Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય, 8-10 પશુઓમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા
દ્વારકાના ખંભાળિયામાં 8 થી 10 પશુઓમાં લમ્પી વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો દેખાતા ખળભળાટ મચી ગયો છે. પશુઓમાં ચામડીના રોગ જેવા ફોડકા જોવા મળ્યા બાદ તાત્કાલિક બ્લડ સેમ્પલ લેવાઈને તપાસ માટે મોકલાયા છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઘી ડેમ વિસ્તારમાં આશરે 8 થી 10 પશુઓમાં લમ્પી વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો દેખાતા સ્થાનિક પશુપાલકોમાં ખળભળાટ મચી ગયો છે. પશુઓની ચામડી પર ફોડકા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ લમ્પી વાયરસની શક્યતાને લઈ ચિંતા વ્યાપી છે.
આ મામલો સામે આવતાની સાથે જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીમાર પશુઓના બ્લડ સેમ્પલ તાત્કાલિક એકત્રિત કરીને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. પશુચિકિત્સકોની એક ટીમે સ્થળ પર પહોંચીને બીમાર પશુઓની સારવાર શરૂ કરી દીધી છે. ટીમ દ્વારા પશુઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પશુપાલકોમાં એવી માગ ઉઠી છે કે રખડતા પશુઓમાં પણ આવા લક્ષણો જોવા મળે છે કે કેમ, તે અંગે સર્વે હાથ ધરવામાં આવે. હાલમાં, આ લક્ષણો ખરેખર લમ્પી વાયરસના છે કે અન્ય કોઈ બીમારીના, તે અંગેની સ્પષ્ટતા લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ થશે. તંત્ર અને પશુચિકિત્સા ટીમ પરિસ્થિતિ પર સતર્ક નજર રાખી રહી છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. પશુપાલકોને પણ બીમાર પશુઓ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ છે.
ગુજરાતના ભવિષ્યનો મેગા પ્રોજેક્ટ, કલ્પસરથી પાણી, ઊર્જા અને કનેક્ટિવિટીમાં મોટો બદલાવ, જુઓ Video

