ભુજ મંદિરમાં ભગવાન પર ફરી એકવાર સુવર્ણ વર્ષા થઇ છે. હાલ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બીરાજમાન નરનારાયણ દેવની સ્થાપના કરાયેલ મૂર્તીને 200 વર્ષ પૂર્ણ થયા છે. ભગવાન સ્વામિનારાયણ દ્રારા સ્વહસ્તે આ મૂર્તીને સ્થાપીત કરાઇ છે ત્યારે તેનો મહિમા પણ અનેરો માનવમાં આવે છે.
હાલ 18 તારીખે શરૂ થયેલા મહોત્સવમાં ભક્તો માટે વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. મહત્વનુ છે કે, ધાર્મિકતા સાથે સામાજીક સંદેશાઓ આપતા અનેક પ્રદર્શન પણ ખુલ્લા મુકાયા છે ત્યારે મહોત્સવના ત્રીજા દિવસે દેશ-વિદેશના દાતાઓએ કરોડો રૂપીયાના સોનાના આભુષણોની ભગવાનને ભેટ આપી હતી.
કચ્છમાં પ્રથમવાર યોજાઇ રહેલા ભવ્ય મહોત્સવ માટે દેશ અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે ત્યારે ભક્તિની સાથે પોતાનો ભાવ પ્રગટ કરવા માટે આજે દાતા દ્વારા ભગવાન કૃષ્ણ, રાધાજી અને હરિકૃષ્ણ મહારાજ માટે સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અર્પણવીધી પૂર્વે વાજતેગાજતે યજમાનો સુવર્ણ વાઘા લઇને કથા સ્થળ પર પહોચ્યા હતા. અને તેમણે આ વાઘા નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કર્યા હતાં.
સુવર્ણ વાધા સાથે યજમાનો દ્વારા સુવર્ણનાં મોળીયા, સુવર્ણની છત્ર સહિતનાં અન્ય આભૂષણની ભેટ ભગવાનને અર્પણ કરાઇ હતી. અંદાજીત 27 જેટલા દાત્તા પરિવારોએ મહોત્સવ પૂર્વે જ ભગવાનને સુવર્ણ ભેટ આપવાની જાહેરાત કરી હતી. જેમાં સુવર્ણનાં વાઘા, સુવર્ણના હાર, સુવર્ણની મોજડી સહિતનુ સુવર્ણદાન કર્યુ હતુ ત્યારે મહોત્સવ દરમ્યાન વિદેશ વસતા દાતાઓએ ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં સદ્ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસજી, આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી, ઉપમહંત સ્વામી ભગવદજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત કોઠારી દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી સુખદેવસ્વરૂપસ્વામી, શાસ્ત્રી દેવચરણસ્વામી આદિ સંતો પણ જોડાયા હતાં.
આ પણ વાંચો : પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો વિગત
ભુજમાં ચાલી રહેલા મહોત્સવ દરમ્યાન દેશ-વિદેશથી લાખો ભક્તો આવી રહ્યા છે. અત્યાર સુધી મહોત્સવમાં 7 લાખ જેટલા લોકો મુલાકાત લઇ ચુક્યા છે. અને વિવિધ કાર્યક્રમોનું અહી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ત્રીજા દિવસે સેવાકીય પ્રવૃતિ, ધાર્મીક સાહિત્યોના વિમોચન સાથે સુવર્ણદાનનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો જેને નિહાળવા હજારોની જનમેદની મેદની એકઠી થઇ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…