનો વિશેષ રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. રેમ્પની આસપાસ યુવાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. PM મોદી રેમ્પ પર ચાલતા-ચાલતા યુવાનો સાથે સંવાદ કરશે અને તેમનું અભિવાદન પણ ઝીલશે.
₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
વડોદરાના કાર્યક્રમ દરમિયાન ગુજરાતને વિકાસકાર્યોની મોટી ભેટ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે. નેશનલ હાઈવે સાથે જોડાયેલા મહત્વના પ્રોજેક્ટ્સનું પણ શિલાન્યાસ PM મોદીના હસ્તે કરવામાં આવશે.
વડોદરા બાદ નવસારી પહોંચશે PM મોદી
વડોદરાના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે જશે. અહીં નેશનલ હાઈવે નજીક આવેલા જિલ્લા ભાજપના નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
નવસારીમાં PM મોદીના આગમનને લઈને પણ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે.
AI અને ડિજિટલ ટેક્નોલૉજીથી સજ્જ ‘નમો કમલમ્’
નવસારીના ‘નમો કમલમ્’ કાર્યાલયની સૌથી મોટી વિશેષતા તેની આધુનિક ટેક્નોલૉજી આધારિત સુવિધાઓ છે. કાર્યાલયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલૉજી, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને ડિજિટલ કોન્ફરન્સ રૂમ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સુવિધાઓના કારણે સંગઠનાત્મક કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનવાની સાથે કાર્યકરો વચ્ચેનું સંકલન પણ વધુ અસરકારક બનશે. કાર્યાલયમાં ડિજિટલ વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાથી સંગઠનનું કામકાજ વધુ પેપરલેસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ પણ રહેશે ઉપસ્થિત
‘નમો કમલમ્’ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપરાંત નવસારીના બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષણવિદો અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો ગુજરાત પ્રવાસ રાજકીય અને વિકાસલક્ષી બંને દૃષ્ટિએ મહત્વનો બની રહ્યો છે. વડોદરામાં યુવાનો સાથે સંવાદથી લઈને ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો અને નવસારીમાં આધુનિક ‘નમો કમલમ્’ના ઉદ્ઘાટન સુધી, PM મોદીના પ્રવાસ દરમિયાન અનેક મહત્વના કાર્યક્રમો યોજાશે.
જાણો PM મોદી કયા સમયે ક્યાં પહોંચશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને બપોરે 12થી 1:15 વાગ્યા સુધી કાર્યક્રમ સ્થળે હાજરી આપશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં બપોરે 2:45થી 4 વાગ્યા સુધી ‘નમો કમલમ્’ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રવાસ પૂર્ણ કરીને સાંજે 4:30 વાગ્યે સુરત એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે.
આ પણ વાંચો- Amreli: રાજુલામાં સફાઈ કામગીરીના નામે ફોટોસેશન, પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો