કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભચાઉના દૂધઈ નજીક બપોરે 1.51 આસપાસ 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 25 કિમી દૂર નોર્ટ ઈસ્ટ દૂધઈ નોંધાયુ છે. જો કે હળવા આંચકા હોવાથી કોઈ નુકસાનીના સમાચાર નથી. વારંવાર આ પ્રકારના ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અગાઉ 9 ફેબ્રુઆરીએ પણ દૂધઈમાં 3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ પહેલા 5 ફેબ્રુઆરીએ કચ્છના ભચાઉમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ સાથે આજે 11 ફેબ્રુઆરીએ સુરતમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયુ છે. સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હતો. જેના કારણે શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે તેનાથી કોઈ નુકસાની થવા પામી નથી.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં 8 વાર ધરા ધ્રુજી છે. જેમા સૌથી વધુ આજે 11 ફેબ્રુઆરીએ ભચાઉ નજીક દૂધઈમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. હજુ એક દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0ની નોંધાઈ હતી. આ ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને તેમના મનમાં 26 જાન્યુઆરીના એ ગોજારા ભૂકંપની યાદો તાજી થઈ જાય છે.
આ અગાઉ 6 ફેબ્રુઆરીએ અમરેલીના મિતિયાળામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એ પહેલા 4 ફેબ્રુઆરીએ પણ અમરેલીના મિતિયાળામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્ય હતો. એજ દિવસે ગોંડલમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 2 ફેબ્રુઆરીએ પણ અમરેલીમા 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ પણ મિતિયાળા આસપાસ નોંધાયુ હતુ.
આ પણ વાંચો: Earthquake hit Turkey: ભૂકંપગ્રસ્ત તુર્કીમાં ભારતે એવુ તો શુ કર્યું કે પાકિસ્તાનના મોતિયા મરી ગયા?
આપને જણાવી દઈએ કે તૂર્કી અને સિરીયામાં આવેલા વિનાશક અને ભયાનક ધરતીકંપ બાદ ગુજરાતમાં પણ ભૂસ્તરીય ગતિવિધિ સક્રિય થઈ હોવાનુ ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. જેના કારણે અહીં પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે.
Published On - 2:25 pm, Sat, 11 February 23