નર્મદામાં કેવડિયા કોલોનીમાં ભાજપની 10મી ચિંતન શિબિર ચાલી રહી છે. આ ચિંતન શિબિરરના બીજા દિવસે અલગ અલગ મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યુ. જેમા કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ અમરજીત સિન્હાનું વિશેષ સત્ર યોજાયુ. અમરજીત સિન્હાએ વિકાસ મુદ્દે સંબોધન કરી વિશેષ માર્ગદર્શન આપ્યુ. તેમણે વિવિધ ક્ષેત્રમાં રહેલી વિકાસની તકો અને પડકારો અંગે પ્રેઝન્ટેશન કર્યુ. અમરજૂત સિન્હાએ 10 મુદ્દા આધારિત વિકાસની વિભાવના આપી. ટકાઉ વિકાસની મુખ્ય બાબતો અને અમલીકરણના મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરી તેમણે ગ્રામીણ વિકાસ અને સ્કીલ ઈન્ડિયાના ક્ન્સેપ્ટ દ્વારા ગામડાઓને ફરી બેઠા કરવા અંગે માર્ગદર્શન આપ્યુ, આ વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન અલગ અલગ 5 વિષયો પર ગૃપ ડિસ્કશન કરવામાં આવ્યુ. જેમા આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, કર્મચારીઓની તાલીમ અને શ્રમતા નિર્માણ, ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય વિકાસ અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓ સહિત અધિકારીઓને 5 ગૃપમાં વહેંચીને ગૃપવાઈઝ ડિસ્કશન કરવામાં આવ્યુ. ગૃપ ડિસ્કશનના મહત્વના મુદ્દાઓનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. મહત્વના 5 વિષયના સંબંધિત વિભાગોના વડા દ્વારા જે તે મુદ્દાઓને આધીન પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
આ ચિંતન શિબિરના બીજા દિવસે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ સચિવ અમરજીત સિંહાએ ડેવલપમેન્ટ ઇસ્યુ વિષયક વિચારપ્રેરક પ્રવચન આપતા કહ્યું કે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રીયા છે. વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. અમૃત કાળમાં લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે ત્યારે, ગુજરાતે છેવાડાના માનવીના સમાવેશી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, વીજળી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી સમગ્ર દેશમાં વિકાસના માપદંડોમાં અગ્રેસર છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવા માટે ચિંતન શિબિરના માધ્યમથી સામુહિક મંથનનો પ્રયાસ અનુકરણીય છે.
ગુજરાત અનેક ક્ષેત્રેમાં અગ્રેસર છે, તેમ કહેતા તેમણે જણાવ્યું કે, માથાદીઠ આવક, ઉત્પાદન, દેશની કુલ નિકાસમાં 22 ટકા હિસ્સો, 43 ટકા શહેરીકરણ, નલ સે જલનું સુદ્રઢ અમલીકરણ, દેશના કુલમાંથી 40 ટકા પોર્ટ કાર્ગો હેન્ડલિંગ સાથે ગ્રામીણ વસ્તીના 34 લાખ લોકોને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યા છે. આ સિદ્ધિ નોંધનીય છે. સિંહાએ કહ્યું કે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રોનો પણ સાતત્યપૂર્ણ વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. જે ગરીબ નિર્મૂલન માટે ખૂબ જ અગત્યની બાબત છે.
તેમણે વિકાસના પાયામાં મહિલાઓની ભાગીદારી મહત્વની હોવા પર ભાર મૂકતા કહ્યું કે, વિશ્વના જે દેશો વિકસિત છે, તેના સ્ત્રી શિક્ષણનું પ્રમાણ જોઇએ તો માલૂમ પડશે કે ત્યાં સ્ત્રી શિક્ષણનો દર વધું છે. ભારતમાં આપણે હજુ ઉચ્ચ શિક્ષણમાં જેન્ડર ગેપ પૂરવાની જરૂર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યા છે. જેના ઉત્તમ પરિણામો મળી રહ્યા છે.
વિકાસના પાયામાં ગરીબી નિર્મૂલન છે, તે દિશામાં કામ કરી રહેલા કેટલાક રાજ્યોના સંદર્ભમાં તેના કેટલાક માપદંડોની માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, મહિલાઓને ઉચ્ચ શિક્ષણ, ફર્ટીલિટિમાં ઘટાડો, આરોગ્યક્ષેત્રમાં સુધારો, મહિલાઓના સ્વસહાય જૂથોની રચના કરી તેને પગભર કરવા, કૌશલ્યવર્ધન થકી આજીવિકાના વિવિધ સ્ત્રોતોનું નિર્માણ અને સ્વસહાય જૂથોનું બેંક સાથે જોડાણ જેવી બાબતો અગત્યની હોવાનું તેમણે કહ્યું હતું.
અમરજીત સિન્હાએ 10 મુદ્દા આધારિત વિકાસની વિભાવના આપી હતી. જેમાં કોમ્યુનિટી એકશન પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી અને નવજાત બાળકોની કાળજી માટે ઘરગથ્થું ઉપાયો, બાળકોનું સંપૂર્ણ અને અસરકારક રસીકરણ જેવી બાબતોની વિભાવનાઓ ઉપર તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.
Published On - 5:15 pm, Sat, 20 May 23